વિશ્રામ ૬

ત્રીજા દિવસે બાઈબા અને રાજુબાએ દરબારમાં રસોઈ કરાવી. શ્રીહરિને જમવા માટે બોલાવ્યા. મહારાજ જમવા પધાર્યા. મહારાજને અને મૂળજી બ્રહ્મચારીને જમાડી બાઈએ મુખવાસ આપ્યો. રાજુબાએ દરબારને થાળ પીરસ્યો. દરબારમાં એક ઓરડો હતો. તેમાં ભૂત ઘણાં રહેતાં હતાં. મહારાજને જોઈ ઓરડામાં ઘણો ધમધમાટ થયો.

મહારાજે પૂછ્યું: "આ શું થાય છે?"

ત્યારે દરબાર કહે ઓરડામાં ભૂતો છે. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું જે, "બ્રહ્મચારી! આ ભૂતોનો મોક્ષ કરો."

મૂળજી બ્રહ્મચારીએ પાણીનો લોટો લઈ ઓરડામાં પાણી છાંટ્યું. ભૂતોએ રાડો પાડી. મૂર્તિમાન પચીસ ભૂતો હતા તે સર્વે આવી મહારાજને પગે લાગ્યાં. શ્રીજીમહારાજનાં ચરણનો

સ્પર્શ કરી ચતુર્ભુજ થઈ શ્રીહરિને પ્રાર્થના કરી અને સૌને જોતાં ગોલોકમાં જતા હવા. તે જોઈ સૌ વિસ્મય પામ્યા.

મહારાજ અલર્ક વાવના બગીચામાં બંગલો હતો ત્યાં આવી પોઢી ગયા. સાંજે ચાર વાગે ઊઠી વાવમાં સ્નાન કરી વાવના મતવાલા ઉપર બિરાજમાન થયા. તે સમે હરિભક્ત મૂળજી અને બીજા ગરાસિયા અને દરબાર સૌ બેસવા આવ્યા. સૌને મહારાજે વાત કરી, પછી કહ્યું: "જેને પૂછવું હોય તે પૂછો."

ત્યારે રઘાભાઈએ પ્રશ્ન પૂછ્યો: "હે મહારાજ! આ જે ભૂત થતાં હશે તેનું શું કારણ હશે?"

મહારાજે કહ્યું: "જે જીવને વિષયમાં વાસના રહે તે ભૂત થાય; સ્ત્રી, દીકરા, રૂપિયા તથા ઘરની મેડી આદિ જેમાં વધુ હેત હોય તે ત્રણે અવસ્થામાં સાંભરે અને તેની વિસ્મૃતિ ન થાય. રાત્રી દિવસ સંભાર્યા કરે અને એ અરસામાં એનો દેહ પડે તો ભૂત થવું પડે. માટે ભગવાન અને સંત તેમાં હેત રાખવું. બીજે ઠેકાણે હેત ન રાખવું."

એવી રીતે ઘણી વાર્તા કરી તેમાંથી અલ્પ માત્ર લખી છે. પછી દિવસ અસ્ત થયો અને સૌ ઊઠ્યા અને મહારાજ બંગલે પધાર્યા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે છઠ્ઠો વિશ્રામ.