વિશ્રામ ૫૯
એક વાર શ્રીજીમહારાજ મેથાણમાં એક માસ રહ્યા હતા. કાકાભાઈ, પૂંજાભાઈ તથા જીજીબાના ઘેર રહેતા. સત્તર વાર મહારાજ ત્યાં પધાર્યા છે. ગામમાં થાળ જમી હરિભક્તોને સુખ પણ આપ્યાં છે. ચતુર્ભુજના મંદિરનો ચૂનો દેવડાવ્યો હતો, તે વખતની વાત છે જે,
ચતુર્ભુજની મૂર્તિ જોઈ મહારાજ બાથમાં ઘાલી મળ્યા અને તે મંદિર પર રહી ચૂનો દેવડાવ્યો હતો. શંકરના મંદિરથી દક્ષિણાદિ બાજુ એક પથ્થર છે. ત્યાં ચાકળો નાખીને બેસીને ચતુર્ભુજના મંદિરને કડિયા લોકો ચૂનો આપનાર સારી રીતે કામકાજ કરે તે સારુ બબ્બે કલાક, કોઈ દિવસ સવારે અથવા સાંજે આવી બેસતા હતા.
કોઈ દિવસ મંડપ આગળ આવી કઠોડા પર બેસતા હતા, મંદિરમાં મંડપને ચાર સ્થંભ મોટા છે. તેમાં ઉત્તરાદિ તરફના બે સ્તંભમાંથી ઉગમણી તરફનો સ્થંભ છે તેને એક દિવસ બાથ ભરી કહ્યું: "અહોહો! આ સ્થંભ બહુ જાડો છે. એવી રીતે ઘણા દિવસ સુધી ચતુર્ભુજના મંદિરમાં ચૂનો દેવડાવ્યો ને સોઝ કરાવ્યું. દરરોજ કાકાભાઈ પોતાના ઘેર એમની બેન જીજીબા પાસે થાળ કરાવી શ્રીજીને જમાડતા હતા.
મહારાજ જમવા જતા ત્યારે પૂંજાભાઈને સાથે લઈ જતા અને પોતાની પ્રસાદી થાળમાંથી જમાડતા હતા. તે ઉપરથી ગામના લોકોએ પૂંજાભાઈને મહારાજના પ્રતાપે ખાવા મળે છે એમ વાતો કરવા માંડી. તેથી એક વાર કાકાભાઈએ પૂંજાભાઈ પર ગુસ્સે થઈ જમવા ટાણે મહારાજની સાથે જવાની ના પાડી.
ઠક્કર દેવરાજને ઘેર મહારાજને થાળ કરી જમવા તેડાવ્યા. મહારાજને ઘેર તેડાવી જમાડ્યા પછી થાળની જમતાં વધેલી પ્રસાદી લઈ કૂતરાંની ચાટમાં ખડકી બહાર કુંડીમાં નાખી. મહારાજ તેમના ઘેરથી ઊઠી બહાર નીકળ્યા. પોતાના થાળની પ્રસાદી કૂતરાંને નાખેલી જોઈ કુરાજી થયા. ત્યાંથી કાકાભાઈ તથા પૂંજાભાઈના ઘેર મહારાજ પધાર્યા.
મહારાજે કહ્યું: "પૂંજાભાઈ! કાકાભાઈએ આજે તમને અમારી સાથે આવવા ન દીધા. અમારી પ્રસાદી તેઓએ કૂતરાંની ચાટમાં નાખી તે ઠીક ન કર્યું."
પૂંજાભાઈ કહે: "મહારાજ! લોકો ખોટી ચર્ચા કરે છે, તેથી હું નહિ આવી શકું."
મહારાજ કહે: "કાકાભાઈ, તમારે પર ગુસ્સે થયા હતા તેથી તમે આવ્યા નહિ. પણ અમારી પ્રસાદી કૂતરાંને ખવડાવી. હવે લોક તો ગમે તેમ કહે, પણ તમારે અમારી સાથે અમો જમવા જઈએ ત્યારે આવવું પડશે." આવી રીતે મહારાજે એક માસ સુધી કાકાભાઈ તથા પૂંજાભાઈના ઘેર મેથાણમાં રહી લીલા કરી હતી.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ઓગણસાઠમો વિશ્રામ.