૩૪

અનાદિની પંકિતમાં ભળ્યા વિના સુખ થાય નહિ અને મોટા સાથે મન બાંધે તો બધું પુરું થઈ જાય. વાત તો અતિ જબરી છે, તે જો સમજાય તો દિવાના થઈ જવાય. "જેને જોઈએ તે આવો મોક્ષ માગવા" એમ મર્મમાં વાત કરીને પછી બોલ્યા જે, શાસ્ત્રમાં હોય તેનાથી નવા શબ્દ આવે, તે શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા એવા અનાદિમુક્ત બોલે છે, ને તેમાં મહારાજની મૂર્તિ આવે છે; તેથી આનંદ થાય છે. આજ તમને જે વસ્તુ મળી છે તે તો બહુ જ ભારે છે. તેને ખાઓ, ખાઓ કહીએ છીએ પણ કોઈ ખાય નહિ ને મોટા મુક્ત કોળિયા વાળીને દે તો પણ ઠીક ન લાગે. સત્સંગમાં ને લોકમાં પ્રમાણ કરે એવો ખરો સમાગમ કરવો. દાસપણે રહે ને નવા નવા સુખની ઇચ્છા કરે તો પડદા તૂટી જાય ને સુખ સમજાતું જાય ને મહારાજની મૂર્તિમાં ગયા કેડે પણ નવું નવું સુખ મળતું જાય, પણ સુખની હદ આવે નહિ. અનાદિમુક્તને પણ એ સુખનો પાર આવતો નથી તો બીજાને તો પાર આવે જ ક્યાંથી? આ સભામાં એનું એ જ સુખ છે.