વિશ્રામ ૭૨

એક સમે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ મુળી પધાર્યા હતા. તે શ્રાવણ સુદ પૂનમનું ગ્રહણ હતું. ત્યારે નદીમાં નહાય એવું પાણી ન મળે એટલે સર્વ અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે આવ્યા.

પછી સાધુ જગજીવનદાસજી બોલ્યા: "મહારાજ નદીમાં પાણી નથી તો નાહીશું ક્યાં?"

તે સમે સાધુ જિષ્નુદાસજી કીર્તન ગાતા હતા. મહારાજ કહે: "મલ્હાર ગાઓ."

ગવૈયા જિષ્નુદાસજી એે, "આવી ઝૂકી ગગન વા ગરજે" એ કીર્તન ગાયું અને બીજું પદ ઉપાડ્યું ત્યાં તો પાણી પાણી થઈ ગયું.

ભોગવતી નદીમાં પૂર આવ્યું અને સૌને આનંદ થયો. મહારાજ હંમેશાં સવારમાં ગાજતે-વાજતે કીર્તન ગવડાવતા હતા. તે સમે બળેવને દિવસે રાત્રીએ ગ્રહણ હતું તે ચોકમાં સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ તથા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ વાતું કરતા હતા. પછી ગ્રહણ થયું અને અંધારું થઈ ગયું એટલે મહારાજે ધૂન કરવાનું કહ્યું, સર્વે ધૂન કરે છે. ત્યાં સર્વેને તેજનો સમૂહ દેખાયો. તેજના મધ્યને વિષે મહારાજની મૂર્તિને સમીપે અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, વાસુદેવાનંદ સ્વામી આદિ અનંત મુક્તે સહિત શ્રીજીમહારાજને જોઈ આનંદ થયો. તે જેવું અક્ષરનું સુખ અને અક્ષરનો આનંદ એવો આનંદ થયો. સભા આખીને આશ્ચર્ય થયું.

એવી રીતે એક કલાક સુધી રહ્યું, પછી બંધ થયું. સંતો ઝિલણિયાં દશ કીર્તન બોલ્યા. ગ્રહણ મુકાયા પછી મહારાજ સર્વે સંતો સહિત કીર્તન ગાતા ગાતા નદીએ નહાવા ગયા. નાહીને સૌ બ્રાહ્મણને મહારાજે દાન, દક્ષિણા આપી અને કીર્તન બોલતાં બોલતાં સર્વે મંદિરમાં આવ્યા.

મહારાજે જગજીવનદાસજીને બોલાવી કહ્યું: "સવારમાં અમારી રસોઈ કરજો." એમણે હા કહી. પછી હરિભક્તો આવ્યા. તેમણે આવી કહ્યું: "અમારે રસોઈ આપવી છે."

ત્યારે મહારાજ કહે: "તમે સૌ જન્માષ્ટમી સુધી રસોઈ આપજો." મહારાજ મહિના સુધી રહ્યા. નિત્ય નવી રસોઈ કરાવીને જમાડતા હતા. અને આનંદ ઉત્સવ થતો હતો.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે બોતેરમો વિશ્રામ.