વિશ્રામ ૪૬
સામંતસિંહજી અને મૂળજી શેઠ ઘેર આવ્યા. સરસામાન તૈયાર કર્યો. સવારમાં મહારાજ પધાર્યા. ગામના સર્વે ગરાસિયા તથા હરિભક્ત સામૈયું લઈ સામા આવ્યા ને વાજતે-ગાજતે ગામમાં મહારાજની પધરામણી કરી સૌને ઉતારા કરાવ્યા. કાઠી તથા ગરાસિયાને પણ ઉતારા કરાવ્યા. સાધુઓને મૂળજી શેઠના ઘેર ઉતારો કરાવ્યો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી આદિ સદગુરુઓને ગામમાં ઉતારો કરાવ્યો.
ગામ બહાર એક તૃણ જે જવાસાનો બંગલો ભક્ત સગરામ પારધીએ કરી રાખ્યો હતો, તેને પાણી છાંટી ઠંડી હવા આવે તે સારુ તે વચ્ચે ઢોલિયો બિછાવ્યો. તેમાં મહારાજ બિરાજમાન થયા હતા.
ગામમાં સાધુની રસોઈ થઈ અને દરબારમાં થાળ થયો. મહારાજને જમવા માટે બોલાવ્યા. મહારાજ જમવા પધાર્યા. મૂળજી બ્રહ્મચારીએ થાળ લાવી શ્રીજીને રૂડી રીતે ભાતભાતના ભોજન અને બત્રીસ પ્રકારનાં વ્યંજન જમાડી મુખવાસ આપ્યો. સાધુની પંક્તિ થઈ એટલે સાધુ પંચવર્તમાનનાં કીર્તન બોલ્યા. અને શ્રીજીએ પંક્તિમાં લાડુ પીરસવા માંડ્યા. સાધુઓ જમતા જાય અને સ્વામિનારાયણ નામ લેતા જાય. એવી રીતે સાધુને જમાડી મહારાજ હાથ ધોઈ ઉતારે પધાર્યા અને સાધુ પણ ઉતારે ગયા.
સાંજે સાધુઓની સભા થઈ. તેમાં મહારાજ બિરાજમાન થયા. ગામમાંથી સર્વે માણસો-ગરાસિયા આદિ દર્શન કરવા માટે આવ્યાં. શ્રીજીમહારાજે બહુ વાતું કરી અને કહ્યું: "દારૂ, માટી, ચોરી, અવેરીનો ત્યાગ કરી ધર્મમર્યાદા પાળે છે તે સ્વર્ગે જાય છે, તે વર્તમાન પાળી, ભગવાનને ભજતાં ભગવાનના ધામમાં જાય છે. જે મનુષ્ય માણસનો દેહ પામી પરલોકનું સાધન નથી કરતાં તે તો નરક ચોરાશીમાં વારંવાર ફર્યા કરે છે. માટે મનુષ્ય દેહ પામીને આત્માનું શ્રેય થાય તેવું સાધન કરવું. ભગવાનની ભક્તિ કરવી. ભગવાનના ધામમાં જવાય એવું સાધન કરવું પણ મનુષ્ય દેહ ખોઈ નાખવો નહિ. માટે સારાં માણસે તો ભગવાન ભજી સંત સમાગમ કરી લેવો." એવી ઘણી વાર્તા કરી. પછી સંત કીર્તન બોલવા માંડ્યા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે છેતાલીસમો વિશ્રામ.