વિશ્રામ ૫૭

શ્રી પુરુષોત્તમનારાયણને પ્રિય તે મેથાણ ગામમાં દુર્વાસાના શ્રાપથી મુનિઓ પ્રગટ થયા હતા; તે મુનિઓના સ્નેહથી શ્રીહરિ વારંવાર મેથાણ આવતા.

મેથાણ ગામમાં સરોવરની પાળ ઉપર વૃક્ષથી શોભાયમાન દેરી છે. તે ગામમાં આત્મારામ દ્વિજના બે પુત્રો, ગોવિંદરામ તથા દેવરામ; વિપ્ર ગોરધનના પાંચ પુત્રો, ભગવાનજી, ડોસાભાઈ, ભવાનીશંકર, હીરાભાઈ તથા ફૂલજીભાઈ હતા. તેમાંથી ભવાનીશંકર બ્રહ્મચારી થયા.

તે પુરના અધિપતિ ઝાલા મેઘજીભાઈના બે પુત્રો- વીરાભાઈ અને હાલાજીભાઈ હતા. પટેલ ખેતાભાઈના અજાભાઈ આદિ ત્રણ પુત્રો હતા. તેમાં અજા પટેલ બહુ બુદ્ધિશાળી હતી. શ્રીજીમહારાજમાં અનન્ય પ્રીતિવાળા હતા. શ્રીહરિએ અઢાર જણને સાધુ થવા બોલાવ્યા ત્યારે બ્રાહ્મણે મેથાણ જઈ વજેરીએ પત્ર આપવાથી અજા પટેલ પત્ર વાંચી તુરત ચાલી નીકળ્યા ને કડુ થઈ દીક્ષા લેવા જતા હતા.

ત્યારે અદભુતાનંદ સ્વામી, પૂર્વાશ્રમમાં કડુ ગામમાં રહેતા હતા. તેમણે અજા પટેલને પૂછ્યું: "મામા! ક્યાં જાઓ છો?"

અજા પટેલ કહે: "મહારાજે પત્ર લખી તેડાવ્યા છે, તે જેતલપુર દીક્ષા લેવા જવું છે."

ત્યારે ભાણાભાઈ કહે: "મને પત્ર વંચાવો." પત્ર વાંચી હાથે મીંઢળ બાંધેલ હતું તે તોડી નાખી કહે: "હું પણ તમારી સાથે દીક્ષા લેવા આવીશ."

અજા પટેલ કહે: "તમોને ક્યાં તેડાવ્યા છે?"

તો તેઓ કહે: "કાગળમાં 'આદિ' શબ્દ લખેલ છે. તો 'આદિ'માં હું પણ આવી ગયો." પછી જેતલપુર જઈ શ્રીજીની આજ્ઞા મુજબ સ્વામી રામદાસભાઈ પાસે સાધુ થયા. અજા પટેલનું નામ પૂર્ણાનંદ સ્વામી પાડ્યું. તેમના ભાણેજનું નામ અદભુતાનંદ સ્વામી પાડ્યું.

હરજી પટેલના બે પુત્રો જીવરાજ અને પિતાંબર હતા. તેમાં પિતાંબર સાધુ થયા. તેમનું નામ પિતાંબરાનંદ સ્વામી પાડ્યું.પિતાંબરાનંદના પૂર્વાશ્રમના પુત્ર સાધુ થયા. તેમનું નામ પ્રજ્ઞાનંદ સ્વામી હતું. તેઓ નિત્યાનંદ સ્વામીના શિષ્ય થયા.

મેથાણમાં કેશવજી નામે પટેલ હતા તે ત્યાગી થયા. તેમનું નામ સૂર્યપ્રકાશાનંદ સ્વામી હતું. વળી ભગુ તથા કૃષ્ણ એ બેના નામ સ્વયંપ્રકાશાનંદ તથા અનંતાનંદ હતા. પટેલ જીવાભાઈ તથા હરખાભાઈ, માધવજીભાઈ, કમાભાઈ તેઓ કુટુંબ ત્યાગ કરી પરમહંસ થયા. તેમનું નામ ચૈતન્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી એમ અનુક્રમે નામથી વિખ્યાત થયા હતા. તે ગામમાં કૃષ્ણ, અમરા તથા બીજા કૃષ્ણ તે ત્રણ સાધુ થયા. તેમનું નામ શુદ્ધધર્માનંદ, પદ્મનાભાનંદ અને નિયમાનંદ હતા.

જીવા પટેલ જે રામગ્રીમાં રહેતા તેમનું નામ નરોનારાયણાનંદ સ્વામી હતું. તે જીવા પટેલના બે પુત્રો સાધુ થયા. તેમનું નામ યોગાનંદ સ્વામી તથા કૃષ્ણાનંદ સ્વામી હતું. મેથાણથી સિદ્ધપુર જતાં શ્રીજીમહારાજ ગામ રામગ્રી પધાર્યા હતા.

તે ગામમાં પટેલ આંબાભાઈના દીકરા ગોપીભાઈ તથા કેશવજીભાઈ તે બંને શ્રીજીમહારાજના આશ્રિત થયા. શ્રીહરિ પાસે કંઠીઓ બંધાવી. નાતની ઉપાધિ આવવા માંડી, પણ બંને ભાઈઓએ તેને ન ગણકારતાં શ્રીજીનું ભજન કરવા માંડ્યું. તેવામાં એક વખત ત્યાંથી ત્રણ ગાઉ દૂર ગામ ઈંગરાડીમાં કોઈક કણબીએ પોતાના પિતાનું કારજ બહુ સારું કર્યું અને નાત બધીને કંકોત્રીઓ લખી, તેમાં એમ લખ્યું કે, 'ટીલવા' એટલા ન આવે.

ગોપી પટેલના પિતાશ્રી આંબા પટેલ ઈંગરોડી બે-ચાર (દિવસ) દહાડા આગળથી ગયા હતા. કંકોત્રીમાં ઉપર કહ્યા પ્રમાણે આગેવાનોએ લખ્યું હતું એટલે ગામ રામગ્રીમાંથી ગોપી પટેલ તથા કેશવજી પટેલ તથા તેના ઘરના કોઈ માણસ ઈંગરોડી કારજમાં ન ગયા. પછી નાતીલાઓએ તપાસ કરતાં કહે: "કોણ કોણ નથી આવ્યું?" એમ ખબર કાઢતાં આંબા પટેલને કહે: "તમારા દીકરા બંને તથા ઘરના કોઈ નથી આવ્યા." ત્યારે તેઓ કહે : "ખળાના કામને લઈ નહિ આવ્યા હોય."

તેવામાં કોઈક કણબીએ ત્યાં એમ કહ્યું કે: "આપણે કંકોત્રીમાં લખ્યું છે કે 'ટીલવા' ન આવે." પછી આંબા પટેલ કહે: "હા, હમણાં હિન્દુસ્તાની બાવા જે સ્વામિનારાયણ તે અમારે ગામ આવ્યા હતા ત્યારે તે બે ભાઈ તેમના હાથે વર્તમાન ધારી, તેમના આશ્રિત થયા છે. તે તમોએ 'ટીલવા' એટલે સ્વામિનારાયણના આશ્રિત ન આવે તેમ લખ્યું છે. તેથી નહિ આવ્યા હોય."

પછી ત્યાંથી કાગળ લખીને નાતે માણસ તેડવા મોકલ્યું, પણ તે માણસથી બંને ભાઈ ન આવ્યા. એટલે તે માણસ પાછો આવ્યો. ત્યારે નાતના બે આગેવાન માણસ તેડવા ગયા.

ત્યારે ઘરના કોઈને ન લઈ ગયા અને ગોપી પટેલ તથા કેશવજી પટેલ બંને આવ્યા. તેઓએ નાતમાં જઈ કહ્યું: "કેમ અમને બોલાવ્યા છે?"

ત્યારે નાતીલા કહે: "તમો કેમ કારજમાં ન આવ્યા?"

ત્યારે તેમણે કહ્યું જે, "તમે કંકોત્રીમાં લખ્યું છે કે 'ટીલવા ન આવે' પછી કેમ આવીએ?"

નાતીલા કહે: "તમો જમી લ્યો."

એટલે તે બે ભાઈ કહે: "અમારે જમવું નથી. અમારો શો ગુનો જે નાતીલાએ લખ્યું જે 'ટીલવા ન આવે' તે અમને સમજાવો. પછી અમો જમશું."

વળી તે બંને ભાઈઓએ કહ્યું: "જે દિવસથી અમો સ્વામિનારાયણના આશ્રિત થયા છીએ તે દિવસથી અમો સવારે વહેલા ઊઠી, નાહી, શ્રીહરિની પૂજા કરી, વ્યવહારિક કામ કરવા જઈએ છીએ અને સ્વામિનારાયણે ધરાવેલાં પંચવર્તમાન પાળીએ છીએ. નાતમાં આ પ્રમાણે ધર્મ કેટલા પાળે છે? તે તપાસી જુઓ. સ્વામિનારાયણના આશ્રિતને તમોએ ન આવે તેમ લખ્યું તે હવેથી તેમ ન લખવું તેમ પ્રબંધ કરો, તો જમવું છે, નહિ તો નહિ જમીએ."

પછી નાતીલા વિચાર કરી કહે: "તમો પાંચ વર્તમાન કહો છો તે પાંચ વર્તમાન કયાં? તે અમને સમજાવો."

પછી ગોપી પટેલ કહે: "દારૂ, માટી, ચોરી, અવેરી, ને વટલવું-વટલાવવું નહિ તે પાંચ વર્તમાન છે."

નાતીલા કહે: "તેમાં અમને કાંઈ ખબર પડતી નથી તે સમજાવો."

ગોપી પટેલ કહે: "આપણે દારૂ પીવા કોઈ જતા નથી પણ ઘરમાં ગાળ્યા વિનાનું દૂધ, પાણી, ઘી, તેલ વગેરે પ્રવાહી ઉપયોગમાં લઈએ તેને દારૂ તુલ્ય કહ્યું છે.

આપણે માંસ ખાવા નથી જતા, પણ આપણા ઘેર અન્ન શોધ્યા વિના વપરાય તેમાં ધનેડાં, ઈયળો, ભૂડણાં આદિક જીવો ખાવામાં આવે તે માંસ તૂલ્ય કહેવાય. જળ તથા અન્ન ગાળ્યા તથા શોધ્યા વિનાનું ન વાપરવું.

ચોરી કરવા નથી જતા પણ ધણિયાતા ખેતરમાંથી તેના ધણીને પૂછ્યા વિના બાજરીઓ તથા સાંઠા, સિંગો લઈએ તો ચોરી અથવા કોઈની વસ્તુ પડી હોય તે લઈ લઈએ તે ચોરીનું કામ કહેવાય.

અવેરી જે પોતાની સ્ત્રી વિના બીજી સ્ત્રી સાથે વ્યવહાર, કહેતા તેનો સંગ તે વ્યભિચાર કહેવાય. બીજી સ્ત્રીઓને મા, બેન, દીકરી સમાન ગણવી પણ કોઈ પરસ્ત્રીનો સંગ ન કરવો. તે અવેરીનો ત્યાગ જાણવો.

કોઈનું ન ખપતું હોય તેનું રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ ન પીવું તથા પાવું નહિ, અન્ન ન ખાવું અને ન ખવરાવવું. જો મહિમા હોય તો સાકર કે ફળ પ્રસાદીના કરીને લેવા તેમાં બાધ નહિ. આ પાંચ વર્તમાન પાળીએ છીએ."

ત્યારે નાતીલા કહે: "આવો ઉજળો ધર્મ અમે જાણતા નહોતા, હવે તમે ખાઈ લ્યો."

પછી તે બંને ભાઈઓ કહે: "અત્યારથી બંદોબસ્ત કરો કે સ્વામિનારાયણના આશ્રિતની કોઈ

દિવસ કંઠી ન તોડાવવી તથા તેમને અડચણ ન કરવી એવો પ્રતિબંધ કરો તો અમારે ખાવું છે."

નાતીલા વિચારી કરી કહે: "આટલું પાળે છે અને આપણામાં તો તે પ્રમાણે બધા વર્તનારા નથી તો આવા ધર્મવાળાને આપણાથી કેમ હેરાન કરાય? માટે હવેથી આપણે તેઓને કોઈ જાતની અડચણ કરવી નહિ એવો આજથી પ્રતિબંધ કરવામાં આવે છે."

બંને ભાઈ તેમ નક્કી થવાથી જમીને ઘેર આવ્યા. ગોપીભાઈના દીકરા રાજાભાઈ, તેમના દીકરા મલુભાઈ, તે પરિવારે સહિત સર્વે શ્રીહરિના અતિ દૃઢ આશ્રિત થયા. આ પ્રમાણે રામગ્રી ગામ શ્રીજીમહારાજ પધાર્યાની તથા વર્તમાન ધરાવ્યાની પ્રસંગોપાત વાત કરી.

હવે હું મેથાણ ગામમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યમાં દુર્વાસાના શ્રાપ નિમિત્તે પ્રગટ થયેલા મનુષ્યોનું પ્રિય કરવા તથા સુખી કરવા વારંવાર શ્રીહરિ મેથાણ ગામમાં પધારતા તે ગામની વાત કરું છું.

શ્રીજીમહારાજ કોઈક વખત અસવારે સહિત, કોઈ સમયે સંતમંડળે સહિત, ક્યારેક પાર્ષદે સહિત પધારતા, ક્યારેક મુકુંદવર્ણી સહિત પધારતા. ક્યારેક પંદર દિવસ, ક્યારેક બે માસ, ક્યારેક ચાર માસ આવીને મેથાણ ગામમાં રહેતા.

ક્યારેક ગોવિંદરામભાઈને ઘેર છાના રહેતા હતા- કોઈ વાર તે ગામના તળાવમાં શ્રીહરિ જળક્રીડા કરતા તથા પીપળાનું વૃક્ષ હતું ત્યાં પીપાસરનો આરો પ્રસિદ્ધ છે, ત્યાં બેસી જ્ઞાનોપદેશ કરતા. કોઈ સમે શ્રીહરિ એકલા પણ મેથાણ ગામમાં આવતા.

મહારાજ એક વખત મેથાણમાં કચ્છમાંથી એકાએક પધાર્યા હતા. ધનાળામાં વલ્લભ સુતારને ઘેર જમી, ત્યાંથી દેરીઆરી તલાવડીએ આવ્યા. જારના ઝાડ પર શિંગિયો વચ્છનાગનો ઝેરી વેલો હતો તે ઉતારી, તેના પાંદડા વાટી, ગોળો કરી જમ્યા. શિવની દેરીમાં બારણે ઓશીકું કરી પોઢી રહ્યા. સવારે ગામ માનસર થઈ હળવદ તળાવની ઊભી પાળે વેદસ્તુતિ બોલતા આવી બ્રાહ્મણોને મળ્યા. નારાયણજીભાઈને ઘેર ગયા અને રાત રહી ધ્રાંગધ્રા થઈ મેથાણ પધાર્યા.

આગલા દિવસની રાત્રીએ જીજીબાને મહારાજ પધારતા હોય એવા દર્શન થયાં હતાં. જીજીબાએ પૂંજાભાઈ તથા કાકાભાઈને ઉઠાડી વાત કરી કે: "મહારાજ પધારતા હોય તેવાં મને દર્શન થયાં."

તેઓ કહે: "હમણાં કચ્છમાં સંભળાય છે, તો અહીં ક્યાંથી પધારે? પછી તમો કહો તેમ કરીએ."

જીજીબા કહે: "તમે ઘોડો લઈ ધ્રાંગધ્રા સુધી મહારાજની સામા જાઓ."

આ પ્રમાણે જીજીબાના કહેવાથી કાકાભાઈ તૈયાર થઈ ઘોડે સામાન નાખીને ગયા. ગાળા ગામની પાદરની ઉગમણી તરફ ગયા. દિવસ ત્યાં ઊગવાનો સમય હતો. મહારાજ ચાલ્યા આવતા હતા. ત્યાં દૂરથી સાધુને આવતા જોઈ કાકાભાઈના મનમાં સંકલ્પ થયો જે આ બાવો ચાલ્યો આવે છે તે કદાચ મહારાજ હોય!

એમ વિચાર કરે છે ત્યાં મહારાજનું મુખારવિંદ જરાક મરક્યું. તેથી દાડમની કળી જેવા દાંતનું તેજ ને સૂર્યની કિરણનું તેજ એક થઈ જતું જોયું. મસ્તકે વાળ જેમ સોનાના તાર ચળકે તેમ મહારાજના વાળ ચમકતા હતા તે જોવામાં આવ્યું. ત્યાં મહારાજ એકદમ નજીક આવ્યા એટલે ઘોટા ઉપરથી ઊતરી કાકાભાઈ મહારાજને દંડવત્ પ્રમાણ કરી, મહારાજને બાથમાં ઘાલી મળતા હતા. "મારા બાપલિયા પધાર્યા." એમ કહી દર્શન કર્યાં. મહારાજને ઘોડા પર બેસાડી કાકાભાઈ મેથાણ તેડી લાવ્યા.

રસ્તે આવતાં કાકાભાઈના વાંટાને સીમાડે આવી શ્રીજીએ પૂછ્યું: "કાકાભાઈ! અહીંથી તમારા વાંટાનો સીમાડો આવ્યો?"

કાકાભાઈ કહે: "હા, મહારાજ! તમને ક્યાંથી ખબર પડી?" એવી રીતે ચાલ્યા આવે છે તેવામાં મેથાણ નજીક આવતાં ગાયકવાડના ઘોડા ખંડણી લેવા માટે ગાયનું ધણ રોકી રસ્તામાં ઊભા હતા. મહારાજ ત્યાં પધાર્યા અને કાકાભાઈને કહ્યું જે, "આપણે માર્ગે સીધો ઘોડો લઈ જવો છે." ત્યારે કાકાભાઈ કહે: "બહુ સારું!"

એમ કહી પોતાની તરવાર લઈ, સાવચેત થઈ મહારાજની આગળ ગાયકવાડના ઘોડા સોંસરા સીધા ચાલ્યા. ઘોડાવાળાઓએ રસ્તમાંથી ખસી જઈ રસ્તો કરી આપ્યો. મહારાજ ઘોડા ઉપર બેસી ચાલ્યા અને ઘોડાવાળા કાંઈ બોલ્યા નહિ.

પછી કાકાભાઈને કહ્યું: "તમારા વાંટામાં ઝાડ ઘણાં છે પણ વાડીઓ છે કે?"

કાકાભાઈ કહે: "મહારાજ! વાડી તો નથી."

પછી મહારાજ કહે: "ઝાડ બહુ સારાં છે, પાણી મીઠું હશે." એમ કહી ગામની નજીક પધાર્યા.

ગામના માણસો પૂંજાજી સહિત ગાયકવાડના ઘોડા જોવા આવેલ હતા. માણસોએ પૂંજાજીને કહ્યું: "દાજી! પેલો ઘોડો આવે છે તે તમારો લાગે છે પણ ઉપર તો કોઈ બીજું બેઠું હોય એમ લાગે છે. ઘોડા આગળ તો એક માણસ ચાલ્યો આવે છે." આ સાંભળી પૂંજાજી બોલ્યા: "મહારાજને તેડવા સારુ કાકાભાઈને જીજીબાએ ઘોડો લઈ સામા મોકલેલ છે." એમ ગામના માણસો આગળ પૂંજાજીએ વાત કરી.

કાકાભાઈને તરવાર ઉપર લૂગડાંનો ધજાગરો કરી, ચિચિયારી કરી (બૂમ પાડી) પૂંજાજીને કહ્યું: "ગામના માણસોને ખબર આપો જે મહારાજ પધાર્યા છે. સામૈયું લઈ સામા આવો." તે સાંભળી માણસો એકદમ ગામમાં આવ્યા. જીજીબાને ખબર આપી. જીજીબાએ બાઈઓ તથા ભાઈઓને બોલાવી, મહારાજનું સામૈયું લઈ વાજતે-ગાજતે તેડવા આવ્યાં. મહારાજ ગામની ભાગોળ સુધી પધાર્યા એટલે કુમકુમનો ચાંદલો અને ગુલાબના પુષ્પ વડે વધાવ્યા અને કાકાભાઈ તથા પૂંજાભાઈના ઘેર પધરાવ્યા.

જીજીબાએ મહારાજને થાળ કરી બહુ હેતથી જમાડ્યા. મહારાજ દશ રાત્રી રહ્યા પછી કહ્યું: "અમારે સિદ્ધપુર જઈ, સમૈયો કરી, યજ્ઞ કરવો છે. તમો સર્વે ત્યાં દર્શન કરવા આવજો."

બીજે દિવસે મહારાજ મેથાણથી ચાલ્યા તે ખેરવા, રામગ્રી થઈ વીરમગામ પધાર્યા, ત્યાં તળાવમાં સ્નાન કરી રામપરા ગયા. ત્યાંથી સિદ્ધપુર જઈ કંકોત્રી મોકલી અને જે તિથિએ યજ્ઞ કરવો હતો, તેના ખબર આપ્યા હતા.

કાકાભાઈ તથા પૂંજાભાઈ જીજીબાની રજા લઈ સિદ્ધપુર સમૈયે દર્શન કરવા આવ્યા હતા. મહારાજ ત્યાં હવન-હોમ કરાવે છે; એવામાં દાન કરવાનો વિધિ આવ્યો. તે વખતે શ્રીજીએ પૂંજાભાઈ તથા કાકાભાઈ પાસે માણસ મોકલી એમનો ઘોડો મંગાવ્યો. કાકાભાઈએ ઘોડા પર સામાન તથા પોતાનો ખડિયો, વાસણ, પહેરવાનાં લૂગડાં જે ખડિયામાં હતા તે સહિત માણસ સાથે મોકલી આપ્યો. મહારાજે તે ઘોડો સામાને સહિત બ્રાહ્મણને દાનમાં આપી દીધો.

સંઘમાં એ વાતની ચર્ચા થવાથી કાકાભાઈ તથા પૂંજાભાઈને સવારમાં ખબર પડી જે એમને ઘોડો મહારાજે દાનમાં આપી દીધો, તે સાંભળી બંને ભાઈઓએ મહારાજ પાસે આવી કહ્યું: "મહારાજ! ઘોડો તો ભલે આપ્યો પણ અમારાં રાંધવાનાં વાસણ, લૂગડાં વગેરે ખડિયામાં હતા તે પણ આપી દીધાં? અમે હવે ખાઈશું શેમાં?"

મહારાજ કહે: "સાધુ સાથે બેસી પત્તર લ્યો, બ્રાહ્મણને આપ્યું દાન પાછું ન લેવાય." એમ કહી શાંત કર્યા. આવી રીતે ત્યાં ઘણા દિવસ રહી બ્રાહ્મણ તથા સંઘને જમાડી લીલા કરી. પછી સર્વે હરિભક્તને રજા આપતા હતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સત્તાવનમો વિશ્રામ.