વિશ્રામ ૨૬

એક સમયે બ્રહ્મમુનિ ભુજ જતા હતા ત્યારે હળવદ ગયા. હળવદમાં દવે મહાદેવ હતા. તે કીર્તનિયા બહુ સારા હતા. બ્રહ્માનંદ સ્વામી પાસે કીર્તન બોલ્યા, એટલે સ્વામી રાજી થયા. મહાદેવ દવેએ સ્વામીને કહ્યું કે મારે ઘેર જમવા પધારો.

સ્વામીએ હા પાડી અને કહ્યું: "તમારે ઘેર જમવા આવશું."

મહાદેવ દવેએ રસોઈ કરાવી, સ્વામીને તેડી ગયા અને જમાડ્યા. પછી પ્રાર્થના કરી કહ્યું જે, "સ્વામી! તમે દયા કરો તો મારે ઘેર દીકરો થાય."

ત્યારે સ્વામી બોલ્યા: "મહાદેવ! તારે દીકરા કેટલા જોઈએ?"

તે કહે: "ત્રણ દીકરા જોઈએ."

સ્વામી કહે: "રાધાકૃષ્ણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજનાં ત્રણે શિખરના ખર્ચના જે રૂપિયા થાય તે સેવામાં આપો, તો ત્રણ દીકરા થશે." એવો વર આપ્યો.

પછી મહાદેવ દવેને ઘેર ત્રણ દીકરા થયા. એક પ્રાણજીવન, બીજો નારાયણજી, ત્રીજો રૂગનાથજી એમ ત્રણ દીકરા થયા. મહાદેવ દવેએ શિખરના ખર્ચના રૂપિયા સેવામાં આપ્યા.

આ સમયે વીરજી સોની માંદા હતા અને હાથ-પગ ન ચાલે એવા સજ્જડ થઈ ગયા હતા. તે વખતે નાગર સોની કહે કે "સ્વામી! આ વીરજી સોનીને દર્શન આપો તો સારું થાય." પછી સ્વામી દર્શન દેવા તેમને ઘેર પધાર્યા.

સોની સ્વામીને કહે: "મને કંઈ કામ બતાવો."

સ્વામી કહે: "સાજા થઈ ઠાકોરજીને કડાં પહેરાવજો." એમ કહી સ્વામી મંદિરમાં આવ્યા. ત્યાર બાદ વીરજી કહે: "મારે મંદિરમાં સ્વામીનાં દર્શને જવું છે." એમ કહી તરત લૂગડાં પહેરી મંદિર આવ્યા. સ્વામીશ્રીના વચનથી બધું મટી ગયું. સ્વામીને કહ્યું: "આપે જે આજ્ઞા આપી છે તે મુજબ તરત ધર્માદો કરીશ; પણ બીજું સંભારણું મને આપો."

સ્વામી કહે કે: "ધર્માદો ચોખ્ખો વિસમો ભાગ કાઢજો."

ત્યારે સોની કહે "બહુ સારુ." વીરજી સોની જીવ્યા ત્યાં સુધી એ નિમિત્તના રૂપિયા બસો આપતા. સ્વામીના વચનનો વિશ્વાસ હતો તો ઘરમાં પૈસા મૂકવાની જગ્યા ન રહી એવી રીતે સ્વામીએ ઘણાના મનોરથો પૂર્ણ કર્યા છે.

તે સમયે અમરશી ખત્રી આવ્યા ને કહ્યું કે સ્વામી! હરજી માંદો છે. તમે હાથ મૂકી આશીર્વાદ આપો તો સાજો થાય."

સ્વામીએ કહ્યું: "શું માંદો છે?"

અમરશી કહે: "ત્રણ મહિનાથી ઊલટી થાય છે, ઉધરસ આવે છે."

સ્વામી કહે: "એને ઘી પાઓ એટલે મટી જશે." પછી બે દિવસ સુધી ઘી પાયું તે મટી ગયું.

મહાદેવ ભક્તને પગે લગાડ્યા. તેને જોઈ સ્વામી બોલ્યા જે, "અમરશી! મહાદેવ તો વૈરાગ્યવાન છે તે ઘરમાં નહિ રહે." એમ અમરશી ભક્તને સ્વામીએ કહ્યું હતું તેમ જ થયું. તે ઘરમાં ન રહ્યા. એવા મોટા પુરુષનાં વચન બળવાન છે.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે છવીસમો વિશ્રામ.