વિશ્રામ ૯૯
એક સમયે શ્રીજીમહારાજ બે દેશના ભાગ પાડતા હતા. તે સરખે ભાગે મંદિર નાખતા હતા. ત્યારે મંદિર નાનાં-મોટાં થવા લાગ્યાં. ભાગ વહેંચનારને નાનાં-મોટાં થાય તેથી વહેંચતા ન ફાવ્યું એટલે કહ્યું જે, "મહારાજ! તમે વહેંચી આપો તો ઠીક."
શ્રીજીમહારાજ કહે: "એમાં મૂંઝાઓ છો શું?" એમ કહી પોતે ધાવા કરવા માંડ્યા તે મુંબઈ ને કરાંચીનો ધાવો, માંડવી ને બુરાનપુરનો ધાવો, વડનગર ને માણાવદરનો ધાવો, જૂનાગઢ ને ભૂજનો ધાવો, ગોંડળ ને ચરાડવાનો ધાવો, ગઢડા ને મુળીનો ધાવો, ધોલેરા ને અમદાવાદનો ધાવો, વડોદરા ને ઇડરનો ધાવો, ભરૂચ ને સિદ્ધપુરનો ધાવો, સુરત ને પ્રાંતિજનો ધાવો, ખંભાત ને માણસાનો ધાવો ને ઉત્તર વિભાગમાં છપૈયા એવી રીતે શ્રીજીમહારાજે ધાવા કર્યા.
તે જોઈ એમ થયું જે શ્રીજીમહારાજ આ શું કહે છે. એ સાંભળી એકબીજા સામું જોવા માંડ્યું. મહારાજ બોલ્યા જે, "સામું શું જુઓ છો?"
ત્યારે મુળજી શેઠે કહ્યું: "આ જે ધાવા કર્યા એમાં કોઈ જગ્યાએ મંદિર છે ને કોઈ જગ્યાએ નથી; તે માટે એકબીજા સામું જુએ છે."
મહારાજ કહે: "છે તો બધું પણ તમે જોઈ શકતા નથી."
ત્યારે મુળજી શેઠ કહે: "આ તો વહેંચણીનું કામ છે. માટે સૌ જુએ અને સર્વના મનનો સંશય મટે એમ કરો."
ત્યારે શ્રીજી કહે: "મારા સામું જુઓ." પછી સર્વેએ છવ્વીશ ધામોનાં દર્શન કરી, જન્મસ્થાન છપૈયા જોઈ બહુ આનંદ પામ્યા. ને સૌનો સંશય હતો તે મટી ગયો ને નિવૃત્તિ પામ્યા. સર્વને થયું જે, જે રીતે કર્યું તે ઠીક કર્યું છે. આવો પ્રતાપ જોઈ અયોધ્યાપ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ એ બંને મનમાં એમ જાણતા હતા. શ્રીજીમહારાજને તો બંને બરોબર છે.
તેમાં અયોધ્યાપ્રસાદજી મહારાજને નરનારાયણનો દેશ આવ્યો અને એમ વિચાર થયો જે આ મંદિર પૂરું કરવાને લાખો રૂપિયાનો ખર્ચ થશે. તે કેમ થશે? એમ વિચાર કરે છે ત્યાં શ્રીજીમહારાજ પોતે આવ્યા ને કહ્યું જે, "તમારે સૂઝે એટલા રૂપિયા વાપરજો તેમાં કોઈ દિવસ ખોટ નહિ આવે." પછી લાખો રૂપિયા વાપર્યા ને મંદિર કરાવ્યું ને કરોડોની આબરૂ વધારી. એવા સમર્થ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજના મહિમાનો પાર આવે એમ નથી. તેમને શ્રીજી વિના બીજો વહેવાર નહોતો.
તેમને ત્રણે અવસ્થામાં શ્રીજીમહારાજને વિષે વૃત્તિ રહેતી. તે ધ્યાન ભજન કરતા અને કાવ્યો કરતા તો પણ એમ ને એમ મૂર્તિમાં જ રહેતા. શ્રીજીમહારાજ પાસે આવ્યા ત્યાંથી જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણે અવસ્થામાં શ્રીજીની મૂર્તિને તેજના સમૂહમાં દેખતા તેવા સ્થિતિવાળા હતા. એક સમે બાવન દિવસ સુધી સમાધિમાં રહ્યા ને અન્ન પાણી પણ ન લીધું.
તે સમે શુકમુનિ અને ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ને પ્રાર્થના કરી જે, "મહારાજ! તમે અન્ન નથી લેતા તેથી સર્વ સાધુ, બ્રહ્મચારી ઉદાસ રહે છે. તો થોડું અન્ન લ્યો." એમ પ્રાર્થના કરી.
ત્યારે મહારાજ બોલ્યા જે, "હું તો શ્રીજી પાસે થાળ જમું છું." એમ કહી પાછી અંર્તદૃષ્ટિ કરી, મૂર્તિમાં જોડાઈ ગયા. એવી રીતે બાવન દિવસ પૂરા થયા.
આરતી થયા પછી સમાધિમાંથી ઊઠી કહ્યું જે, "ભોમાનંદ સ્વામી ક્યાં છે?" એમ કહી સૌને સંભાર્યા ને કહ્યું: "સર્વે સાધુને બોલાવો અને આ દેશ તથા વડતાલ દેશમાં રસોઈ કરે, એમ પત્ર લખો. પછી મંદિરમાં સૌને રસોઈ કરાવી, સાધુનાં દર્શન કરી, અન્ન-જળ લીધું.
એવી રીતે સાધુનું માહાત્મ્ય જાણી ભગવાનના ઉત્સવોમાં પોતે સેવા કરતા. ફૂલમંડળી હોય તો હિંડોળામાં સેવા કરતા, પારણામાં ઝુલાવતા અને ગાવણું કરતાં અર્ધી રાત્રી થઈ જતી. પ્રેમે સહિત ભક્તિ કરતા. નિત્ય નવા નવા કીર્તન કરી ગાતા. પ્રભાતમાં ઊઠી પ્રભાતિયાં બોલતા. વહેલા ઊઠી વચનામૃત વાંચતા. સવારે સભામાં વાતો કરતા. સર્વ સાધુ તથા બ્રહ્મચારીને ઉપદેશ વચન કહેતા. જેવી રીતે શ્રીજીમહારાજ પ્રત્યક્ષ મનુષ્યરૂપે બિરાજતા ને સમાસ થતો હતો તેવો સમાસ અને આનંદ થતો.
પ્રેમભક્તિએ કરી હજારો રૂપિયાનું ખર્ચ કરતા. અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે માણસોનાં મન ખેંચાતાં હતાં. શ્રીહરિની સેવામાં અને તેમની સેવામાં કાંઈ ફેર નથી, એમ જાણી ઘણા પ્રેમીજનોએ હજારો રૂપિયાનો શિરપાવ, હાથી, ઘોડા અને ઘોડાગાડી, બળદની જોડી તથા ઘણાક માણસો તો શેલાં, પાઘડીઓ, સોનાનો દોરો, હીરા, કંઠી, સોનાનાં કડાં, દુશાલ એવા ઘણા પદાર્થ લઈ આચાર્ય મહારાજની પૂજા કરતા.
કેટલાક પુષ્પહાર, તોરા, પુષ્પની પોંચી, કડાં, પુષ્પની પછેડી, ટોપી એવી રીતે પુષ્પના શણગારમાં ગરકાવ થયેલા તેઓશ્રીને જોઈને આનંદ પામતા હતા. એવા જે આ અયોધ્યાપ્રસાદજી મહારાજના મહિમાનો પાર આવે એમ નથી. જેને એક વાર દર્શન કર્યાં હોય તે પણ નહિ ભૂલે. એમનાં દર્શનનું ફળ તો જેવું શ્રીજીમહારાજનાં દર્શનનું ફળ તેવું જ. શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનાં દર્શને કરી ત્રિવિધ તાપની નિવૃત્તિ થતી હતી. એવો એમનો ચમત્કાર હતો તેમાં કંઈ સંશય નથી.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે નવ્વાણુમો વિશ્રામ.