૨૧. શ્રી સહજાનંદ શ્યામ મળો રે

રાગ ગરબી


પદ ૧

શ્રી સહજાનંદ શ્યામ મળો રે, અક્ષર પર અવિનાશ;

સખી જોને શ્યામને રે. ટેક.

અલબેલે અમદાવાદમાં રે, મંદિરમાં કર્યો વાસ. સ.૧

સંતસભા મધ્યે આવીને રે, બેઠા પાટે બહુનામી; સ.

શોભા તે શ્રી ઘનશ્યામની રે, નીરખી થાયે નિષ્કામી. સ.૨

શોભે છે શ્રીહરિ સંતમાં રે, તારા મધ્યે જેમ ચંદ; સ.

મૂર્તિ તે જોઈ મહારાજની રે, થાય અતિ આનંદ. સ.૩

હરિવર હેતે શું હેરીને રે, ઉપજાવે જનને ઉમંગ; સ.

બેઠા તે બહુ હેતે કરી રે, અવધપ્રસાદને સંગ. સ.૪


પદ ૨

ચાલ સખી ચોંપે કરી રે, જોવા જાયે જગદીશ;

શોભે છે સંતમાં રે. ટેક.

મુગટ મણિમય શોભતો રે, હરિએ હેતે ધર્યો શીશ. શો.૧

ભાલ તિલક કોઈ ભાત્યનું રે, કેસર કેરું કરેલ; શો.

શામક બાણ સરીખડી રે, ભ્રકુટિ રંગ ભરેલ. શો.૨

નેણાંમેં નૌતમ નાથને રે, રાતી રૂપાળી રેખ; શો.

નમની તે નાથની નાસિકા રે, પ્રીત કરીને પેખ. શો.૩

શી કહું શોભા કાનની રે, શ્યામ બિંદુ મહીં સાર; શો.

અવધપ્રસાદને વાલમે રે, ગુચ્છ પહેર્યો કરી પ્યાર. શો.૪


પદ ૩

જોને સખી જગદીશને રે, તિલ એક ગોળ કપોળે;

તેની શોભા શી કહું રે. ટેક.

મરમાળી મૂછ રેખને રે, ધ્યાન ધરી મુનિ ખોળે. તે.૧

અધર પ્રવાલા સરખા રે, દાડમ કળી જેવા દાંત; તે.

શ્યામ ચિહ્‌ન છે દાઢમાં રે, નીરખીને થાય નિરાંત. તે.૨

રૂપાળી ઊઠે છે રેખડી રે, મંદ મંદ હસતાં મુખ; તે.

મીઠું મીઠું બોલી માવજી રે, આપે અલૌકિક સુખ. તે.૩

ચિબુક ઉપર નાથને રે, કાળા છે સુંદર કેશ; તે.

અવધપ્રસાદનો વાલમો રે, શોભે છે નટવર વેશ. તે.૪


પદ ૪

સુંદર શ્રી ઘનશ્યામને રે, દાઢી હેઠો તિલ એક;

એને રાખું આંખમાં રે. ટેક.

કંઠ તે કંબુ સરીખડો રે, ભાળે છે ભક્ત અનેક. એ.૧

જત્રુ તે જીવનપ્રાણની રે, જોઈને જન લલચાય; એ.

અંશ તે ઉપડતા અતિ રે, દેખીને દુઃખ જાય. એ.૨

ભુજા ઉપર ભગવાનને, છાપના ચિહ્‌ન છે સાર; એ.

કૂણિયું શ્યામની શોભતી રે, પામે નહિ કોઈ પાર. એ.૩

પોંચા ઉપર ચિહ્‌ન છાપનાં રે, કાંડા કઠણ બળવાણ; એ.

અવધપ્રસાદનો વાલમો રે, શોભે છે ભીને વાન. એ.૪


પદ ૫

રૂડી અતિ રળિયામણી રે, હરિની હથેળિયું રાતી;

ચોરે છે ચિત્તને રે. ટેક.

શ્યામ રેખું તેમાં શોભતી રે, અરુણ આંગળિયુંની પાંતિ. ચો.૧

નખની તે કાંતિ જોઈને રે, લાજે છે શિશ અરુ સુર; ચો.

કરભ ઉપર કેશ શ્યામ છે રે, દેખીને દુઃખ થાય દૂર. ચો.૨

બેઉ ભુજા બહુ નામીના રે, જાનુ સુધી જોને શોભે; ચો.

ઊપડતી છાતી ઓપતી રે, જોઈ જોઈને જન લોભે. ચો.૩

શ્યામ સ્તન શોભે ઘણાં રે, કેશ સહિત કરી જોર; ચો.

અવધપ્રસાદ હરિ ચાંદમેં રે, જોવે છે જનચકોર. ચો.૪


પદ ૬

શોભે તે શી કહું ઉરની રે, શ્રી વચ્છ ચિહ્‌ન સહિત;

હેરે જન હેતશું રે. ટેક.

ઉદરે ત્રિવલી જોઈને રે, શાંતિ થાય છે ચિત્ત. હે.૧

નાભિ તે ગોળ ગંભીર છે રે, કમળ કેરે આકાર; હે.

શ્યામ કટિ ને ઉપરે રે, કનક કંદોરો સાર. હે.૨

કેળ ને કરભ સરીખડા રે, સાથળ સુંદર શોભે; હે.

જાનુ જુગલ જગદીશના રે, લોચન નીરખીને લોભે. હે.૩

પિંડિયું પ્રાણ આધારની રે, સુખને શાંતિ કરે છે; હે.

અવધપ્રસાદના નાથને રે, નીરખીને નેણ ઠરે છે. હે.૪


પદ ૭

જોને સખી ઘનશ્યામની રે, સુંદર ઘૂંટિયું શ્યામ;

જીવું છું જોઈને રે. ટેક.

બેઉ ચરણ બહુનામીનાં રે, અતિ કોમળ અભિરામ. જી.૧

અંગૂઠા આંગળિયું તણા રે, ચિહ્‌ન તે ચિત્ત હરે છે; જી.

નખમણિ કાંતિ કરી રે, ચંદને ઝાંખો કરે છે. જી.૨

જમણે અંગૂઠે તિલ છે રે, નીરખવા જેવો નિત્ય; જી.

નખમાં તે ચિહ્‌નને જોઈને રે, પૂરણ વાધે પ્રીત. જી.૩

મરમાળા મોહનલાલને રે, ચલણ તળે ચિહ્‌ન સોળ; જી.

અવધપ્રસાદના નાથની રે, પાનિયું સુંદર ગોળ. જી.૪


પદ ૮

હરિવર હેતે શું પે’રિયા રે, શોભિતા શણગાર;

શોભા તેની શી કહું રે. ટેક.

શ્વેત ધોતી પહેરી શામળે રે, કમર કસી પ્યાર. શો.૧

જરકસી જામો પે’રિયો રે, ઉપરણી અનુપ; શો.

પેચાળી પાઘને ઉપરે રે, છોગાં ધર્યાં સુખરૂપ. શો.૨

બાંયે બાજુબંધ બેરખા રે, હૈડે ગુલાબના હાર; શો.

વેઢ વીંટી કડાં સાંકળાં રે, કુંડળ મકરાકાર. શો.૩

નખશિખ મૂર્તિ નાથની રે, ધ્યાન ધરી લાવો ચિત્ત; શો.

અવધપ્રસાદના નાથનમે રે, રાખો અંતરમાં નિત. શો.૪



શબ્દાર્થ સૂચી

પદ ૨

ચોંપે કરી - ઉત્સાહથી, ખંતથી

પેખ - જોવું


પદ ૩

અધર – હોઠ

ચિબુક - દાઢી


પદ ૪

કંબુ – શંખ

જત્રુ – હાંસડી

અંશ – ખભા

કૂણિયું - કોણી


પદ ૫

પાંતિ - પંક્તિ, હાર

શશી અરુ સૂર - ચંદ્ર અને સૂર્ય

કરભ - હથેળીનો પાછલો ભાગદ્બભુજા - હાથ


પદ ૬

જાનું - ઢીંચણ, ગોઠણ