વિશ્રામ ૫૮
શ્રીજીમહારાજ ત્રીજી વખત મેથાણ પધાર્યા ત્યારે એક માસ સુધી કાકાભાઈ તથા જીજીબાના ઘેર છાના રહ્યા હતા. તે સમે કાકાભાઈની ખવાસણ બાઈ સામને પાણીનું બેડું લઈ આવતી જોઈ. કાકાભાઈને ઘેર આવી સામે જીજીબાને મા કહી બોલાવ્યાં. ત્યારે મહારાજે બાઈ સામને કહ્યું: "તમારે માનું શું કામ છે?"
ત્યારે બાઈ સામ કહે: "મારે પાણીનું બેડું ઉતરાવવું છે."
મહારાજ કહે: "લાવો ઉતરાવું." એમ કહી મહારાજ ઘરમાંથી બહાર આવ્યા અને સામને માથેથી ઘડો લઈ બેડું ઉતરાવ્યું.
સામે મહારાજને પૂછ્યું કે: "મારાં બાઈ ક્યાં ગયાં છે?"
મહારાજ કહે: "બાઈનું તમારે શું કામ છે? તમારી બાઈ બહાર ગયાં છે."
તેણીએ કહ્યું કે: "મારે ખાવું છે."
મહારાજ કહે: "લ્યો, હું આપું." એમ કહી કોઠો ઉઘાડી રોટલો અને દહીં લઈ સામને ખાવા આપ્યાં.
સામ બેઠી બેઠી રસોડામાં ખાય છે ત્યાં તેની બાઈ અમઝીબા આવ્યા અને પૂછ્યું: "સામ! રોટલો હાથે લઈ ખાવા બેઠી?"
ત્યારે તેણીએ કહ્યું: "મને મહારાજે કોઠામાંથી લઈને આપ્યો."
અમઝીબાએ મહારાજને પૂછ્યું: "મહારાજ! તમે સામને ખાવા આપ્યું?"
તેઓ કહે: "હા."
અમઝીબા કહે: "તમને કોઠામાંથી ભલું હાથ આવ્યું!"
ત્યારે મહારાજ કહે: "અમને હાથ આવે, એમાં શું આશ્ચર્ય!"
મહારાજ પાસે એક વખત શ્રીફળ તથા સાકર આવેલી. કાકાભાઈની દીકરી બાઈબાની નાની ઉંમર હતી. પૂંજાભાઈના દીકરા દલાજી પણ નાની વયના હતા. બન્નેને નાનાં છોકરાં જાણી મહારાજે પોતાની પાસે બોલાવી કહ્યું: "તમે બન્ને 'સ્વામિનારાયણ સ્વામિનારાયણ' એમ ધૂન તાળી વગાડી કરો. ધૂન જે વધારે વખત કરશે અને થાકી નહિ જાય તેને અમે આ નાળિયેર અને સાકર આપીશું."
આ પ્રમાણે કહી બાઈબા તથા દલાજી પાસે ઘણો સમય ધૂન કરાવી. ધૂન બંધ કરી દલાજી તો રમવા જતા રહ્યા અને બાઈબા તો ધૂન કરતાં હતાં. તે જોઈ મહારાજ કહે: "બાઈ, રાખો. તમે અમને બહુ રાજી કર્યા." એમ કહી શ્રીફળ અને સાકર બાઈબાને આપ્યાં.
ત્યાં દલાજી આવ્યા ને મહારાજને કહે: "મને પણ શ્રીફળ અને સાકર આપો."
મહારાજ કહે: "તમે અમારા કહેવા પ્રમાણે ધૂન કરી નથી તો તમને નહિ આપીએ. બાઈબાએ તો અમને ધૂન કરી બહુ રાજી કર્યા છે. એટલે એમને આપ્યાં."
પૂંજાભાઈના ફળિયા વચ્ચે લીમડો હતો; તે લીમડા પર દલાજી ચડ્યા અને રાડો નાંખી કહ્યું જે, "મને પ્રસાદી આપો, નહિતર અહીંથી બૂમો પાડીશ કે 'મહારાજ મારા ઘેર છાના રહ્યા છે'."
આ સાંભળી મહારાજે કાકાભાઈ તથા પૂંજાભાઈને કહ્યું: "આ દીકરાને નીચે ઉતારો! નહિતર અમને છાના રહેવા દેશે નહિ." દલાજીને નીચે ઉતારી સાકર તથા શ્રીફળ લાવીને આપ્યાં. એવી રીતે એક માસ સુધી રહ્યા અને જીજીબા નિત્ય નવા નવા થાળ કરી જમાડતા હતા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે અઠ્ઠાવનમો વિશ્રામ.