વિશ્રામ ૧૦૩
એક સમે ગામ મુળીમાં સભામાં સાંજે હરિભક્તો સર્વે કથા સાંભળતા હતા, તે ઊઠ્યા. તે સમે સદગુરુવર્ય દેવાનંદ સ્વામીએ દરજી મુળજીને કહ્યું જે, "તમે રોકાઓ. મારે કાલ ધામમાં જવું છે. તે તમો વિમાન તૈયાર કરો."
ત્યારે મુળજી કહે: "સ્વામી! તમો તો સાજા સારા છો. કાંઈ કસર નથી. તાવ પણ નથી તે આપ કેમ કરી ધામમાં જશો?"
ત્યારે સ્વામી કહે: "મારે કાલે પરોઢિયે નક્કી ધામમાં જવું છે." એમ કહ્યું તો પણ તેના માન્યામાં ન આવ્યું. ત્યારે સ્વામી કહે: "તમોને વિશ્વાસ ન આવે તો વહેલાં પરોઢિયે ઊઠી તમારા ઘરના ઉમરા સામું જોજો. જો કંકુનો સાથિયો ભાળો તો જાણજો જે સ્વામી ધામમાં ગયા."
પછી બીજે દિવસે વહેલા ઊઠી જોયું તો બારણા પાસે કુમકુમનો સાથિયોે ભાળ્યો. એટલે તુરત મંદિરમાં આવ્યા અને સ્વામીના શિષ્યોને પૂછ્યું જે, "સ્વામીને કેમ છે?"
ત્યારે સંતો કહે: "સ્વામી તો પરોઢિયે પાંચ વાગ્યે સિદ્ધાસન વાળી, બેસી, શ્રીજીનું ધ્યાન કરી મૂર્તિમાં જોડાઈ ગયા."
તે સમે તેજના સમૂહમાં શ્રીજીમહારાજ તથા અનંત મુક્તનાં દર્શન ઘણાંકને થયા અને સ્વામીએ દેહત્યાગ કર્યો. શ્રીજીમહારાજ તથા અનંત મુક્તો તેડવા આવેલ તેમની સાથે ધામમાં પધાર્યા.
હવે તમો વિમાન કરો. પછી વિમાન કરી માંહી સ્વામીને પધરાવી વાજતે-ગાજતે વાડીએ અગ્નિ સંસ્કાર કરવા સર્વે ગયા. તેમ સ્વામીએ સ્વતંત્રપણે સંવત ૧૯૧૦ની સાલમાં દેહોત્સવ કર્યો.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકસો ત્રણમો વિશ્રામ.