૪૨
શ્રીજીમહારાજે અમદાવાદના 7મા વચનામૃતમાં કહ્યું છે જે ગરુડ ઊડી શક્યો નહિ, પછી અમે એકલા જ ઊડ્યા. એમાં સમજવાનું એ છે જે ગુરુડની ગતિ ગોલોકથી આગળ ન ચાલી તેમ સાધનની ગતિ ગોલોકથી આગળ નથી. ગોલોકથી આગળ તો કૃપાએ ચલાય છે. ગોલોક સુધી સાધન ચાલે, ત્યાંથી સાધન તૂટ્યાં. પછી તો શ્રીજીમહારાજ અથવા મુક્ત કૃપા કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવે, ત્યારે પરમએકાંતિક થાય. પછી શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન છૂટે છે, તે મૂર્તિમાં લઈ જાય છે. જેમ સમુદ્રમાંથી વેળ આવે તે વેળ પાછી વળે ત્યારે જીવજંતુને પાછા લઈ જાય છે, તેમ અનુભવજ્ઞાન મૂર્તિમાં લઈ જાય છે ત્યારે તે મુક્ત અનાદિ કહેવાય છે. તે અનુભવજ્ઞાન તે અનાદિમુક્ત જાણવા. આજ તો કૃપાસાધ્ય મહારાજ ને કૃપાસાધ્ય મુક્ત છે. આવા મહારાજ ને આવા મુક્ત કૃપા કરીને પધાર્યા છે, ને કૃપા કરીને મહિમાની વાત કરે છે, તેમાં કોઈને એમ થાય જે આ તો પોતાનો મહિમા કહે છે, પણ અમે તો ધણીનો ને ધણીના લાડીલા મુક્તનો મહિમા કૃપા કરીને કહીએ છીએ. તે જે માનશે તેને અમે જ્યાંથી આવ્યા છીએ ને જ્યાં રહીએ છીએ ત્યાં લઈ જઈને રાખીશું ને જેટલું છે તે સર્વે સુખ આપીશું. જેને વિશ્વાસ નહિ હોય ને આગળ થઈ ગયા તેવા આજ નથી, એમ સમજતા હશે, તેને ખોટ બહુ જ આવશે. અમારે તો સર્વેને લઈ જવા છે ને સર્વેને સમજાવી દેવા છે, પછી માનો કે ન માનો પણ જેમ છે તેમ કહેવું છે. માટે અમારો દાખડો ભલા થઈને સુફળ કરજો, એટલે વાતો સાચી માનજો તો અમે તમામ પૂરું કરી દઈશું ને નહિ માનો તો અમારે ફેર દાખડો કરવો પડશે ને તમારે પણ ફેર જન્મ ધરવો પડશે ને નવ મહિનાની કેદ મળશે. તે દિવસે પણ આ વાત સમજશો તો જ પૂરું થશે. ને તે દિવસે પણ નહિ માનો તો વળી અધુરું રહેશે.