આ તો બહુ જબરી વાત છે. નવીન નવીન શબ્દ નીકળે છે. સ્વામિનારાયણ કહેવું તે પણ જેવા છે તેવા ઓળખીને કહેવાય તો ઠીક અને સાધુને પણ ઓળખીને સાધુ કહેવાય તો ઠીક. સાધુને પણ ઓળખવા જોઈએ, પણ અઠે દ્વારકા કરીને બેસવું નહિ. મહાપ્રભુજીની મૂર્તિમાં રસબસ થયા હોય તેવા સાધુને ખોળી કાઢીને આપણે પણ મહાપ્રભુજીની મૂર્તિમાં રસબસ થઈ જવું; ત્યારે જ સુખ આવે. તે વિના તો સુખ ક્યારેય પણ ન આવે. એ સુખ પણ અનાદિમુક્ત દ્વારાએ સત્સંગમાં પ્રવર્તે છે; જેમ મેઘ વૃષ્ટિ કરીને ચાર ખાણના જીવોને સુખિયા રાખે છે તેમ. પાકશાળાના પીરસનારા અનાદિમુક્ત તથા પરમ એકાંતિક મુક્ત છે તે શ્રીજીમહારાજનું સુખ જીવોને આપે છે. કેવી રીતે? તો વાણીએ કરીને આપે છે, વાતેચીતે કરીને આપે છે, દૃષ્ટિએ કરીને આપે છે, સંકલ્પે કરીને આપે છે, પ્રસાદીએ કરીને આપે છે, મળવે કરીને આપે છે, એમ સુખિયા કરે છે. જેમ લોકમાં બાર વરસે કપિલા છઠ આવે છે, તેને માટે લોક તાકીને બેસે છે, તેમ આ વખતે તમારે કપિલા છઠ આવી છે. મહદ્ પર્વ આવ્યું છે, તેને માટે તાકીને બેસવું. આ ગૌમુખીમાંથી શ્રીજીમહારાજનો રસ વરસે છે એટલે સુખ આવે છે, માટે તાકીને બેસે તો બહુ જ સુખિયું થવાય.