વિશ્રામ ૧૫
શ્રીજીમહારાજ શ્રી મુળીપુર મધ્યે મહાસુદિ પાંચમને દિવસે નમતા પહોરે લીમડા નીચે વિરાજમાન થવા હવા. સર્વે શ્વેતવસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠમાં મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા. કાન ઉપર પુષ્પનો ગુચ્છ ખોસ્યો હતો, ગજરા ને બાજુબંધ ધારણ કર્યા હતા. પાઘમાં પુષ્પના તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજીમહારાજે પરમહંસને કહ્યું: "કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો."
ત્યારે વાસુદેવાનંદ બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો જે, "સર્વ શાસ્ત્ર ભણીને ભગવાનને જાણવા એ સિદ્ધાંત છે, તે કેવી રીતે જાણવા? તથા તે મૂર્તિ સુષુપ્તિ પર જે સામ્યાવસ્થા તેથી પર તેજનો સમૂહ તેમાં સદા વિરાજમાન છે, તે તેજોમય ભગવાનનું ધામ છે ત્યાં આ પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન તથા અસંખ્ય મુક્તો રહે છે, તે કેવી રીતે દેખાય? તથા જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાનું રૂપ કેવું હશે?
પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર કર્યો જે, "જાગૃતનું રૂપ નેત્રે કરીને જોવું, કાને કરી સાંભળવું; એ રીતે સર્વ ઇન્દ્રિયોની ક્રિયા કરવી તે જાગૃત અવસ્થા કહેવાય. સ્વપ્નનું રૂપ જે ઇન્દ્રિયોની ક્રિયા કરતાં થાકી જાય અને અંતઃકરણની ક્રિયા રહે છે, એ સ્વપ્ન અવસ્થા છે. અંતઃકરણની ક્રિયા લીન થાય ત્યારે સુષુપ્તિ આવે છે. તે સુષુપ્તિ કેવી છે? તો કાળા પાણીની છીપર હોય તેવી છે અને એ અવસ્થાથી પર થાય એટલે સુષુપ્તિને ઉલ્લંઘે તો બ્રહ્મસત્તાને પામે."
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ આશંકા કરી જે, "મહારાજ! અવસ્થા પર થવું તે જીવકર્તા છે કે કોઈ ઈશ્વરકર્તા છે?"
શ્રીજીમહારાજ કહે: "જેમ માછલું જળમાં સામે પૂર ચાલે છે અને આપણાથી ચલાતું નથી, તે કેમ? તો માછલાને જળ તત્ત્વ પ્રધાન છે અને જળનો અધ્યાસ છે, તેણે કરી જળમાં ગતિ કરે છે. જેમ પક્ષી આકાશમાં ઊડે છે તેમ આપણાથી ઉડાતું નથી. પક્ષીને પાંખો છે તેણે કરીને તે ઊડે છે ત્યારે આપણે પાંખો બાંધો તો પણ ન ઉડાય. પક્ષી ઊડે છે તે તેને તો વાયુ તત્ત્વ પ્રધાન છે, તેણે કરી ઊડી શકે છે. જેમ માછલામાં જળના ગુણ આવ્યા ત્યારે સામે પૂર ચાલે છે અને પક્ષીમાં વાયુના ગુણ આવ્યા ત્યારે આકાશમાં ગતિ કરે છે, તેમ ભગવાનની મૂર્તિનું ચિંતવન, ભજન, સ્મરણ કરે તો ભગવાનના ગુણ તે ભક્તને વિશે પ્રવેશ કરે છે ત્યારે અવસ્થા પર થવાય છે." આટલી વાત કરી વિરામ કરતા હવા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પંદરમો વિશ્રામ.