વિશ્રામ ૭
એક વખત મહારાજ ગામ ભાડેર પધાર્યા હતા. તે ગામના દરબાર પાતલભાઈ વાઘેલા હતા. તેમની બેન રાજુબાને મૂળી પરણાવ્યાં હતાં. નાનપણમાં ભાડેરમાં મહારાજનો જોગ હતો. પરણાવ્યા પછી મહારાજનાં દર્શન ન થયાં અને પોતા ભાડેર ગામ ગયાં, ત્યાં મહારાજનાં દર્શન થયાં.
તેમણે શ્રીજીમહારાજને કહ્યું: "તમારાં અમોને દર્શન ન થાય તો અમારે ઘરમાં રહેવાનું શું કામ?"
મહારાજ કહે: "તમારું કયું ગામ છે?"
બાઈ કહે: "અમારું ગામ મુળી છે."
શ્રીજીમહારાજ કહે: "મુળીમાં તો અમો બાર મહિનામાં બે વખત આવીએ છીએ."
બાઈ કહે: "અમને ખબર કર્યા વિના આવીને જતા રહો તો શી ખબર પડે?"
પછી મહારાજે કહ્યું: "હવે મુળીપુર આવીશું ત્યારે ખબર આપીશું."
બાઈએ કહ્યું: "મારે ઘેર છ માસ રહેવું એવો વર આપો." ત્યારે શ્રીજીમહારાજે 'વર' આપ્યો. ધમડકાનાં બાઈ જે બાઈબા તેમને પણ 'વર' આપ્યો હતો.
તે બંનેના 'વર' સત્ય કરવા સારુ પોતે મુળીપુરના દરાબમાં છાના રહીને દિન દિન પ્રત્યે છાના જ્ઞાન, વૈરાગ્ય અને તપની વાતો કરતા. દરબારમાં એક બંગલો હતો. તેમાં મહારાજનું આસન હતું. એ દરબારને એવું નિયમ હતું જે એક સાધુને જમાડીને અન્ન લેતા. એટલા સારુ એ બે બાઈઓએ કહ્યું જે, "આ બહુ મોટા સાધુ છે." એમ કહી મહારાજને રાખ્યા.
પાતલભાઈએ કહ્યું કે: "અમારા ગુરુ છે તેથી એમને રાખજો."
તેથી મહારાજને રાખી એ બે બાઈઓ હંમેશાં મહારાજને નવા નવા થાળ કરી જમાડતાં. એવી રીતે ઘણા માસ રહી મહારાજે રજા માગી ત્યારે બાઈઓએ વર માગ્યો: "અમને આવા ને આવા દર્શન દેજો."
મહારાજ કહે: "આંહીં મંદિર કરીશું ત્યારે બિરાજીશું."
બાઈઓએ કહ્યું: "મંદિર ક્યારે કરશો?"
શ્રીજીમહારાજે કહ્યું: "જ્યારે ઝીણાભાઈના ઘેર કરશું ત્યારે તમારે ઘેર કરશું." એવો વર આપ્યો. વળી કહ્યું: "આ ગામમાં ઘણા મુમુક્ષુ છે તે જેમ જેમ સંત સમાગમ થશે તેમ તેમ સત્સંગ થશે."
ત્યારે બાઈઓએ કહ્યું જે, "આ ગામમાં ઘણા ભક્ત ક્યાં છે?"
શ્રીજીમહારાજ કહે: "આ ગામમાં પાંચ હજાર, દસ હજાર અને પંદર હજાર રૂપિયા ખર્ચે એવા હરિભક્તો થશે અને લાખો રૂપિયાનું મંદિર થશે."
બાઈઓ કહે: "મહારાજ અમારી મશ્કરી કેમ કરો છો?"
મહારાજ કહે: "અમે સાચું કહીએ છીએ. એમાં જૂઠું કાંઈ નથી. સાચે સાચું છે. અમોને તમો કેવા સમજો છો?"
ત્યારે બાઈઓ કહે: "તમોને અમો ભગવાન સમજીએ છીએ."
મહારાજ કહે: "ભગવાન સમજતા હોય તો અમો કહીએ તે સાચું માનો." અને તે સાચેસાચું તેમ જ થયું.
તે સમયે શ્રીજીમહારાજના કરેલ એક શંકરાનંદ નામે શ્રીપાત અહીં મુળીપુરમાં રહેતા, તેમણે આ સર્વ વાત લખી છે. આ વાત મેથાણના પ્રજ્ઞાનંદ સ્વામીએ અમને વડોદરામાં કહી હતી. પ્રજ્ઞાનંદ સ્વામી કહે: "પહેલ વહેલા મેં શ્રીજીમહારાજનાં દર્શન મુળીપુરમાં કર્યાં હતાં. હું લોયા જતો હતો તે સમયે નદીના કાંઠે બાઈઓ વાતો કરતી હતી કે અહીં સ્વામિનારાયણ છે તે તો જાદુગર છે ને દરબારમાં સૌ એમને જ દેખે છે." એવી વાત સાંભળી બાઈઓને પૂછ્યું : "સ્વામિનારાયણ પાસે જવાય છે?" ત્યારે કહે: "હા, ભલે જાવ."
દરબારમાં જઈ શ્રીજીમહારાજનાં દર્શન કર્યાં.
મહારાજે પૂછ્યું: "તમે તો પિતાંબરાનંદના દીકરા થાઓ છો?" તો કહે: "હા." મહારાજ કહે: "ક્યાં જાઓ છો?" ત્યારે તેમણે કહ્યું કે: "હું તમારાં દર્શન કરવા આવ્યો છું." મહારાજ કહે: "સારું ત્યારે, ઘેર જાઓ." તો કહે: "મારે સાધુ થવું છે." મહારાજ કહે: "તમે જેતલપુર જાઓ." પછી તે જેતલપુર ગયા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સાતમો વિશ્રામ.