વિશ્રામ ૪
એક વખત શ્રીજીમહારાજ હળવદથી ટીકર ઉપર થઈ શ્રી મુળીપુરમાં આવ્યા. નદીમાં ધોળા ખડકા પાસે મંદિરની વાડી છે. તેમાં ઓરીઆ આગળ એક મોટો લીમડો હતો. તે નીચે આવી કરીમ ભક્તે સાફ કરીને આસન કર્યું. મૂળજી બ્રહ્મચારી અને શ્રીહરિ આવ્યા, લીમડા નીચે બેઠા. તે વખતે ભગવાન સતવારો કોસ હાંકતો હતો. તે દરમ્યાન સતવારાના ગોર વિપ્ર કુબેરજી તથા દયારામ બંને ભાઈ નહાવા આવ્યા હતા. તેમણે મહારાજનાં દર્શન કર્યાં અને પાસે બેઠા. શ્રીહરિની મૂર્તિ જોઈ એમ થયું જે આ કોઈ મોટા પુરુષ છે. એમ જાણી મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું: "આ કોણ છે?"
બ્રહ્મચારી કહે: "આ તો સ્વામિનારાયણ ભગવાન છે."
એવું સાંભળી શ્રીજીના ચરણમાં પડ્યા અને દર્શન કરી મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું: "અમે રસોઈનો સામાન લાવીએ? અમારે રસોઈ કરાવવી છે."
બ્રહ્મચારી કહે: "ભલે!" પછી તેઓ રસોઈનો સામાન લાવ્યા. બંને ભાઈઓએ લાડુ, દાળ, ભાત, શાક, પુરી કરી. રસોઈ તૈયાર થઈ એટલે શ્રીહરિ, મૂળજી બ્રહ્મચારી, કરીમ ભક્ત એમને જમાડ્યા. જમી રહ્યા બાદ વિપ્રને કહ્યું: "હવે તમે જમો." તેઓ જમીને મહારાજની પાસે બેઠા.
તે સમયે તેઓએ શ્રીજીના શરીરમાં ઘણું તેજ જોયું તથા અક્ષરધામ જોયું. ત્યાં ઘણા મુક્તો જોયા. ત્યારે વિપ્રે પૂછ્યું: "આ સર્વે કોણ છે?"
શ્રીજીએ કહ્યું: "આ સર્વે મુક્તો અહીં ધામમાં નિવાસ કરે છે." આવી ઘણી વાતો કરી. એમ કરતાં સાંજ પડી.
વિપ્ર કહે: "હવે ગામમાં પધારો."
મહારાજ કહે: "ઉતારો ક્યાં કરીશું?"
વિપ્ર કહે: "આ સામે અલર્કની વાડી છે ત્યાં બંગલો છે. તે એકાંતનું સ્થાન છે ત્યાં પધારો."
મહારાજ ત્યાં પધાર્યા. રાત્રે ઢોલિયો ઢાળી આસન કરી આપ્યું અને જે જોઈએ તે દરબારમાંથી સરસામાન પહોંચાડ્યો. દરબારમાંથી કહેવડાવ્યું જે મહારાજને પ્રાર્થના કરજો કે સવારે જાય નહિ. અમારી રસોઈ જમ્યા પછી જવાનું રાખે. આ પ્રમાણે પ્રાર્થના કરી એટલે તે દિવસે શ્રીજીમહારાજ રોકાયા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચોથો વિશ્રામ.