વિશ્રામ ૮૯

મુળીપુરમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ બિરાજમાન હતા. તે સમે હળવદના મહેતા રણછોડભાઈએ મહારાજને કહ્યું જે, "મહારાજ! વાલાક દેશના હરિભક્ત આહિર પટેલ સામતની વાત કહો." મહારાજની આજ્ઞાથી તદ્રૂપાનંદ સ્વામી બોલ્યા જે, "વાલાક દેશમાં સામત પટેલ હતા તે મોટા હરિભક્ત હતા. એમને તેમની નાતે કહ્યું જે આપણી નાતમાં કોઈ નહિ અને તમે બીજો ધર્મ કર્યો તો તે ધર્મ મૂકી નાતમાં રહો.

પટેલ કહે ભલે હું નાત બહાર રહું પણ સ્વામિનારાયણનો ધર્મ તો નથી મૂકવો. એમને નાત બહાર મૂક્યા. તે નાતવાળાએ ઉપાધિ કરાવી અને કોઈ દેવતા પણ તેમને ન આપે. પાણી પણ ન પાય. દીકરા-દીકરી પણ ન વળાવે. દીકરાનું સગપણ કર્યું હતું તે પણ તોડી નખાવ્યું. દીકરાને કુંવારો રાખ્યો. દીકરીને સાસરે પણ ન તેડે. ઘાસની ગંજી પણ બાળી દીધી. મોલ હતા તે ગુંદી નાખ્યા. આવી રીતે ઘણું નુક્સાન કર્યું. ખોટાં ખોટાં કલંક ચઢાવ્યાં. સામત પટેલે ઉપાધિને ગણી નહિ. માથા સાટે સત્સંગ રાખ્યો અને ભગવાનને મૂક્યા નહિ.

કોઈએ આવી એમની ઉપાધિની બધી વાત કરી. તે સાંભળી સાધુ તથા હરિભક્તોએ શ્રીજીમહારાજને સામત પટેલને ઉપાધિ આવી તે સર્વ કહી. તે સાંભળી શ્રીજી બહુ રાજી થયા અને કહ્યું જે, "હવે એમની ઉપાધિ મટી જશે." એમ કહી હાર પહેરાવ્યો. તે ઉપાધિ મટી ગઈ. જ્યાં દીકરીનું સગપણ કર્યું હતું તે દીકરીને તેડવા આવ્યા અને દીકરીને વોળાવી (મોકલી) આપી. એમની ધીરજતા જોઈ ભગવાને સહાય કરી. દીકરાને પરણાવ્યો. દીકરાની વહુને તેડવા ગયા ત્યારે વેવાઈએ મશ્કરી કરી જે, "દીકરાને તો બાયડી નથી જોઈતી અને એમને જોઈએ છીએ." એમ કહ્યું તે પોતે તો શૂરવીર હતા, તે કોઈનું વચન સહન ન કરે. આવું કટુક વચન સાંભળી પોતાની ઇન્દ્રિયને ભસ્મ કરી નાખી.

તે જોઈ સગાંવહાલાં લજ્જા પામ્યાં અને એમ નક્કી કર્યું જે હવેથી આમની મશ્કરી ન કરવી. એવા સ્વભાવે બહુ આકરા હતા. પોતાનામાં સાચ હતું તેથી કોઈથી હલકું વેણ ન કહેવાય. જેટલું દુઃખ થાય તે સહન કરતા પણ ધીરજતા ન મૂકતા. ભગવાનનો મહિમા પૂરેપૂરો સમજતા ને શૂરવીરનું અંગ હતું, તે કોઈની છાયામાં દબાય નહિ. તે બેઠા હોય ત્યાં હલકું વચન બોલાય નહિ, એવા પ્રતાપી હતા. તેઓ માહાત્મ્યે સહિત નિશ્ચયવાળા હતા ને ભગવદી હતા. એમની ધીરજતાનો અને શૂરવીરપણાનો તો લખે પાર આવે એમ નથી.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે નેવ્યાસીમો વિશ્રામ.