વિશ્રામ ૩

શ્રીજીમહારાજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી ઘણો ચમત્કાર જણાવતા હતા. ઘણા માણસોને સમાધિ કરાવતા હતા. સોરઠ અને ઝાલાવાડમાં ફરતા ફરતા મુળીપુરમાં આવ્યા. રઘાભાઈના દરબારમાં તેમની ચોપાટે ઉતારો આપ્યો. રઘાભાઈ, બાઈબા, અમાભાઈ અને તેની ભાર્યા જે જામબા તે રામાનંદ સ્વામીના શિષ્ય હતાં. તેમણે તેઓને રામાનંદ સ્વામીના સાધુ જાણી રાખ્યા.

શ્રીજી સાથે પાંચ સાધુ હતા. તેમાં એક સુખાનંદ સ્વામી, બીજા નિર્ગુણાનંદ સ્વામી, ત્રીજા માયાતીતાનંદ સ્વામી, ચોથા અયોધ્યાદાસ, પાંચમા સદાનંદ સ્વામી અને છઠ્ઠા શ્રીહરિ. તે સમયે રઘાભાઈએ પોતાને ઘેર રસોઈ કરાવી. દરબારમાં શ્રીહરિને જમવા સારુ બોલાવ્યા. થાળ લઈ મોટીબાએ મહારાજની આગળ મૂક્યો. પોતે શ્રીહરિને જમાડતા જાય અને મહારાજને પૂછતા જાય, "હે મહારાજ! સમાધિ થાય છે તે કેમ થતી હશે?" મહારાજ કહે: "અમે જમીને બેસીશું. પછી તમે જોજો."

મહારાજ અને સાધુ જમીને એમની ઓસરીએ બિરાજમાન થયા. તે સમયે જે મહારાજનાં દર્શન કરે તેને સમાધિ થઈ જાય! તે વાત સાંભળી મોટા મોટા ગરાસિયા આવ્યા. દરબાર રામાભાઈ, રઘાભાઈ, અમાભાઈ, કશલાભાઈ, જીવાભાઈ, ભારાભાઈ, જસાભાઈ આદિ સર્વ ગરાસિયા આવ્યા. તે સર્વેને સમાધિ થઈ. કેટલાક તો ગોલોક દેખતા, કેટલાક વૈકુંઠ દેખતા, કેટલાક કૈલાસને વિષે શંકર-પાર્વતીને ગણપતિ સહિત દેખતા, કેટલાક શ્વેતદ્વીપને વિશે વાસુદેવને, કેટલાક બદ્રિકાશ્રમને વિશે નરનારાયણને દેખતા, કેટલાક ખગોળ અને ભૂગોળને દેખતા, કેટલાક આત્માને દેખતા, કેટલાક અક્ષરને વિશે રહ્યા જે પુરુષોત્તમ ભગવાન તેને દેખતા હતા. એમ અનેક આશ્ચર્ય જોઈ વિસ્મય પામતા હવા. એવી વાત સાંભળી ગામમાંથી ઘણા માણસો, મહાજન, સોની આદિ સર્વે આવતા હવા.

તે સમયે માનસંગ શેઠ અને સુંદરજી શેઠ એ બે ભાઈ કહે "અમને અમારા તીર્થંકરનાં દર્શન કરાવો." એટલે ચોવીસ તીર્થંકરને દેખાડ્યા. ચોવીસ તીર્થંકરે શ્રીહરિની મૂર્તિનાં દર્શન કરી તેઓને કહ્યું: "તમારું કલ્યાણ કરવું હોય તો જગતકર્તા આ સ્વામિનારાયણ છે તેનો આશ્રય કરો ને સમાધિમાંથી ઊઠી વર્તમાન ધારો." એમ કહ્યું ત્યારે તેમણે વર્તમાન ધાર્યા.

પછી રૈયા સોની તથા વશરામ એ બે કહે "અમને અમારી વાઘેશ્વરી માતા દેખાડો." એટલે તેઓને વાઘેશ્વરી માતા દેખાડી. એવી હજારો વાઘેશ્વરી માતા શ્રીહરિની સેવામાં જોઈ. વાઘેશ્વરીએ કહ્યું: "મારામાં શું વળગ્યા છો? મોક્ષ જોઈતો હોય તો આ પ્રગટ ભગવાનને વળગો." એટલે ભગવાનમાં હેત કર્યું. આમ વાણિયા અને સોની બંને હરિભક્ત થયા.

તે વાત સાંભળી ગામમાંથી વિપ્ર આવ્યા. એક પ્રભુજી મહેતા, બીજા શંકરજી વાલમ અને જેરામ મહેતા, મોના જોષી, ઘેલા રાવળ, ઘેલા જોષી, કરશનજી દવે એ સર્વે શ્રીજી પાસે આવ્યા અને સમાધિ જોઈ, વિચાર કરીને તે વિપ્ર બોલ્યા: "અમને ગાયત્રીનું ધામ દેખાડો." મહારાજ કહે: "મારા સામું જુઓ." પછી સર્વ મહારાજ સામું જોતા હવા. અને સમાધિમાં તેજોમય એવું સૂર્યનારાયણનું રૂપ જોઈને રાડ પાડવા માંડી. ત્યારે શ્રીજી કહે: "ધીરજ રાખો, આત્મારૂપે થાઓ અને દેહની ભાવના ટાળો. શુદ્ધ સત્ય એવું આત્માનું રૂપ તે મધ્યે રહીએ જુઓ."

સર્વે વિપ્ર બ્રહ્મરૂપ થઈ સૂર્યનારાયણના લોક અને બાર આદિત્ય તેના મધ્યને વિશે રહેલું તેજોમય એવું જે શ્રીહરિનું રૂપ જોઈ આનંદ પામ્યા અને સુખિયા થયા. કોટાનકોટિ સૂર્ય સરખા પ્રકાશમાન અક્ષરના નિયંતા ને આનંદમય તેજોમય એવી શ્રીજીની મૂર્તિ જોઈ ઘણું સુખ પામ્યા. સમાધિમાંથી પાછા આવી અક્ષરની અને સૂર્યલોકની વાત કરવા માંડી, તે સાંભળી સર્વે વિસ્મય પામતા હવા.

તે સમયે એક રાજપૂત કાઠીઆ માલુભાઈ નામે પટેલ હતા, તેમને સમાધિ થઈ. તેમને શ્રીહરિના ચર્તુભુજરૂપ દર્શન થયાં અને ઘણું સુખ પામ્યા. મોટા યોગીને ધ્યાનમાં ન આવતા એવા ને આનંદમય શ્રીહરિની મૂર્તિ જોઈ આનંદિત થઈ ગયા અને કહ્યું: "આવું સુખ તો બ્રહ્માંડમાં ક્યાંય નથી."

તે સમયે ખત્રી ડાહ્યો અને બીજો હરખજી એ બે ભાઈ મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યા એટલે તે બંનેને સમાધિ થઈ. શ્રી રાધાકૃષ્ણનાં મોટાં મંદિર તેને વિશે શ્રીહરિની મૂર્તિ જોઈ રહ્યા. બંનેને મનમાં એમ થયું, "આ રાધાકૃષ્ણ તે જ આ સ્વામિનારાયણ ભગવાન છે" એવું જાણી તરત વર્તમાન ધર્યાં.

ખત્રીએ માવજી સુતારને વાત કરી: "આ તો બહુ ચમત્કાર જણાવે છે" તેથી બહુ મોટા સાંભળી માવજી સુતાર શ્રીજી પાસે આવ્યા. તે સમયે ત્યાં ઘણાને સમાધિમાં જોઈ માવજીને મનમાં એમ થયું: "મને તો રામચંદ્રજીનું દર્શન કરાવે તો ઠીક." એમ વિચાર કરે છે એટલામાં સમાધિ થઈ ને રામચંદ્રજી, સીતાજી, હનુમાનજીને જોયા. પછી સર્વેને શ્રીજીની મૂર્તિને વિશે લીન થતા જોયા અને ઘણો આનંદ પામતા હવા. સમાધિમાંથી પાછા આવી શ્રીજીના ચરણમાં પડતા હવા અને શ્રીજીનો આશ્રય કરતા હવા.

એવા અનંત ઐશ્વર્ય જોઈ રઘાભાઈ, બાપુજી આદિક ગરાસિયા એમ માનતા હતા જે આ રામાનંદ સ્વામીથી મોટા છે. તેઓ સ્વયં ભગવાન છે. એમ જાણી શ્રીજીને વિષે ભગવાનપણાનો નિશ્ચય કરતા હતા. પોતાના ઘેર રાખવાનો આગ્રહ કહી સર્વે પોતાના ઘેર જમાડતા હવા.

એવી રીતે પંદર દિવસ રહી શ્રીજીએ રજા માગી ત્યારે સર્વેએ પ્રાર્થના કરી "પ્રભુ! વહેલા પધારજો." ત્યારે શ્રીજીએ કહ્યું: "જરૂર આવશું, હમણાં અમદાવાદ જવું છે." એમ કહી ચાલ્યા તે ખોલડીઆદ, ટિંબા, સમલા, સિયાણી, દદુકા, મચ્છિયાવ થઈ અમદાવાદ પધાર્યા.

અમદાવાદમાં શ્રીજી "મન તું નારાયણ ભજ રે" એ પ્રકારની ધૂન કરાવતા હવા અને હજારો માણસોને સમાધિ થતી હવી. એવું ઘણું સાર્મથ્ય જણાવતા હવા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ત્રીજો વિશ્રામ.