વિશ્રામ ૨૭

મુળીમાં બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ કરાવતા હતા. મંદિરના કામમાં કોઈ માણસને નવરાશ નહિ. પથ્થરનાં ગાડાં ઘણાં ચાલે અને ગામડામાંથી પણ ઘણાં ગાડાં આવે. નદીમાં ચીલો (રસ્તો) બાંધ્યા વિનાનો હતો. સ્વામીને આવી ખેડૂતે કહ્યું જે, "સ્વામી! કુચ્ચો હોય તો ચીલો બાંધીએ." તે વખતે મહેતા પ્રભુજી ત્યાં બેઠા હતા તે બોલ્યા: "સ્વામી! મારી ગંજી છે તે ચીલામાં નખાવીને માર્ગ બંધાવો."

સ્વામી કહે: "તમારા દીકરાને પૂછો, પછી માર્ગ બાંધીએ."

ત્યારે મહેતા બોલ્યા: "સ્વામી! તમે આજ્ઞા કરો તો તેઓ પોતાને હાથે રસ્તો બાંધે એવા છે."

તે સમયે પ્રભુજી મહેતાના દીકરા દર્શને આવ્યા. તેમાં એક કુબેરજી, બીજા રામકૃષ્ણ, ત્રીજા પુરુષોત્તમ, ચોથા દયારામ, પાંચમા મયારામ તથા ગંગારામ એ છ સ્વામીને પગે લાગ્યા અને બેઠા. સ્વામીશ્રી બોલ્યા જે, "માર્ગ બંધાવવો છે." ત્યારે એ છ બોલ્યા જે, "સ્વામી! અમારા ઠાગાની ગંજીથી અમે છ ભેગા મળી, બાંધીને કાલે તૈયાર કરશું." એવી હિંમત સાથે છએ મંડ્યા તે સવારમાં ઠાગાની ગંજી નાખી અને રસ્તો કર્યો. તે જોઈ બ્રહ્માનંદ સ્વામી બહુ જ રાજી થયા અને કહ્યું: "પ્રભુજી! તમારા કુળમાં જે મરે તેને હું તેડવા આવીશ." એવો વર આપ્યો. તે હજુ સુધી તેડવા આવે છે.

મંદિરનું કામ ચાલતું હતું ત્યારે પાષાણની સાંધ વચ્ચે 'પવું' નાખવા સારુ સીસમનું લાકડું જોઈતું હતું. સલાટે સ્વામીને કહ્યું જે 'પવું' જોઈએ છે. પ્રભુજી મહેતા સ્વામી પાસે બેઠા હતા, તેઓ ઊઠીને ઘેર ગયા. પોતાનો સિસમનો દંતાલ લાવી માવજી સુતારને આપ્યો અને સ્વામીને કહ્યું જે, "આ સિસમનો દંતાલ છે તેનું 'પવું' કરાવો."

ત્યારે સ્વામી બોલ્યા' "ડોસા! દંતાલ શીદને બગાડો છો?"

ત્યારે પ્રભુજી મહેતા બોલ્યા: "સ્વામી! મંદિરના કામમાં આવે તે બગાડ્યું ન કહેવાય, એ તો સુધાર્યું કહેવાય." એમ કહી માવજી સુતાર પાસે 'પવું' કરાવ્યું.

બ્રહ્માનંદ સ્વામીએ પ્રસન્ન થઈ પ્રભુજી મહેતાને પોતે પહેરેલ હાર આપ્યો અને કહ્યું: "આ તો અભયદાન કર્યું." એમ કહી બહુ પ્રસન્ન થયા. જે સમયે તેમને દુઃખ પડે અને બ્રહ્માનંદ સ્વામીને સંભારે એટલે રક્ષા કરતા હતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સત્તાવીસમો વિશ્રામ.