વિશ્રામ ૨૮

બ્રહ્માનંદ સ્વામી મુળીમાં મંદિર કરાવતા હતા. એક સમયે ગામમાં કોગળિયું બહુ જ આવ્યું અને ગામમાં બહુ માણસો રોજ મરવા લાગ્યા. મંદિરનું કારખાનું ચાલે. તે સમે કડિયા કહે: "સ્વામી! હવે અમે અહીં નહિ રહીએ." એમ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું.

બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું: "કંઈ ફિકર કરશો નહિ. મંદિરમાં મરકી નહિ આવે." વળી સ્વામીએ કડિયાને કહ્યું: "હવે મરકીને ગામમાં પણ નહિ રહેવા દઈએ." એમ કહી બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ કરી ગામ સામું જોયું તે મરકી એમ ને એમ દક્ષિણાદિ ગઈ.

મોના નામે સલાટ મંદિરમાં કામ કરતા હતા. મોનાનો દીકરો ફૂલો માંદો પડ્યો તે દેહ રહે એવું નહિ. સર્વ સલાટ લૂગડાં બદલી કારખાનું બંધ કરી બેઠા. તે વખતે બ્રહ્માનંદ સ્વામી બહાર ગયા હતા. તે પાછા આવ્યા, જોયું અને પૂછ્યું: "કામ કેમ ચાલતું નથી?" ત્યારે નિયમાનંદ સ્વામીએ વાત કરી જે સલાટ મોના ભક્તનો દીકરો દેહ મૂકે તેમ છે, શ્વાસ થઈ ગયો છે અને દેહ રહે તેમ નથી. બધા સલાટ છોકરાને ઘેરી બેઠા છે. તે વખતે મોના ભક્તને સ્વામીએ બોલાવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ મોના ભક્તને કહ્યું જે, "આ ફૂલો જીવે તો શું સેવા કરશો?"

મોના ભક્ત બોલ્યા: "આપ જેમ કહો તેમ કરીશ."

ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે: "તમારે પાંચ દીકરા છે, તે પાંચનો પગાર ચાલતો રાખવો અને તમારે મહારાજની સેવા-ભક્તિ કરવી." એમનો દીકરો ફૂલો સાજો થઈ ગયો. સ્વામીશ્રીની આજ્ઞા માથે ચડાવી મોના ભક્તે જીવ્યા ત્યાં સુધી મહારાજની સેવા-ભક્તિ કરી.

મુળીમાં પાષાણની ખાણ ચલાવતાં મોના ભક્તને મનમાં એમ થયું જે હનુમાનજી અને ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે પાષાણ કાઢવા છે. એમ વિચારી પાષાણ કાઢવા માંડ્યા. હનુમાનજી તથા ગણપતિની મૂર્તિઓ થાય તેવા લાંબા, પહોળા, ઊંચા બે પાષાણ કાઢ્યા. ગાડામાં પણ સમાય નહિ તેવા મોટા પાષાણો હતા, તેથી આઠ પૈડાની 'રેલ' લાવી પાષાણ ચડાવવા માંડ્યા પણ ચડ્યા નહિ. સૌના મનમાં એમ થયું જે હવે કેમ કરવું? પછી તેઓ સ્વામી પાસે ગયા અને કહ્યું જે પાષાણ રેલમાં ચડતા નથી. સ્વામીએ ખાણે પાષાણ પાસે આવી કહ્યું: "પૂજાવું હોય તો હળવા થાવું જોઈએ." એમ કહી હાથ પાષાણને અડાડ્યો કે તરત જ પાષાણ રેલમાં ચડ્યા. તે ફૂલ જેવા થઈ ગયા અને મંદિરમાં તરત લાવ્યા.

એવા તો ઘણા ચમત્કાર સ્વયં શ્રીહરિ તથા શ્રીહરિજી સ્વામીશ્રી દ્વારા જણાવતા. આવી રીતે શ્રીહરિની અને બ્રહ્મમુનિની એકતા રહેતી. બ્રહ્મમુનિથી શ્રીજી જરાય દૂર ન રહેતા. ઘણી વખત બ્રહ્મમુનિની પ્રાર્થના સ્વીકારી શ્રીહરિ તેમના સંકલ્પ પૂરા કરતા. આ પ્રસંગ નિયમાનંદ સ્વામીએ નજરે દેખ્યો છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે અઠ્ઠાવીસમો વિશ્રામ.