વિશ્રામ ૧૯
એક વાર ગામ શ્રી મુળીપુર મધ્યે શ્રી રાધાકૃષ્ણદેવના મંદિર સમીપે લીમડો છે તેના નીચે ગાદી-તકિયે યુક્ત જે રંગત પાટ તે ઉપર શ્રીજીમહારાજ બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને અગણિત સુગંધીમાન પુષ્પના હાર, તોરા, ગુચ્છ, બાજુ, ગજરા ધારણ કર્યાં હતાં અને સર્વે સંત, વર્ણી, પાર્ષદ તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા.
તે સમયે મહારાજ પ્રત્યે બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે "હે મહારાજ! આ સત્સંગને વિષે કોઈ પ્રકારે અવગુણ ન આવે તે કઈ સમજણે અવગુણ ન આવે?" ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે "પોતાના અંતર સામી દૃષ્ટિ રાખી જે સંકલ્પ થાય તેને જોતો રહે ત્યારે અવગુણ ન આવે."
પછી વાસુદેવાનંદ સ્વામી બોલ્યા જે, "ઘાટ સંકલ્પની નિવૃત્તિ થાય ત્યાર પછી કેવી રીતે વિચાર કરવો?" ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, "રજોગુણ, તમોગુણ વર્તે ત્યારે ઘાટ સંકલ્પ થાય. સત્ત્વગુણ વર્તે ત્યારે ઘાટ સંકલ્પ ન થાય. રજોગુણ તથા તમોગુણ તો લોઢાની બેડી છે. સત્ત્વગુણ તો સોનાની બેડી છે. એમ વિચાર કરે અને જ્યારે સાક્ષીરૂપ થાય ત્યારે એમ વિચારવું જે દેહનો સંબંધ છે તે પણ બંધનરૂપ છે. એ દેહભાવનો ત્યાગ કરી બ્રહ્મરૂપ થાય ત્યારે કોઈને વિષે દોષ ન દેખાય. તેને ભગવાનને વિષે વૃત્તિ રહે."
પછી મહાનુભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, "કોઈને નિષ્કામીપણું પ્રધાન વર્તે અને કોઈને નિઃસ્વાદીપણું પ્રધાન વર્તે અને કોઈને નિર્લોભીપણું પ્રધાનપણે વર્તે છે, કોઈને નિઃસ્પૃહિપણું પ્રધાન રહે છે, કોઈને નિર્માનીપણું પ્રધાન રહે છે, તેનું શું કારણ છે?"
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, "જે સમયે સંતનાં દર્શન થાય ત્યારે એમ જણાય જે મને આવા નિષ્કામી સંત મળ્યા છે તે જ્યારે સંત આવા મોટા છે ત્યારે મહારાજનું માહાત્મ્ય અપાર હોય તેમાં શું કહેવું! એવો ગુણ લ્યે છે, તેને પ્રતાપે કરી નિષ્કામી થાય છે અને સંતને વિષે વર્તમાનનો ગુણ લ્યે છે તે ગુણ પ્રધાનપણે વર્તે છે.
"જો સંતને વિષે અને ભગવાનને વિષે કાંઈ દોષ પરઠે છે તો લક્ષ્મણજી જેવા યતિ હોય તો પણ કામી થઈ જાય, માટે સંતને નિષ્કામી જાણે તો તે પોતે કૂતરા જેવો કામી હોય તો પણ શુદ્ધ થઈને સંત જેવો થાય છે."
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ઓગણીસમો વિશ્રામ.