વિશ્રામ ૩૪
સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી મુળીમાં બિરાજમાન હતા. તે સમયે જોધપુરના દેવીદાસ નામે કવિ અષ્ટાવિધાન કરતો અને રાજાઓ પાસેથી શિરપાવ લેતો. તેને કવિપણાનું અને અષ્ટાવિધાનનું માન હતું. તે કવિ કાઠિયાવાડમાં આવતો હતો. તેણે બ્રહ્માનંદ સ્વામીની કવિરાજ સંજ્ઞા સાંભળી તથા સ્વામીશ્રીની કીર્તિ સાંભળી. દેવીદાસ કવિથી સ્વામીશ્રીની કીર્તિ સહન થઈ ન શકી. કવિ દેવીદાસ મુળી ગયા. દરબારમાં ઉતારો કર્યો. મુળી ગામમાં જેટલા ચારણ તેને ભેગા કરી કહ્યું જે, "જેટલા કવિ હોય તે આવે મારે અષ્ટાવિધાન કરાવવું છે."
એ સાંભળી પિંગળશી ગઢવી બોલ્યા જે, "અમે તો અષ્ટાવિધાનમાં નથી સમજતા. અમારા ગુરુ બ્રહ્માનંદ સ્વામી પાસે આવો ત્યારે ખબર પડે જે તમે અષ્ટાવિધાન કરો છો કે બાર વિધાન કરો છો."
ત્યારે કવિ બોલ્યા કે: "તમારા ગુરુ ક્યાં છે?"
પિંગળશી ગઢવી કહે: "એ તો મંદિરમાં છે."
કવિ કહે: "ભલે, મંદિરમાં ખબર આપો."
પિંગળશીએ મંદિરે આવીને સ્વામીને ખબર આપી જે, "દેવીદાસ કવિ મળવા આવે છે."
સ્વામી બોલ્યા જે, "ભલે આવે." પિંગળશી કવિને કહે: "ચાલો મંદિરે! સ્વામીએ કહ્યું છે."
પછી કવિ દેવીદાસ મંદિરે આવ્યા. સ્વામીએ સત્કાર કર્યો. દેવીદાસ સ્વામીને કહે: "આપ અષ્ટાવિધાન જાણો છો?"
ત્યારે સ્વામી બોલ્યા: "અષ્ટાવિધાન તો નાના છોકરા એવા વૈશ્નવાનંદ છે તે પણ જાણે છે. અમે તો શતાવિધાન કરીએ અને કહો તો સહસ્ત્રવિધાન કરીએ." એમ કહી વૈશ્નવાનંદને બેસાડી અષ્ટાવિધાન કરાવ્યું. તે જોઈ કવિ વિસ્મય પામી ગયા અને ગર્વ હતો તે ઊતરી ગયો.
પછી સ્વામી બોલ્યા જે, "અષ્ટોત્તર શતાવિધાન સાંભળવું હોય તો આવો. જેટલી જાતના છંદ છે તેટલા કવિ સર્વ લખવા માંડો!" અને સર્વેને એમ થયું જે મને લખાવે છે એવી રીતે પાંચ મિનિટમાં છંદ પૂરો થયો.
એવું સ્વામીનું સાર્મથ્ય જોઈ અને અષ્ટાવિધાન તથા અષ્ટોત્તર શતાવિધાન સાંભળીને દેવીદાસ વિસ્મય પામ્યા. એમને એમ હતું જે મારા જેવો અષ્ટાવિધાની બીજો કોઈ નથી. પણ અહીં આવી એમ જાણ્યું જે સ્વામિનારાયણ ભગવાન છે તે તો સાચા છે. પણ મને તો આજે બ્રહ્મમુનિ મળ્યા તે જ ભગવાન છે. એમાં કંઈ સંશય નથી. એમ કહી બ્રહ્મમુનિના પગમાં પડ્યા. પોતાનો શિરપાવ હતો તે ઉતારી બ્રહ્મમુનિ પાસે મૂક્યો અને કહ્યું: "આ મારાં કડાં, ઊતરી, ઘરેણું શ્રીજીમહારાજને અર્પણ કરજો." એમ કહી સ્વામીનાં ચરણમાં પડ્યા.
પછી સ્વામીએ કવિને નિયમ ધરાવ્યાં અને તેઓ સત્સંગી થયા. સ્વામી બોલ્યા જે, "પૂર્વાશ્રમમાં તમારાથી પણ અમારે વધુ ગર્વ હતો, પરંતુ સ્વામિનારાયણને દીઠા ત્યારે ગર્વ ગળી ગયો. માટે કવિરાજ! ગર્વગંજન તો એક ભગવાન છે. ગર્વ કર્યો તે ન રહ્યો. માટે ઈશ્વરના જેવા ગુણ આવે તો પણ ગર્વ ન આવવા દેવો. ભગવાનમાં તો અનંત ગુણ છે તો પણ નિર્વિકારી છે. માટે ભગવાનના ગુણ જેમાં હોય તે પુરુષ ગર્વ રહિત થાય છે. ભગવાનના ગુણ તો દુર્લભ છે. માટે બારોટજી! સર્વ થકી એક ભગવાન મોટા છે." પછી કવિ ઘેર ગયા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ચોત્રીસમો વિશ્રામ.