વિશ્રામ ૭૩
એક દિવસ સુસવાવના રાણા ડોસાજી મુળી આવ્યા હતા, ત્યારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે પુરાણી ધર્મવલ્લભદાસજી, સાધુ, બ્રહ્મચારી તથા દેશોદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે લોયાનું ત્રીજું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનનો અને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય! એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.
એમ કહી પછી સર્વ હરિભક્તની વાર્તા એકબીજા કેડે કરી તે ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી, ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈ, પર્વતભાઈ, રાજબાઈ, દાદા ખાચર, માંચો ભક્ત, મૂળજી બ્રહ્મચારી, ભૂજવાળાં લાધીબાઈ, માતાજી, વાળાક દેશના સામત પટેલ, માનકૂવાના મૂલજી તથા કૃષ્ણજી, ગુંદાળી ગામના બે કાઠી હરિભક્તો, સુંદરજી સુતાર તથા ડોસા વાણિયાની વાત કરી, રાણા રાજગરની વાત કરી, કઠલાલની ડોસી જેકુંવરની વાત કરી. ત્યાર બાદ વચનામૃત પૂરું થયું અને મહારાજ શ્રી અયોધ્યાપ્રસાદજીને ગામ ખેરાલીવાળા રાણા વખતસિંહજી, તાવીના કલ્યાણસિંહજી એ બે પૂછતા હતા જે આ સર્વ હરિભક્તની વાત કહો.
પછી અયોધ્યાપ્રસાદજી મહારાજ બોલ્યા જે, "શ્રી તદ્રૂપાનંદ સ્વામી સર્વ હરિભક્તની વાત વિસ્તારીને કહેશે."
પછી સ્વામી કહે: "ગામ ડડુસરવાળા રજપૂત ગલુજીના ઘેર એક સમે શ્રીજીમહારાજ પધાર્યા અને તેમની માતાએ દેહ મૂક્યો. મૃતદેહ ઢોલિયા પર રાખી મહારાજની સેવા માટે સામૈયું લઈ વાજતે ગાજતે પધરાવ્યા અને જમાડ્યા. રાત રહી મહારાજ સવારમાં ગયા એટલે ગામના માણસે ઉપાધિ કરવા માંડી અને કહ્યું ડે ડોસી રાત્રે મરી ગઈ છે. ત્યારે ડોસી બોલી કોણ કહે છે કે ડોસી મરી ગઈ છે? પછી ગામના માણસોને ભેગા કરી સ્વામિનારાયણની ધૂન કરવા માંડી. સર્વે ધૂન કરે છે ત્યાં ડોસી બોલી મહારાજ તેડવા આવ્યા છે. એમ કહી ધામમાં ગયાં.
એક વાર મહારાજે ગલુજીના ઘેર જઈ કહ્યું: "તમારે ગામ જવાનું છે તે કાંઈ વિઘ્ન આવે તો પણ પાછા ન વળશો." એમ કહી મોકલ્યા.
ત્યાં રસ્તામાં વચમાં મોટો સાપ આવી કરડ્યો તો પણ એ તો સામે ગામ જઈ ત્યાંથી પાછા આવી મહારાજને કહે: "હું જઈ આવ્યો."
મહારાજે પૂછ્યું: "તમને કોણ સામું મળ્યું હતું?"
ગલુજી કહે: "એક કાળો નાગ મળ્યો હતો. તે ઊછળીને વળગ્યો. તે ઘેનમાં ને ઘેનમાં સામે ગામ જઈ આવ્યો."
શ્રીજીમહારાજ કહે: "એ તો તમારો કાળ હતો. તે તમને લેવા આવ્યો હતો; પણ તે કાળને છેતરવો હતો તે સારુ અમારા કામમાં તમે પ્રેરાયા, તેથી કાળ કાંઈ કરી ન શક્યો." એમ શ્રીહરિએ ગલુજીની રક્ષા કરી.
પછી ફરી વાર મહારાજ ગલુજીના ઘેર પધાર્યા ત્યારે પૂછ્યું: "તમારે કેટલા માણસનો વરો છે?"
ગલુજી કહે: "દશ માણસનો."
મહારાજ કહે: "તમારા ઘરમાં દાણા કેટલા છે?"
ગલુજી કહે: "એક માસ ચાલે એટલા છે."
પછી મહારાજે કહ્યું: "તમારા ઘરમાં જે રૂપિયા તથા ઘરેણાં હોય તે લાવો." એટલે ગલુજીએ ઘરમાં જે કંઈ હતું તે સર્વનો શ્રીજીમહારાજ આગળ ઢગલો કર્યો.
પછી મહારાજે કહ્યું: "આનું અનાજ લઈ ભરી રાખો." ગલુજી પાસે બસો મણ બાજરી, ત્રણસો મણ જુવાર, એકસો મણ તુવેર, એ પ્રમાણે અનાજ ભરાવી મહારાજ ગયા. ગામના માણસો કહે ગલુજીને તો ભીખ માગતો કર્યો. આજે તો ધૂળના ઢગલે દાણો છે. તે સડીને લોટ થશે. (પણ આગળ તો ઓગણોતેરો આવે છે તેની કોઈને ખબર છે?) એમ ઘણા લોકોએ ઉપાધિ કરી. પણ ગલુજીના મનમાં તો ભગવાનનો દૃઢ વિશ્વાસ છે. ઓગણોતેરો દુકાળ પડ્યો તેથી અનાજમાંથી ગલુજી ત્રણ હજાર રૂપિયા કમાયા અને પોતાના ઘરનો વરો કાઢ્યો.
એમ જો ભગવાનના વચનનો નિશ્ચય હતો તો તેમણે ઓગણોતેરા જેવો કાળ સુખેથી પસાર કર્યો. એમને માહાત્મ્યે સહિત નિશ્ચય હતો, જેથી મહારાજની આજ્ઞા પ્રમાણે કર્યું.
એક વાર મહારાજ એકાએક સાધુના વેશે ગલુજીના ઘેર આવ્યા. તેમને ઘેર કોઈ ન હતું પણ એકલાં એમનાં દીકરી હતાં, તે ત્યાં રહ્યા. એમનાં (ગલુજીનાં) દીકરી રસોઈ કરે અને મહારાજ જમે. એવી રીતે પંદર દિ' બે જણ એકલા રહ્યાં. તેથી ગામના લોકોએ નિંદા કરવા માંડી અને ન્યાત બહાર કર્યા. પંદર દિવસે ગલુજી આવ્યા. લોકો તો કંઈ ને કંઈ બોલવા માંડ્યા પણ એમને તો બિલકુલ સંકલ્પ થયો જ નહિ, પરંતુ મહારાજને વધુ એક માસ રાખ્યા. લોકની લાજ મર્યાદા મૂકી પ્રભુ ભજ્યા. જેણે લોક લાજ મૂકી પ્રભુ ભજ્યા છે તેનાં નામ શાસ્ત્રમાં લખાયાં છે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે તોતેરમો વિશ્રામ.