વિશ્રામ ૩૯
એક સમયે મહારાજ સિયાણી આવ્યા, ત્યાં હરિભક્તો શ્રીહરિને આવતા જોઈ સામા ગયા. તેમાં શિવરામ ભટ્ટ, તેમના પુત્ર મોરારજી, રામચંદ્ર ભટ્ટ, વિઠ્ઠલજી પંડ્યા, પુરુષોત્તમ પંડ્યા, દવે નાનજી, દવે પ્રભુજી, કલ્યાણજી પાઠક આદિ વિપ્ર તથા ગરાસિયા પથાભાઈ, વણિક ભીમા વોરા, રૂપા વોરા, મુલજી વોરા, મેઘજી રાજા પટેલ, મેઘા પટેલ, ડોસા પટેલ, રઘુભાઈ દેપાળા, રતના ભગત, વસ્તા ભગત મીઠો સઈ (દરજી) રાજાભાઈ આદિ હરિભક્ત, તે શ્રીજીમહારાજને વાજતે-ગાજતે સિયાણીમાં પધરાવતા હવા.
સાધુ, પાર્ષદોને ઉતારો કરાવતા હવા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આદિ પાંચસો પરમહંસ ને રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ, નંદરામભાઈ, ઠાકોરરામ ગોપાળજી, બદ્રીનાથ, સીતારામ, વૃંદાવનજી, અયોધ્યાપ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ આદિ ધર્મકુળ; દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, માતરા ધાધલ, મામૈયા પટગર, નાગમાલા, નાજા જોગિયા, ભગુજી, રતનજી, મિંયાજી, દેવો ભક્ત, જાલમસંગજી, નથુજી, કરમ, કરસન, ભીમજી, કમુ જોરાજી આદિ પાર્ષદો તેણે સહિત સૌને ઉતારો કરાવી શીરા, પૂરીની રસોઈ કરાવી સર્વને જમાડ્યા.
મહારાજનો થાળ શીવરામ ભટ્ટ પોતાની દીકરી કુંવરબાઈ પોતાના ધણીને મૂકી સાંખ્ય યોગ પાળતાં હતાં તેની પાસે કરાવ્યો.
શીરો, પૂરી, લાડુ, બિરંજ, રાયતું, ભજિયાં, તુરિયાનું શાક, દૂધ, દહીં, કેરીનું અથાણું, ગવારનું તથા કોઠીંબાનું અથાણું આદિ પકવાન કરી થાળ કર્યો. મહારાજને બોલાવીને બાજોઠ ઉપર બેસાડ્યા. પછી ઊનું જળ કુંવરબાએ આપ્યું. મહારાજ નાહ્યા અને ભટ્ટજીએ અબોટિયું આપ્યું, જે પહેરીને મહારાજ ઘરમાં પાટલા ઉપર બિરાજમાન થયા. પછી થાળ લાવી કુંવરબાઈએ મહારાજ આગળ મૂક્યો. મહારાજ જમવા બેઠા અને ભટ્ટજી પાણીનો લોટો અને પ્યાલો લાવ્યા. તે મહારાજ જમતા જાય અને રસોઈ વખાણતા જાય.
મહારાજ કહે: "થાળ કોણે કર્યો છે?"
ભટ્ટજીના ઘરનાં બૈરાં બોલ્યાં જે, "મારી દીકરી કુંવરબાએ થાળ કર્યો છે."
મહારાજ કહે: "કયા ગામ પરણાવ્યાં છે?"
ભટ્ટજી કહે: "મહારાજ! દીકરીને ઘણી ઉપાધિ છે. સાણંદમાં પરણાવી છે. પણ એ તો સાંખ્ય યોગ પાળે છે."
મહારાજ કહે: "ગંગામા સાથે મોકલો અને અમારો થાળ કરે અને સાંખ્યયોગી બાઈઓ સાથે રહેશે." એવી રીતે મહારાજ જમીને બહુ રાજી થયા. ભટ્ટજીએ મુખવાસ આપ્યો. મહારાજે તે લીધો. શ્રીજીની આજ્ઞા મુજબ કુંવરબાઈ અને ભટ્ટજી એ બંને ઘર છોડી શ્રીજી પાસે રહેતાં અને શ્રીજીની પાસે રહી મહારાજની સેવા કરી પ્રસન્ન કરતા.
સાધુઓ માટે રસોઈ તૈયાર થઈ એટલે મહારાજ સાધુને પીરસવા પધાર્યા. મહારાજ, રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ એ ત્રણે ખૂબ ઘી ફેરવતા હતા અને સર્વ સાધુ, પાર્ષદો, હરિભક્તો જમતા હવા. પછી દૂધ, દહીં લાવ્યા અને ખૂબ પીરસતા હતા. દૂધ-દહીંની રેલું ચલાવી. પછી મહારાજ રાજા પટેલ અને મેઘા પટેલને ફળિયે બેસતા હવા. તે ગાડાં ઉપર ઢોલિયો નખાવી તેના ઉપર બિરાજમાન થતા હવા.
હાલ મુળી મંદિરમાં સિયાણીનું તે પ્રસાદીનું ગાડું છે. તેની ચારે બાજુ દીવા મૂક્યા. તે મધ્યે શ્રીજીમહારાજ બિરાજમાન થયા. સર્વે હરિભક્ત કેસર, કુમકુમ, પુષ્પના હાર લાવ્યા. શિવરામ આદિ વિપ્રો આવ્યા અને મહારાજની પૂજા કરી. ભીમા વોરા આદિ તે મોટા વાણિયા તેમણે પણ પૂજા કરી. પથાભાઈ આદિ જે ગરાસિયા તે પણ પૂજા કરતા હવા. રઘુભાઈ દેપાળા વગેરે બ્રહ્મચારી, સાધુ, પાર્ષદોને ધોતિયાં ઓઢાડતા હવા. સાધુ ઝિલણિયાં કીર્તન બોલતા હવા. એમ નિત્ય નવી લીલા કરતા અને નવી વાતું કરતા. તળાવમાં જળક્રિડા કરતા અને પાળ પર સોળ થંભી દેરીએ સભા કરતા.
શ્રીજીમહારાજ બોલ્યા જે, "કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો."
ત્યારે શિવરામ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, "હે મહારાજ! ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના જે વૈરાગ્ય તેના શાં લક્ષણ છે?"
મહારાજ કહે જે, "ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરી અથવા પ્રારબ્ધ કર્મે કરીને વહેવારમાં રહે પણ જનક રાજાની પેઠે લોપાય નહિ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધાનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે. તે વિષય તેને લોપી શકે નહિ. તેનો ત્યાગ મોળો ન પડે, તે વિષયને વિષે નિરંતર દોષ જુએ અને વિષયને તુચ્છ જેવા જાણે. સત્શાસ્ત્ર ને ભગવાનની સેવાનો નિરંતર સંગ રાખે. તેને દેશ, કાળ, સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની સમજણ મોળી ન પડે તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ.
જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ જે પાંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય. દેશ, કાળ, સંગ જો કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષે બંધાઈ જાય ને વૈરાગ્ય મંદ પડી જાય. તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ.
કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષે યુક્ત એવા પંચવિષય જો પ્રાપ્ત થાય તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય તેને મંદ વૈરાગ્યવાળો કહીએ."
એવા ઉત્તમ વૈરાગ્યવાળા કડુવાલા અદભુતાનંદ સ્વામી જે પોતે, મહારાજે અજા પટેલ વગેરેને તેડાવ્યાનો પત્ર વાંચી, તેમની સાથે મીંઢળ તોડી ચાલી નીસર્યાં તે ઉત્તમ વૈરાગ્યવળા કહેવાય. એવી ઘણી વાર્તા કરતા એવા જે શ્રીહરિ નિત્ય નવી લીલા કરતા થકા પંદર દિવસ રહી હરિભક્તોને આનંદ ઉપજાવતા હતા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ઓગણચાલીશમો વિશ્રામ.