વિશ્રામ ૯૨
એક સમયે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ ગામ મુળીમાં સભા કરી બિરાજમાન હતા, ત્યારે ગામ કંથારિયાના રાણા મોતીભાઈ તથા અડવાળના રાણા રૂપસિંહજીએ કહ્યું જે રાણા રાજગરની વાત કરો. મહારાજે સ્વામીને કહ્યું જે રાણા રાજગરની વાત કહો. તદ્રૂપાનંદ સ્વામી બોલ્યા જે, ગોલિડા ગામમાં રાજગર નામે બ્રાહ્મણ હતા. તેમને બ્રહ્માનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યાં હતાં.
એમને ચાર ભાઈ હતા. જેમના નામ રાણો, રાઘવ, વશરામ અને ભીમ. એમને ભગવાનનું બળ બહુ હતું અને ભગવાનની વાતો તેઓ કરતા. ગામ આખાને વિચાર થયો જે આવા સ્વામિનારાયણના જેવા ભક્ત બીજે નથી. એમના જેવા સાધુ આખા બ્રહ્માંડમાં નથી. એવી રીતે ગામ આખું ગુણવાળું છે. તે સમે ગામમાં એક અભાગી જીવ હતો. તેના દેહનો અંત આવી રહ્યો. તેથી યમદૂત એને તેડવા આવ્યા. તે સમે રાણો, રાઘવ, વિશ્રામ અને ભીમ એ ચારે ભાઈએ વિચાર કર્યો જે આપણા ગામમાં યમદૂત આવ્યા. આપણે પ્રગટ ભગવાનના ભક્ત છીએ તે જીવ યમદૂતને લેવા નહિ દઈએ.
એમ ધારી ચારે જણા લાકડી લઈ આવ્યા અને યમદૂતને કહે: "જીવને લઈ જવા નહિ દઈએ." યમદૂત અને ભક્તો વચ્ચે તકરાર થઈ. યમદૂત સામા થયા પણ એમને નસાડી દીધા ને જીવ લેવા ન દીધો. એવા એ બળવાન હતા.
વિશ્રામ અને રાઘવ સાધુ થયા. રાઘવનું નામ રાઘવાનંદ સ્વામી પાડ્યું અને વિશ્રામનું નામ ગદાધરાનંદ સ્વામી પાડ્યું. તે બંનેને લોકો જમતગડાનંદ કહેતા. ભીમ ઘેર રહ્યો હતો. રાણાને જ્યારે દેહ મૂકવો હતો ત્યારે આગળથી સર્વેને કહ્યું જે, "જેને ધામમાં આવવું હોય તે પરવારીને તૈયાર થઈ જજો. મારે ધામમાં જવું છે," એમ કહ્યું. તે કોઈથી તૈયાર ન થવાયું. તેમનાં માતુશ્રી તથા તેમનો દીકરો એ બંને તૈયાર થયાં. એ બંનેને કહે: "મારા સામા બેસો અને મહારાજની મૂર્તિ સંભારો."
એમ કહે છે તે સમે મહારાજ અને કાઠીના અસવાર અને સાધુ કેટલાક રથમાં, કેટલાક વિમાનમાં બેઠેલા તેમ ગામના બધા લોકોએ જોયું. રાણો, રાણાનો દીકરો તથા રાણાનાં માતુશ્રી રથમાં બેઠાં. એવી રીતે આખા ગામ લોકોએ જોયું ને વિસ્મય પામ્યા. એવો પ્રગટ શ્રીજીનો મહિમા અને માહાત્મ્યે સહિત નિશ્ચય હતો ને કેફ હતો.
જેમ ગાંડો કેફમાં બોલે, તેમ કેફમાં બોલે જે આ તો ભગવાનના અલમસ્ત છે, માટે જેને આવા લક્ષણ હોય તેમના મા-બાપને પણ કૃતાર્થ જાણવાં. તે ધનનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, તે સર્વે હરિભક્તનાં નામ કહ્યાં તે સંભારી રાખવા. તો સ્મૃતિ થઈ આવે ને મોટી પદવીને પામે ને ધામને પામે.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બાણુમો વિશ્રામ.