૨૨. સખી ભક્તિ ધરમના પુરમાં રે

રાગ ગરબી


પદ ૧

સખી ભક્તિ ધરમના પુરમાં રે, હરિ કરે છે સુંદર ખેલ;

મુને પ્યારો લાગે કુંવર ધર્મનો રે. ટેક.

હરિ સંગે સખાની મંડળી રે, લઈ ચાલ્યા સુંદરવર છેલ. મુ.૧

વા’લો શોભે છે અતિ રળિયામણા રે,

કરે ખ્યાલ નવીન અલબેલ; મુ.

હરિ ચાલે છે ચાલ ઉતાવળી રે, હું તો દેખી મોહી રંગરેલ. મુ.૨

વા’લો આવે છે સનમુખ હેરતા રે,

મારાં નીરખીને નેણ ઠરેલ; મુ.

સખી અવધપ્રસાદના નાથને રે,

જોઈ ભરવી ભૂલી જળ હેલ. મુ.૩


પદ ૨

સખી સર્વે સખાના સંગમાં રે, આજ જોયા સુંદર ઘનશ્યામ;

હું તો હરખી મોહી એના રંગમાં રે. ટેક.

હરિ ચાલ્યા નાવા ગૌઘાટમાં રે, સંગે સખા લઈ બલરામ. હું.૧

હરિએબાંધી છે જરકસી પાઘડી રે, ઓઢી ઉપરણી ઘનશ્યામ; હું.

હરિ વિશ્વામિત્રીમાં નાહીને રે, ગૌદાન આપ્યાં અભિરામ. હું.૨

સખી વિપ્રને ત્યાં બોલાવિયા રે, કરવા ભોજન બહુ સુખધામ; હું.

પાછા સખા લઈ આવિયા રે, તેમાં કનૈ ને મંછારામ; હું.૩

પહલવાન સખા સંગ શોભતા રે, વળી નિશ્ચલ વિરજ્યા રામ; હું.

અવધપ્રસાદનો વાલમો રે, સખા સંગે વિશ્રામ. હું.૪


પદ ૩

સખી ભક્તિ ધર્મને આંગણે રે, મુક્ત સંગ રમે જગવંદ;

એવા નીરખ્યા શ્રી ઘનશ્યામને રે. ટેક.

સખી એની અલૌકિક મૂરતિ રે, જોઈ ઝાંખાં થયાં સૂર ચંદ. એ.૧

સખી આડી તે નજરે હેરતા રે, વાલો ટાળે છે જનના ફંદ; એ.

પાવ પાદુકા પહેરીને ચાલતારે, સખી શામળિયો સ્વછંદ. એ.૨

સખી સુંદરવર સુખધામને રે, જોઈ ન્યાલ થયા મુનિવૃંદ; એ.

સખી કર ગ્રહીને ખેલતા રે, સખા સંગે કરે યુદ્ધ દ્વંદ. એ.૩

એવી રીત્યે તે સુખને આપતા રે, છપૈયામેં તે બાલમુકુંદ. એ.

સખી અવધપ્રસાદ કે’ જોઈને રે, અતિ ઉરમેં થયો આનંદ. એ.૪

પદ ૪

સખી નારાયણ સર જોઈને રે, હરિ મનમાં અતિ હરખાય,

જેને સુધા સિંધુ સરખું કર્યું રે. ટેક.

એનો મહિમા તે શો કહું મુખથી રે, મોટા મોટા મુનિવર ગાય. જે.૧

સખી સર્વે સખા સંગે લેઈને રે, તેમાં હેતે હરિ નિત નહાય; જે.

હરિ ડબકી મારે અતિ હેતશું રે, વળી ઝાલે સખાની બાંય. જે.૨

વાલો પાટુડિયેં રમે પ્રીતશું રે, તેને જોવા બ્રહ્માદિક ચ્હાય; જે.

વાલો નરવિર સરમાં નાઈને રે, ફરે ત્રટમાં નિત હરિરાય. જે.૩

સખી એ સર ત્રટ વૃક્ષ વેલિયું રે, તેનો મહિમા કહ્યો નવ જાય; જે.

સખી અવધપ્રસાદના નાથ રે, અતિ વહાલું લાગે મન માંય. જે.૪



શબ્દાર્થ સૂચી

પદ ૩

ફંદ - સંસાર, બંધન

યુદ્ધ દ્વંદ – કુસ્તી

પાવ - ચરણ


પદ ૪

સર – તળાવ

સુધાસિંધુ - અમૃતનો સાગર

ત્રટ - તટ, કિનારો