વિશ્રામ ૧૬
મહાસુદિ સાતમને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ મુળીપુર મધ્યે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને મોગરાના ફૂલનો દડો ઉછાળતા હતા અને સર્વે સંતોની સભા ભરાઈને બેઠી હતી. તેવી શોભાએ સહિત સર્વે હરિભક્તોને દર્શન આપતા હતા.
તે સમે મોટા મોટા સદગુરુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્યા: "પ્રશ્ન પૂછવો હોય તો પૂછો."
ત્યારે બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય ગુણાતીતાનંદ સ્વામી તથા તદ્રૂપાનંદ સ્વામી એ બંને મળી પ્રશ્ન પૂછતા જે, "હે મહારાજ! સાધુઓને એકબીજાનો ગુણ અવગુણ દેખાય છે, તે શા માટ દેખાય છે?"
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, "ત્રણ ગુણ છે તે સર્વેને વિષે વર્તે છે. તેમાં ભેદ છે. તે ત્યારે સત્ત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે પોતાને વિષે અથવા બીજાને વિષે જેવા ત્રણ ગુણ હોય તેવા જ દેખાય છે. રજોગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે જેવા ગુણ હોય તેવા જ યથાર્થ ન દેખાય. તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે ગુણ માત્ર ન દેખાય; તો કેમ કરવું?"
"તો જ્યારે સત્ત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે જેવા ગુણ હોય તેવા દૃઢ કરી લેવા અને કોઈને વિષે અવગુણ દેખાય ત્યારે એમ વિચાર કરવો જે હમણાં મારે વિષે રજોગુણ, તમોગુણ વર્તે છે તેણે કરી અવગુણ દેખાય છે પણ સંતને વિષે તો કાંઈ નથી. એવો જે શુદ્ધ વિચાર કરે તે રજોગુણ ને તમોગુણમાં લોપાય નહિ."
ત્યારે તદ્રૂપાનંદ સ્વામીએ પૂછ્યું જે, "કામની ઉત્પત્તિ રજોગુણ થકી છે. તે ગુણ ઉપર દેખાતો હોય ત્યારે તેને વિષે કામની નિવૃત્તિ કઈ રીતે જાણવી?" તેનો ઉત્તર મહારાજે કર્યો : "જેને સુંદર ખાનપાન પદાર્થ ઉપર માત્ર અભાવ હોય અને માન-અપમાન તુલ્ય હોય એવા જે સંત તેને કામથી રહિત જાણવા અને એવા સંતના સમાગમથી નિષ્કામી થવાય છે. અને ભગવાનને વિષે હેત પણ એવા સંતના સંગે કરીને જ થાય છે."
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સોળમો વિશ્રામ.