૨૨

આ જોગ બહુ સારો છે માટે કરી લેવો. આ જોગ સદા ન રહે. ઓચિંતાનો દેહ પડી જાય કે ઓચિંતાનો જોગ મટી જાય માટે ઝટ કરી લો. આ તો વિજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. જેમ વરસાદ વરસે ત્યારે સર્વત્ર જળ હોય ને પછી કાંઈ ન મળે તેમ આ જોગ સદા ન હોય. આ જોગ ગયા કેડે આવો જોગ મળવો ઘણો દુર્લભ છે. બીજા મળે તો સંગદોષ પણ લાગી જાય, અને મોટા તો સંગદોષ પણ લાગવા દે નહિ ને મોક્ષ કરે. જેમ સમુદ્રને સુખે કરોડો મગર મચ્છાદિક જળજંતુ સુખી રહે છે, તેમ આ પુરુષને જોગે કરોડો જીવ સુખી છે; એવા જોગમાં તમે આવી પહોંચ્યા છો. મોટાના સંકલ્પ તો કરોડો બ્રહ્માંડોને ધામમાં લઈ જાય એવા બળવાન છે. આવા કહેનારા આવ્યા છતાં દુખિયા રહે તે કોના વાંક છે? આજ સનાતન મહારાજ ને સનાતન મુક્ત મળ્યા છે. તેમની બરાબર બીજું કોઈ છે જ નહિ.