વિશ્રામ ૧૧
એક વાર મહારાજ મેથાણથી ચાલ્યા તે ગુજરવદી, નગરૂ, દાણાવડું અને દીગસરમાં વિપ્રને ઘેર રાત રહી, ગામ નાયકે આવ્યા. ત્યાંથી મુળીપુર પધારી મંદિરની વાડીની આથમણી બાજુ ધોળે ખડકે નાહીને ભોરાજીની વાડીમાં ખળા સોંસરા થઈને ચાલ્યા. તે સમે વાડીમાં નથુ કાઠિયા કોશ હાંકતા હતા. તેને મહારાજને જોઈ વિચાર થયો જે આ કોણ હશે? એટલામાં તો મહારાજ તેની પાસે આવી ગયા.
મહારાજને પોતાની નજીક ઊભેલા જોઈ પગમાં પડ્યા. શ્રીહરિ સાથે મૂળજી બ્રહ્મચારી તથા નિષ્કુળાનંદ સ્વામી હતા. તેમને લીમડા તળે ઉતારો કરાવ્યો. પછી બ્રહ્મચારી પાણી ભરવા ગયા. તે દોરી પાણી સુધી ન પહોંચી. મહારાજને કહ્યું જે, આમાં જળ બહુ ઊંડું છે. દોરી પહોંચતી નથી.
તે સમે શ્રીજીમહારાજ કૂવા પાસે આવ્યા. એટલે કૂવો જળથી પૂર્ણ ભરાઈ ગયો. પાણી ઉપરથી છલકાઈ ગયું.
શ્રીજીમહારાજે કમંડલું ભરી સ્નાન કર્યું અને આંબલી તરુ નીચે ચોતરા ઉપર વિરાજમાન થયા. પરમાર માલજીભાઈ, ભારાજી, જશાભાઈ, નથુ કાઠિયા તથા પુરુષોત્તમ મહેતા પાસે બેઠા હતા. તેઓ સીધું લાવ્યા. મૂળજી બ્રહ્મચારીને શ્રીહરિએ આજ્ઞા આપી તે રસોઈ કરવા માંડી.
તે વાડીમાં જેઠીજીના કૂવેથી સામા દલવાડીએ રિંગણા લાવી આપ્યા અને ભડથું કરી મહારાજને તે ગંગાજળિયા પાસે લીંમડો છે તે નીચે થાળ જમવા બેસાડ્યા.
પછી નિષ્કુળાનંદ સ્વામી તથા બ્રહ્મચારી પણ જમ્યા. પ્રસાદી વધી તે નથુ કાઠિયાને તથા સામા દલવાડીને આપી. લીમડા પાસે બગીચો હતો. તેમાંથી નિષ્કુળાનંદ સ્વામીએ ફૂલ લાવી મોટો ગુલાબનો હાર બનાવી મહારાજને પહેરાવ્યો.
બગીચામાંથી સુગંધની બહાર આવતી હતી, તે ચમેલી, મોગરા, ગુલદાવદી, હજારી એમ અનેક જાતનાં ફૂલ જોઈ મહારાજ પ્રસન્ન થયા. તે દિવસે રાત રહી સવારે કહ્યું જે, "આ સુંદર જગ્યા મંદિર બનાવવા જેવી છે. તો અહીં મંદિર બનાવવું છે." એમ કહી મહારાજ સોરઠ પધાર્યા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે અગિયારમો વિશ્રામ.