૧૧૩

સર્વેના આધાર સર્વેના કર્તા, સર્વેના નિયંતા, સર્વે દિવ્યના દિવ્ય ભગવાન આપણને મળ્યા છે તેથી જેને અખંડ સોહાગી થાવું હોય તેને મોહ નિદ્રામાંથી જાગી જોવું, દાસપણું રાખવું. શુદ્ધ પાત્ર થાય ત્યારે ભગવાન રહે, જેમ સિંહણનું દૂધ સોનાનાં પાત્રમાં જ રહે છે તેમ. જેને નિશ્ચયનું કાચું હોય તેની વાત તે જાણે. મહારાજ અને તેમના અનાદિ તો આ રહ્યા પ્રત્યક્ષ છે. તેજોમય ફુવારા ઝળળ ઝળળ છૂટે છે. આપણે તો મહારાજ અને મહારાજના મુક્તને વળગી રહેવું.

મૂર્તિ છે તે ચિંતામણિ છે, કલ્પતરૂ છે, મહા મોંઘી વસ્તુ છે. તેને મોટા મુક્ત પારખે છે. જેવા તેવાનું આમાં કામ નથી. માટે આપણે તો મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ રાખવી. ક્ષર, અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ તેને બાઝવું. મૂર્તિમાંથી અનુભવજ્ઞાનની ખુશબોના ગોટા આવે તે લેવા.