વિશ્રામ ૬૩

શ્રીજીમહારાજ ગામ મેથાણમાં કાકાભાઈ, પૂંજાભાઈ તથા જીજીબાના ઘેર પધાર્યા. જીજીબાએ થાળ કરી મહારાજને જમાડ્યા. પછી મહારાજ કાકાભાઈ તથા પૂંજાભાઈના ઘેર સભા કરી બિરાજમાન થયા. ગામના સર્વે હરિભક્ત પણ મહારાજ આગળ બેઠા હતા. તે સમે મહારાજે સર્વે હરિભક્તોને પૂછ્યું કે: "અત્યારે વરસાદ થાય તો તમારે કંઈ નુકસાન થાય?"

સર્વે હરિભક્તોએ કહ્યું કે: "મહારાજ! અત્યારે અમારા ધાનના મોલ ખળામાં પડ્યા છે. વરસાદ આવે તો નુકસાન બહુ થાય."

મહારાજ કહે: "શી રીતે કરો તો નુકસાન ન થાય?"

સર્વે કહે: "ઢગલા સારી રીતે ઊંચા દબાવીએ તો થોડું બગડે."

મહારાજે સર્વેને ઢગલા બરોબર કરવાની આજ્ઞા આપી. તે સમે વાદળું ક્યાંય ન હતું. જેમને મહારાજના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ હતો તેમણે ઢગલા બરોબર સમા કર્યા. જેમને વિશ્વાસ ન હતો અને આળસ રાખી તેમણે ઢગલા બરાબર ન કર્યા.

ત્યાં તો થોડી વારમાં ઉત્તરાદિ તરફથી આવતી વાદળી સૌના જોવામાં આવી અને થોડી વારમાં તો વાદળી એકદમ ઘાટું અંધકાર કરી ઘણી ફેલાઈ અને વરસાદ થયો. તેથી જેમણે ઢગલા બરોબર નહોતા કર્યા તેઓને નુકસાન થયું. આ વખતે મહારાજ દશ રાત્રી પૂંજાભાઈ તથા કાકાભાઈના ઘેર રહી પોતાના પુરુષોત્તમપણાનો પરચો આપી સર્વે હરિભક્તોને નિશ્ચય દૃઢ કરાવ્યો. પછી મુળી થઈ ગઢડા તરફ પધાર્યા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ત્રેસઠમો વિશ્રામ.