આ જોગમાં શાંતિ શાંતિ રહી છે તેનું કારણ એ છે જે, મૂર્તિ રહી છે. અનાદિમુક્તના શબ્દમાં સુખ આવે, કેમ જે મૂર્તિમાં રહીને બોલે છે. આ જ્ઞાનરૂપી અને મૂર્તિરૂપી યજ્ઞ તે શ્રીજીમહારાજનો છે, પીરસનારા અનાદિમુક્ત છે અને જમનારા સાધનદશાવાળા છે. પરમ એકાંતિક, અનાદિમુક્ત અને શ્રીજીમહારાજ તે તો ભેળા જ છે. અનાદિમુક્ત તો મૂર્તિમાં જ રહ્યા છે માટે મહારાજ વિના એકલા આવ્યા છે એમ ન જાણવું. એમની દૃષ્ટિમાં માયા જ નથી. આ લોકમાં બીએ, ભાગે, હારે, જીતે એ તો આ લોકની રીતિ છે પણ તે તો મૂર્તિમાં જ છે. સાધનવાળાને સુખ આપે છે તે મહારાજ આપે છે એમ જાણે છે પણ અમો આપીએ છીએ એમ નથી માનતા.