વિશ્રામ ૯૩

શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીમાં જન્માષ્ટમીના દિવસે સભા કરી વિરાજમાન હતા ત્યારે વાતો કરતા હતા જે, મૂઢપણું; પ્રીતિ અને સમજણનું અંગ તેમાંથી મૂઢપણાનું અંગ જે હરિભક્તમાં હોય તે શ્રેષ્ઠ. તે મૂઢપણાનું અંગ તો માલોદના દુદા ભક્તનું છે. પ્રીતિનું અંગ જેતપરના દમા ઠક્કરનું છે. સમજણનું અંગ ઘાંટીલાના હરિ સુતારનું છે. એવી રીતે ત્રણ અંગવાળાની વાત કરી. પછી શૂરવીર ને પતિવ્રતાની વાત કરી.

લીલાપુરના લાલજી પટેલે પ્રશ્ન પૂછ્યો જે, "શૂરવીરનું અંગ કોને કહેવાય?"

અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, "શૂવીર હોય તે કોઈની છાયામાં ન દબાય ને કોઈથી એને હલકું વચન ન કહેવાય ને શ્રીજીનાં વચનમાત્ર યથાર્થ પાળે તે શૂરવીર."

એક વાર ઈડરના દરબાર જવાનસંગજી મહારાજ અમદાવાદ આવ્યા. રામ નવમીની અસવારીમાં નાહવા માટે નારણઘાટે જતા હતા ત્યારે કોઈ વાણિયા શાહુકારના છોકરાએ સ્વામિનારાયણને ગાળ દીધી. તે એમણે સાંભળી. પછી તે વાણિયાના છોકરાને પકડી લાવ્યા. પોતાના ઉતારે પહેરામાં ચોવીશ કલાકની કેદમાં બેસાડ્યો. તેમનો કારભારી કામદાર કહે: "અહીં સરકારી રાજ છે, તો આપણને હરકત આવશે." ત્યારે તેઓ કહે જે, "હરકત આવતી હોય તો ભલે, પણ મારા ઇષ્ટદેવને ગાળ આપી તે એણે મારું માથું કાપ્યું એવું મને દુઃખ લાગ્યું છે. આ સરકારી રાજ્ય છે, નહિતર તેની જીભ કાઢી નાખત. માટે સરકારી રાજના કાયદા પ્રમાણે એને શિક્ષા કરવી છે."

તે સમે ગામમાંથી મહાજન શાહુકાર આવ્યા ને ફોજદારને સાથે લઈ આવ્યા. સરકારી કલેક્ટર સાહેબને બોલાવીને તે વાણિયાના છોકરાને છોડાવવો એમ વિચાર કરી આવ્યા. ત્યારે એમને કહ્યું જે સાંજના છ વાગે આવો. એમ કહી સર્વને ઘેર મોકલ્યા. જવાનસંગજી પોતે ચાર વાગે ફરવા નીકળ્યા. કલેક્ટરને ભેગા થયા અને કહ્યું જે, "અમારા ગુરુને વાણિયાના છોકરાએ ગાળ દીધી તેથી એને કેદ કર્યો છે. તેનો બાપ ફોજદારને લઈને આવ્યો છે, પણ આપ્યો નથી." કલેક્ટર સાહેબ કહે: "તમારે જે દંડ કરવો હોય તે લઈ કાઢી મૂકો." આમ ઉપાધિ થઈ, પણ શૂરવીરપણું ન મૂક્યું.

હવે પતિવ્રતાનું અંગ કહીએ છીએ જે, જેમ હરિવલ્લભને નાતની ઉપાધિ થઈને કહ્યું જે, "તિલક ઊભું કરો ને ચાંદલો ન કરો."

ત્યારે હરિવલ્લભ કહે: "જેમ ધણીવાળી બાઈ સધવા હોય ત્યારે તેને કહે જે, તારે બલોયું ન પહેરવું ને તે માને ત્યારે તે કેવી કહેવાય?" એમ નાતિલાને જવાબ આપ્યો તેથી નાતિલાએ ઉપાધિ કરી જે હરિવલ્લભને કોઈ પાણી ન આપે ને દેવતા પણ ન આપે. કોઈ મરી જાય તો આભડવા ન જવું.

તેવા સમયમાં તેમની માતુશ્રીનું મરણ થયું. તો પણ સગુંવહાલું કોઈ ન આવ્યું. ત્યારે અમદાવાદના સત્સંગી ભેગા થઈ દેહની ક્રિયા કરવા તૈયાર થયા. તે સમે કુસંગીએ આવીને ઉપાધિ કરીને કહ્યું જે, "અમે ડોસીને લઈ જઈશું." સત્સંગી કહે: "અમે લઈ જઈશું." ત્યાં ડોસી ધામમાં ગયાં હતાં તે પાછાં આવ્યાં ને કહ્યું જે, "કુસંગીને અડવા ન દેશો ને સત્સંગીને અડવા દેજો."

એમ કહી ડોસીએ સ્વામિનારાયણ નામની ધૂન કરાવી અને કહે મારા હરિવલ્લભને જે નાત બહાર મૂકે છે તેની છોકરી મારા હરિવલ્લભના છોકરા સાથે પરણાવશે. એમ કહી ડોસી ધામમાં ગયાં. ડોસીના બારમાના દિવસે કેટલાકે કજિયા કર્યા. સામસામા કારજ કર્યાં. હજારો રૂપિયાનું ખર્ચ કર્યું ને સ્વામિનારાયણની જીત કરી. એવી રીતે જેને અંગ હોય તેને પતિવ્રતાનું અંગ કહેવાય. એમ બહુ વાત કરી.

પછી અગિયાર વર્તમાનની વાત કરી: ૧. હિંસા, ૨. સુરા, ૩. માંસ, ૪. ચોરી, ૫. આત્મઘાત, ૬. જારતા, ૭. દેવતાની નિંદા ન કરવી, ૮. વિધવાને ન અડકવું, ૯. વિમુખના મુખેથી કથા ન સાંભળવી, ૧૦. ન ખપતું હોય તેવું ખાવું નહિ, ૧૧. કોઈના માથે મિથ્યા અપવાદ ન મૂકવો, એમ અગિયાર વર્તમાનની વાત કરી.

પછી સાધુના વર્તમાનની વાર્તા કરી જે નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિર્માન, નિઃસ્નેહ એ પાંચ વર્તમાનની વાત કરતા હતા. તે સમે બાર વાગ્યે, કૃષ્ણ જન્મની આરતી થઈ. સૌ દર્શન કરવા ગયા. એવી તો નિત્ય ઉપદેશની કેટલીક વાર્તાઓ કરતા.

વળી વચનામૃતમાં એમ કહ્યું છે જે જન્માષ્ટમી તથા રામનવમીના દિનમાં જે વાતો થાય તે સંભારી રાખવી. સાધુ, બ્રહ્મચારી તથા હરિભક્તોને સંભારી રાખવા. મહારાજે તથા સાધુએ જે વાત કરી હોય તેને સંભારી રાખવી. અંતકાળે મહારાજ સાંભરે ને સાધુ સાંભરે તો પાપી જીવને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.

તે ઉપર એક વાત છે જે, ગામ સુસવાવના ડોસાજી સમૈયો કરવા આવ્યા હતા ત્યારે પોતાની સાથે એક કુસંગી પસાયતો લાવ્યા હતા. તેમણે સમૈયામાં દર્શન કર્યાં અને વાતો સાંભળીને ઘેર ગયો. તેના દેહનું આયુષ્ય આવી રહ્યું હતું. મરવા ટાણે ડોસાભાઈએ કહ્યું જે, "આપણે મુળીએ ઠાકોરજીનાં દર્શન કરવા ગયા હતા ને ઠાકોરજીનાં દર્શન કર્યાં હતાં. તે સમે ઠાકોરજીએ જે વસ્ત્ર પહેર્યાં હતાં, ફૂલના હાર પહેર્યા હતા, ઘરેણાં તથા મુગટ ધારણ કર્યાં હતાં. તે સંભારીને તેની સ્મૃતિ કરાવી.

તે વખતે પસાયતાને ઠાકોરજીનાં દર્શન થયાં ને બોલ્યા જે, "અયોધ્યાપ્રસાદજી મહારાજ આવ્યા છે ને મને રથમાં બેસાડી ધામમાં લઈ જાય છે." એમ કહી ધામમાં ગયો. આવી રીતે તો હજારો માણસો ધામમાં ગયા છે. આવી તો ઘણી વાતો છે પણ દિશ માત્ર લખી છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ત્રાણુમો વિશ્રામ.