વિશ્રામ ૨૪

મુળીમાં બ્રહ્માનંદ સ્વામીએ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. મોના સલાટને આજ્ઞા આપી એટલે મંદિરનો પાયો ખોદ્યો. તે વખતે શ્રીજીમહારાજે આવી, બ્રહ્માનંદ સ્વામી તથા મોના સલાટને કહ્યું જે, "આવું સાંકડું ન કરવું." એમ કહી શ્રીહરિએ લીટો કર્યો અને કહ્યું જે, "આટલો વિસ્તાર કરો." પછી તે પ્રમાણે મંદિર આદર્યું.

કામ ધમધોકાર ચાલતું હતું. તે કામ વધુ ઝડપથી ચલાવવા વઢવાણથી આવેલા પચાસ સલાટ મિસ્ત્રી મોના સલાટ નીચે કામ કરતા હતા. તે સમે વઢવાણમાં કોગળિયું આવ્યું. મોના સલાટના ઘરનાં જે હીરાબાઈ તથા વચેટ દીકરો શંકર તેને કોગળિયું થયું. તેથી મોના ભક્તને માણસ તેડવા આવ્યો અને કહ્યું જે, આ બંનેને કોગળિયું થયું છે. તે ઊગરે તેમ નથી તો તુરત આવો, નહિતર એમનો દેહ નહિ હોય!

એ પ્રમાણે ખેપિયે આવી કહ્યું. મોના ભક્ત કહે: "ભલે બંને મરે, મારે તો કોઈ મરતું નથી."

ત્યારે સ્વામી કહે: "એવું હોય તો જવું પડે."

મોના ભક્ત બોલ્યા જે, "સ્વામી! જીવાડવું અને મારવું એ તો સ્વામિનારાયણના હાથમાં છે, તમ જેવા સંત મહાત્માના હાથમાં છે, માટે મારે શા માટે ખોટી થવા જવું પડે?"

પછી બ્રહ્માનંદ સ્વામીએ ધ્યાન કરીને જોયું તો એ બન્ને મરી ગયેલાં દીઠાં. ધ્યાનમાં શ્રીહરિએ બ્રહ્મમુનિ સામું જોયું તો સ્વામીની મરજી તેઓને ધામમાં લઈ જવાની ન દીઠી એટલે શ્રીજીમહારાજ મૂકી ગયા. તે બંને સાજાં થયાં એટલે ગામમાં એમ થયું જે બ્રહ્માનંદ સ્વામીએ દર્શન દઈ, મોના ભક્તના ઘરનાંને અને તેમના દીકરા શંકરને મહારાજને પ્રાર્થના કરી દેહમાં રખાવ્યા.

એવી વાત ગામમાં લોકોએ જાણી. તે વખતે વઢવાણમાં તો ઘણા માણસો કોગળિયાથી મરતાં. મોના ભક્તની આ વાત સાંભળી વઢવાણના હરિભક્તો તથા મહાજનના ચાર માણસો સર્વે મળી બ્રહ્માનંદ સ્વામીને મુળી તેડવા આવ્યા. સ્વામીને હાથ જોડી પ્રાર્થના કરી કહ્યું: "આપ આ સમયે વઢવાણ પધારો તો ગામ ઊગરે; નહિતર સૌ મરી જાશે."

સ્વામી બહુ દયાળુ હતા, તેડવા આવેલ માણસો સાથે વઢવાણ ગયા. ઠાકોરજીની પ્રસાદીનું જળ સર્વેને પાયું. ગામને દરવાજે પ્રસાદીનું પાણી છાંટ્યું અને તરત માણસ મરતાં બંધ થયાં. સર્વે આશ્ચર્ય પામ્યા. તેઓએ સ્વામીને એક હજાર રૂપિયા મુળી મંદિરમાં સેવા માટે આપ્યા. એવા સમર્થ જે બ્રહ્મમુનિ તે દ્વારાએ શ્રીજીમહારાજ ઘણા ચમત્કાર જણાવતા હતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચોવીસમો વિશ્રામ.