વિશ્રામ ૮૪
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળીપુરમાં બિરાજમાન હતા. તે સમયે બ્રહ્મચારી લક્ષ્મીનારાયણાનંદજીએ કહ્યું જે, "મુળજી બ્રહ્મચારીની વાત કરો." ત્યારે આચાર્યશ્રીએ તદ્રૂપાનંદ સ્વામીને કહ્યું જે, "તમે વાત કરો."
તદ્રૂપાનંદ સ્વામી બોલ્યા જે, "મુળજી બ્રહ્મચારી મચ્છિયાવના ઔદિચ્ય બ્રાહ્મણ હતા. એમને રામાનંદ સ્વામીના વખતથી સત્સંગ હતો. તે પછી શ્રીજીમહારાજનો સમાગમ થતાં તેમના અનન્ય આશ્રિત થઈ રહ્યા."
શ્રીજીમહારાજની મૂર્તિ જોઈ ત્યારથી મૂર્તિ વિના એક પણ ક્ષણ ન રહી શકે. જેને વાત કરે તો તે પણ મહારાજના મહિમાની જ વાત કરે. શ્રીજીની વાતો કરતા સમાધિ થઈ જાય અને શરીરનું ભાન પણ ન રહે, એમ એક ઘડી રહે પછી સમાધિ ઊતરે. દરબારને ખબર પડી તે કોઈએ કીધું જે મુળજીએ બહેનને સમાધિ કરાવી ને તેમને શરીરનું ભાન રહ્યું; માટે મુળજીને દરબારમાં આવવાનું બંધ કરાવી દ્યો. ગામમાંથી મુળજીને રજા આપી, તેમનો ગરાસ અને ખોરડાં (ઘર) દરબારે પડાવી લીધાં.
મુળજી બ્રહ્મચારી તો મહારાજ પાસે આવ્યા અને એમની પાસે સેવામાં રહ્યા. તેમને ગયા ચાર માસ થયા પછી મચ્છિયાવમાં વરસાદ ન વરસ્યો અને બે માસમાં વાયરો વાયો; એટલે માણસો બોલવા લાગ્યા જે, "મુળજી બ્રહ્મચારીને ગામમાંથી, તેમનો ગરાસ ખોરડાં પડાવી લઈને કાઢી મૂક્યા એટલે વરસાદ નહિ વરસે." એમ દરબારને કહ્યું.
દરબાર કહે: "તો મુળજીને પાછા બોલાવો. એમનો ગરાસ તથા એમનાં ખોરડાં પાછાં આપો." એમ કહી મહારાજ પાસે એક માણસ મોકલ્યો.
માણસે મહારાજ પાસે આવી વિનંતી કરી કહ્યું જે, "આ મુળજી બ્રહ્મચારીનો અપરાધ દરબારે કર્યો છે, તેથી અમારા ગામમાં વરસાદ નથી વરસતો. માટે એમને મચ્છિયાવ પાછા મોકલો તો વરસાદ થાય અને ગામના માણસો સુખ, શાંતિ પામે." એમ કહ્યું. પત્રમાં પણ એમ લખ્યું હતું જે મુળજી બ્રહ્મચારી અહીં આવશે તો જ વરસાદ થશે અને અમે ઊગરીશું.
પત્ર વાંચી શ્રીજીએ મુળજીને કહ્યું: "તમે મચ્છિયાવ જાઓ."
શ્રીજીની આજ્ઞા માથે ચડાવી મુળજી મચ્છિયાવ ગામ આવ્યા. દરબારે તેમનો સારો સત્કાર કર્યો. ઘર તથા એમના બે-ત્રણ ઓરડા તેમ જ ગરાસ પાછાં આપ્યાં. પછી વરસાદ બહુ થયો. મુળજી પાછા ગઢડા જવા તૈયાર થયા.
દરબારે કહ્યું જે, "તમે માગો તો આપીએ પણ હવે તો અહીં જ રહો."
મુળજી કહે: "મારે તો અહીં નથી રહેવું. પણ મારું એક વચન માનો તો સુખી થશો. તમે સત્સંગ કરો તો આ સર્વોપરી, સર્વાવતારી, પૂર્ણબ્રહ્મ, પૂર્ણપુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે, તે તમોને આ લોકમાં તથા પરલોકમાં સહાય કરશે અને સુખી થાશો." એમ કહી દરબારને તથા ગામમાં સત્સંગ કરાવ્યો.
મુળજી બ્રહ્મચારી ગઢડા જવા તૈયાર થયા એટલે દરબારની બાઈઓ વિનંતી કરી કહે : "તમારે અહીંથી ન જવું. તમને દરબાર ખાનપાન આપશે, માટે અહીં રહો." મુળજીનું રાજ થકી સન્માન ઘણું કર્યું અને બહુ આગ્રહ કરી રોકાવાનું કહ્યું. પણ મુળજીના મનમાં તો એમ જે ક્યારે મહારાજને મળું? એમ ધારી ચાલી નીકળ્યા અને મહારાજ પાસે આવ્યા.
મહારાજની જેમ મરજી હોય તેમ તેઓ વર્તતા. કોઈ વખતે મહારાજ ગુસ્સે થાય અગર કાઢી મૂકે તો પણ મનમાં બિલકુલ સંકલ્પ-વિકલ્પ ન કરે. પરંતુ મહારાજની મરજી પ્રમાણે જ વર્તતા.
શ્રીજી અને મુળજી બંને એક સમયે કચ્છ દેશમાં જતા હતા. માર્ગમાં જતાં ચોર મળ્યો. ચોરે લૂંટી લીધા. મુળજીએ એક રૂપિયો જોડામાં તારવી દીધો; જે મહારાજ ભૂખ્યા થશે ત્યારે કાંઈક જમાડશું. શ્રીજી ચોરને કહે: "આણે જોડામાં રૂપિયો સંતાડ્યો છે." એમ કહી મુળજી પાસેથી ચોરને રૂપિયો અપાવ્યો. ત્યાંથી ચાલ્યા તે ગામમાં ગયા. શ્રીજી મુળજીને કહે: "ભૂખ લાગી છે તે ખાવાનું આપો."
મુળજી ગામમાં માગવા ગયા પણ કોઈએ લોટ ન આપ્યો. પાછા મહારાજ પાસે આવ્યા ને કહ્યું જે, "ગામમાં કોઈ લોટ આપતું નથી."
શ્રીજી કહે: "તમને માગતાં નથી આવડતું, તો બીજું શું આવડે? તમો નજીકમાં બ્રાહ્મણનું ઘર પૂછીને જાઓ. તે બ્રાહ્મણની સ્ત્રી અને બ્રાહ્મણ બંને આપણા માટે રસોઈ કરીને આપણને જમાડવા માટે આપણી વાટ જુએ છે, તો તેને ઘેર ખબર કાઢો." એમ કહી મુળજીને ગામમાં મોકલ્યા. બ્રાહ્મણ રસોઈ તૈયાર કરી સામે તેડવા આવ્યો. શ્રીજી તથા મુળજી બ્રહ્મચારીને લઈ જઈને લાડુ, દાળ, શાક, ખીચડી, કઢી, દૂધ, દહીં વગેરે આપ્યાં અને જમાડ્યાં. શ્રીજીએ મુળજીને કહ્યું જે, "એક રૂપિયામાં લાડુ ન મળત, પણ આ તો ભગવાને લાડુ જમાડ્યા." એમ મુળજીને કહ્યું.
મહારાજ તથા મુળજી બ્રહ્મચારી બંને કચ્છમાં જતા હતા. સાથે કોઈ ન હતું. ચાલતાં ચાલતાં રાત થઈ એટલે વગડામાં રાત રહ્યા. મહારાજ પોઢી ગયા અને મુળજીને કહે: "તમે જાગજો." પછી અડધી રાત થઈ તે શ્રીજી જાગ્યા અને મુળજીને કહે: "હવે તમે સૂઈ જાઓ." એમ કહી મુળજીને સૂવડાવ્યા અને પોતે ત્યાંથી ચાલી નીકળ્યા. મુળજી જાગ્યા અને ચારે તરફ શ્રીજીને ગોતે, પણ ન મળે અને મુળજી એકલા રહ્યા. તેઓ મહારાજને શોધવા નીકળ્યા.
ખોળતાં ખોળતાં મહારાજ પાછળ ગયા. મહારાજ મળ્યા અને મુળજીને શ્રીજી કહે: "મારી પાછળ તમે કેમ લાગ્યા છો?" એમ કહી મુળજીને કાઢી મૂક્યા. મુળજી બહાર જઈ બેસી રહ્યા. તે બે ઘડી થઈ તો પણ બહાર બેસી રહ્યા. પછી મહારાજ કહે: "મુળજી ક્યાં છે?"
ત્યારે કોઈએ કહ્યું જે, "આ બહાર બેસી રહ્યા છે."
મહારાજે મુળજીને બોલાવ્યા અને કહ્યું: "આપણા બેની રસોઈ કરો ને આપણે જમવાનું કરીએ." એમ કહી બોલાવ્યા અને મળ્યા. પછી બાથમાં ઘાલી મુળજીને કહ્યું જે, "મારા બાપલીઆ! તું ક્યાં જતો રહ્યો?" એમ કહ્યું ત્યારે મુળજી બ્રહ્મચારીને આંસુ આવ્યાં. પછી રસોઈ કરી બંને જમીને ચાલ્યા ને માર્ગમાં વાતો કરતા જાય.
મહારાજ કહે: "તમે મને કેવા જાણો છો?"
મુળજી કહે: "હું તમને ભગવાન જાણું છું."
મહારાજ કહે: "તમને ભગવાન બનાવું?"
મુળજી કહે: "મારે ભગવાન નથી બનવું. માર ખવરાવો તો પણ ભગવાન નથી થાવું ને પૂજાવો તો પણ ભગવાન નથી થાવું!"
ત્યારે મહારાજ કહે: "એ તો બંને વાનાં હોય" એમ કહી માળા આપી અને અંજાર આવ્યા. બહાર ઊતરી મુળજીને ગામમાં મોકલ્યા અને કહ્યું: "આ માળા જેને અડકાડશો તેને સમાધિ થશે."
મુળજી ગામમાં ગયા અને જેને માળા અડાડે તેને સમાધિ થાય, એવી રીતે દશ-બાર માણસને સમાધિ કરાવી. ગામમાં મુળજીનો મહિમા બહુ વધ્યો. ભાટિયાના છોકરાને સમાધિ કરાવી, તે ઊતરી નહિ. પછી તેઓ મુળજીને પકડી મારવા લાગ્યા. એટલે મુળજી નાસીને મહારાજ પાસે આવ્યા. મહારાજે મુળજીને મુકાવ્યા. મુળજીની પાછળ જે આવ્યા હતા તે સર્વેને સમાધિ થઈ. નાડી-પ્રાણ ખેંચાવા માંડ્યા.
તે વખતે ગોલોકમાં રહ્યા જે શ્રીકૃષ્ણ ભગવાન તે મોરલી બજાવે છે અને જેમ વૃંદાવનમાં વિહાર કરતા હોય એમ જાણી ઘણું સુખ પામ્યા. આનંદ આનંદમય થઈ ગયા. સમાધિમાંથી ઊઠી સૌ પોતપોતાના ઘેર ગયા. ભાટિયાના દીકરાને પણ સમાધિ ઊતરી ગઈ. ગામમાં મહિમા બહુ વધ્યો. મહારાજ કહે: "મુળજી! તમે ગામમાં જશો નહિ." એવી રીતે મહારાજ અને મુળજી ઘણી વખત સાથે ગામેગામ પધાર્યા છે.
એક વાર મહારાજ અને મુળજી શ્રીનગર આવ્યા. મહારાજ મુળજીને કહે જે, "સમાધિ કરાવો."
મુળજી કહે: "ના, મહારાજ! મારે માર નથી ખાવો."
મહારાજ કહે: "હવે માર નહિ ખવરાવીએ." એમ કહી મુળજીના હાથમાં ધોકો આપ્યો. તે એક બાજુ જરાક અડાડે તો સમાધિ થાય અને બીજી બાજુ અડાડે એટલે સમાધિમાંથી જાગૃત થાય.
ગામમાંથી સૌ મહારાજ પાસે આવે અને કહે જે, "મને સમાધિ કરાવો."
મહારાજ કહે: "અમને એ નથી આવડતું. આ બ્રહ્મચારી પંજાબી આવ્યા છે તે સમાધિ કરાવે છે." એવી રીતે મુળજી દ્વારા ઘણો ચમત્કાર જણાવતા અને ઘણાં ઘણાં કામ કરાવતાં. એવા શ્રીહરિજીએ મુળજીને નિષ્કામી કરી નાખ્યા હતા.
શ્રીજીએ મુળજીને નિર્વિકારી કર્યા હતા. તેઓ હનુમાનજીનો અવતાર કહેવાતા. હજારો સ્ત્રીઓમાં જાય તો પણ નિષ્કામી જ હોય. મહારાજે આજ્ઞા કરી તેથી જ્યાં સુધી મહારાજ રહ્યા ત્યાં સુધી બાઈઓ સાથે બોલતાં. પુરુષપણાનો વિકાર ન હતો. તેમના જેવો કોઈ નિર્વિકારી પુરુષ નથી. હજારો સ્ત્રીઓ હોય ને ધનના ઢગલા પર બેસે તો પણ મુળજી બ્રહ્મચારીને વિકાર ઊપજતો નહિ. મહારાજની એમના ઉપર આવી અસીમ કૃપા હતી. એમને શ્રીજીના વચનને વિષે કદાપિ સંશય થતો નહિ.
શ્રીજી કેટલીક વખત વઢે ને ખિજાય, તો પણ શ્રીજીની મૂર્તિ વિના તેઓ ન રહી શકે. શ્રીજી કેટલીક વાર તેમની ધીરજતા જોવા પરીક્ષા કરતા; પણ મુળજીને તો મહારાજને વિષે પૂરેપૂરી આત્મબુદ્ધિ, તે કદાપિ રીસ ન ચઢે.
એક વાર શ્રીજીએ મુળજીને વગર વાંકે કહ્યું જે, "અહીંથી નાસી જાઓ." એમ કહી ગુજરાત મોકલ્યા. તેઓ ડભાણમાંથી કેરીનો કરંડિયો બે, ત્રણ મણનો લઈ શ્રીજી પાસે આવ્યા ને શ્રીજીને આપ્યો. બાઈઓ મહારાજને રસ કાઢી જમાડતાં અને મુળજી તો ગામમાં લોટ માગી ખાય. ત્યારે બાઈઓ બોલ્યાં જે, "પેલો બિચારો મુળજી સાઠ ગાઉથી માથે ઉપાડી કેરી લાવ્યો છે. તેને તમો બોલાવતા પણ નથી. તે ગામમાંથી માગી ખાય છે, હવે બોલાવો તો સારું." પછી શ્રીજીએ મુળજીને પોતાની પાસે દરબારમાં બોલાવ્યા અને પાસે રાખ્યા. એવી રીતે ઘણી વાર ધીરજતાની પરીક્ષા કરી, કૃપાપાત્ર જાણી પોતાની પાસે રાખી, અલૌકિક સુખ આપતા હતા.
મમ ગુરુ મુળજી બ્રહ્મચારીના કેટલા ગુણ ગાઈએ? (બ્રહ્મચારી કરુણાનંદજી કહે છે) તે જેટલા ગાઈએ તેટલા મહાગુણના પાત્ર હતા. જ્ઞાન, વૈરાગ્ય, આત્મનિષ્ઠા અને ભગવાનના મહિમાએ સહિત નિષ્કામ ભક્તિવાળા હતા ને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળા હતા. એમનું જીવન ફક્ત ભગવાનને રાજી કરવા અર્થે જ હતું. તે તો અક્ષરસ્વરૂપ હતા. શ્રીજી જેમ રાખે તેમ રહેતા.
એક વાર શ્રીજીએ મુળજી બ્રહ્મચારીને બાઈઓ સાથે બોલવાની ના પાડી. તો તેઓ કહે : "બહુ સારું." પછી બાઈઓએ મહારાજના થાળ કરવા માટે મુળજી બ્રહ્મચારીને પૂછ્યું. ત્યારે તેઓ કહે: "મહારાજે મને બાઈઓ સાથે બોલવાની ના પાડી છે."
ત્યારે મહારાજ કહે: "જો એ બાઈઓ સાથે બોલે છે." એમ કહી કહ્યું જે, "એમને બાઈઓનું ભાન નથી. એ તો શુકજી જેવા નિર્વિકારી છે. હજારો બાઈઓમાં જાય તો પણ સ્ત્રીનો મોહ ન થાય એવા છે." આ મુળજી બ્રહ્મચારીના ગુણ લખવાથી પાર આવે તેમ નથી.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચોરાશીમો વિશ્રામ.