વિશ્રામ ૬૭

મુળીમાં બ્રહ્મચારી નિષ્કામાનંદજી તથા કરુણાનંદજીએ વિચાર કર્યો જે, બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિ કરાવીએ. તે સમે પોતાના શિષ્ય પાસે રહેલ ચિત્રકાર છગન જાનીને પૂછ્યું: "તું બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિ કરીશ?"

તે કહે: "નજરે જોયા વગર ન ચિતરાય."

બ્રહ્મચારી કહે: "અમે કહીએ તેમ કરો."

પછી ચિત્રકારે નમૂનો કાઢવા માંડ્યો પણ બરોબર થયો નહિ એટલે ચિત્રકાર મૂંઝવણમાં પડ્યો જે હવે મારાથી બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિ નહિ થાય. સ્વામીશ્રી સ્વપ્નમાં પણ દર્શન આપે તો ચીતરી આપું- એમ વિચારી ઉદાસ થઈ કહ્યું: "મારે હવે ઘેર જવું છે." જવા તૈયાર થયાં ત્યારે રાત્રે બારેક (બારએક) વાગ્યા હતા અને વિચાર કરવા લાગ્યો ત્યારે નિદ્રા આવી ગઈ. પછી શ્રીજીમહારાજે તથા બ્રહ્માનંદ સ્વામીએ દિવ્યરૂપે દર્શન દીધાં.

શ્રીજીમહારાજે કહ્યું: "બ્રહ્મચારીના મનોરથ પૂર્ણ કર્યા વિના ક્યાં ચાલ્યા? આ બ્રહ્માનંદ સ્વામી. તમે હાથમાં પીંછી લ્યો અને તેમની મૂર્તિ આલેખો." એમ કહી શ્રીજીમહારાજ તેમની પાસે બેઠા. ચિતારા છગને બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિ ચીતરી. તેઓ નિદ્રામાંથી જાગ્યા અને બે વાગે બ્રહ્મચારીને ઉઠાડી કહ્યું: "મને આ રીતે ઉપર વર્ણવ્યા મુજબ દર્શન થયાં છે." બ્રહ્મચારી કહે: "યાદ રહેશે?" તો કહે: "હા, હવે કોઈ દિવસ નહિ ભૂલું."

પછી બ્રહ્મચારીએ દીવો કર્યો અને કહ્યું: "એ તો સ્વપ્નની વાત તે ભૂલી જવાય. માટે અત્યારે ચીતરો તો નહિ ભુલાય." તે વખતે પીંછી લઈ છબી ચીતરી! સૌને થયું જે આ મૂર્તિ ચીતરી તે તો બરોબર છે. બ્રહ્માનંદ સ્વામી તો શ્રીજીમહારાજની મૂર્તિ વિના એક ક્ષણવાર પણ છેટા ન હોય. જ્યાં શ્રીજીમહારાજ ત્યાં તેમને સમીપે બ્રહ્મમુનિ હોય. મહારાજ તો એ બ્રહ્મમુનિની મૂર્તિમાં બિરાજમાન છે. બ્રહ્માનંદ સ્વામી તો શ્રીજીમહારાજની બે ભુજા છે. શ્રીજીનું સ્વરૂપ છે. આમ મોટા વાતું કહેતા હતા તે સત્ય છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સડસઠમો વિશ્રામ.