વિશ્રામ ૫૫

શ્રીજીમહારાજ કચ્છ દેશમાં બિરાજમાન હતા અને ઘણા ચમત્કાર જણાવતા હતા. તે સમે હીરજીભાઈએ કહ્યું જે, "સામાન્ય હોય તે ત્યાગી થાય, પણ મોટા માણસ અને ગરાસના ધણી હોય તે ન માને અને ત્યાગી ન થાય." એમ કહ્યું ત્યારે શ્રીહરિએ ઝાલાવાડ, કાઠિયાવાડમાં અઢાર કાગળ લખ્યા. તેમના નામ:

માંચા ખાચર, વીરા પટેલ, અલૈયા ખાચર, માતરા ધાંધલ, સોમલા ખાચર, નાજા જોગીઆ, હાથિયા પટગર, મામૈયા પટગર, લાધો, કલો, અજા પટેલ (મેથાણના) તથા રામગ્રીના જીવરાજ પટેલ, કમળશી, મુળજી, વેરાભાઈ, ડોસાભાઈ, અમરા પટગર, સુરા ખાચર આદિ અઢાર આ કાગળ વાંચી જ્યાં હો ત્યાંથી ચાલી નીકળજો. સીમમાં તથા પરગામ જ્યાં આ સમાચાર સાંભળો ત્યાંથી ચાલી નીકળજો. જેતલપુરમાં સ્વામી રામદાસભાઈ પાસે જઈ સાધુ થઈને અમારી પાસે આવજો.

તેઓને કલ્યાણનો ખપ હતો તો તે સૌ કાગળ વાંચી તરત ચાલ્યા. એ પ્રમાણે જેમ ચમક પથ્થર લોઢાને ખેંચે તેમ ચમત્કારી મૂર્તિ પ્રાણી માત્રના મનને ખેંચતા એવા શ્રી પુરુષોત્તમનારાયણ મહાપ્રભુજીનું સાંનિધ્ય પામવા માટે તેમની આજ્ઞા મુજબ પ્રથમ જેતલપુર જઈને દીક્ષા લીધા. તેઓ સાધુ થઈ ભૂજ આવ્યા. મહારાજને ભેગા થયા.

ગામ ખાખરેચી, વાંટાવદર, હળવદ થઈ મહારાજ અઢાર સાધુ સહિત ધ્રાંગધ્રા આવતા હતા. પથ્થરની ખાણોને માર્ગે એક તલાવ છે જેને હાલ જોગાસર કહે છે તે જોગાસર પર ઊતર્યા.

ગામમાંથી હરિભક્તો ખાનપાન લાવ્યા. તેમના નામ મુળજી લાધા, વસ્તા લાધા, બેચરભાઈ, કલ્યાણજી પાઠક, વીરજી ભટ્ટ, ઈશ્વર વ્યાસ, નાન પંડ્યા, ભવાનીશંકર, મૂળજી ઓઝા તે પોતાના પાંચે દીકરા સહિત આવ્યા હતા; તેમના નામ જેશંકર, જેઠો, ભગવાન, મંગળજી, પ્રભાશંકર; તથા વસ્તાના જગન્નાથ, કલ્યાણજી, નાણાવટીની બંને દુકાન ચાલતી તેમને ત્યાં રાજા અમરસિંહના દીકરા રણમલસિંહજી તથા લધુભા સોનું લેવા ગયા હતા. તે વાત આગળ લખશું.

પછી બાકી રહ્યા હરિભક્તના નામ નથુ બક્ષી, કૃષ્ણ પારેખ, રાઘવજી, ત્રિકમ પારેખ, ખુશાલ દોશી, જેઠાભાઈ તથા વેલશી મણિયાર, ખુશાલ સોની, લીલાધર, ગોવા, અભરામ, સોની રણછોડ, સોની વીરા રવજી, સોની વણારસી, જાડેજા સાંગાજી, શુકલ નરશી, તત્સુત જગજીવન આદિ હરિભક્ત અને બાઈ હરિભક્તનાં નામ : રૂપાબા, કેશાબા, જમનાબા, ગોમતીબા, અવલબા, મીઠીબા, રામબા, ઝકલબા, વણિક ઝમકુબા, બ્રાહ્મણમાં હરકુંવરબા તથા હરિબા આદિ બાઈઓ શ્રીહરિની સેવા કરતાં હવા.

તે સમે રાજકુમાર રણમલસિંહજીને સોનું લેવું હતું તે મૂળજી ઓઝાને બોલાવ્યા હતા અને તેમને કહ્યું જે તમારા ગુરુ સ્વામિનારાયણ બહુ ચમત્કારી છે. ઘણા માણસોને પોતાના વિષે ચમત્કાર જણાવે છે. હાલમાં આપણા મેથાણ ગામના અજા પટેલ અને બીજી અઢાર વ્યક્તિ ત્યાગી થઈ તેમની સાથે ચાલી નીકળ્યા છે. એ વાત અમારા સાંભળવામાં આવી છે, તો અમને સ્વામિનરાયણ બતાવો.

મૂળજીએ કહ્યું: "અમારા ગુરુ તો હાલમાં અહીં બિરાજે છે. તળાવની પાળ ઉપર ઊતર્યા છે. માટે આપને દર્શન કરવાં હોય તો ત્યાં પધારો. બાપુને ખબર ન પડે અને ફરવા નિમિત્તે ત્યાં પધારો અને એમને જોઈ આવો." તે વાત સાંભળી બંને ભાઈ રણમલસિંહજી તથા લધુભા ઘોડા ફેરવીને આવ્યા. શ્રીજીમહારાજને તથા બીજા સંતોને જોતા હતા.

શ્રીજીમહારાજ વડતળે બેઠા હતા. તેમને જોઈ બંને રાજકુમારો ઘોડેથી ઊતરી, મહારાજને પગે લાગી, તેમની પાસે બેસતા હતા. તે સમે તે મૂર્તિને જોતાં એવું સુખ આવ્યું જે, બ્રહ્માંડમાં બીજે ક્યાંય સુખ નથી. એવું સુખ તો મૂર્તિ જોતાં જ થયું. સર્વ સાધુને યોગાભ્યાસ કરાવતા જોયા. તેમાં કેટલાક તો નોળી, કુંજરી કરતા અને કેટલાક તો ખેચરી ને અમ્રરોલી કરતા, કેટલાક વજ્રોલી કરતા હતા. તે જોઈ રાજકુમારે મૂળજી ઓઝાને બોલાવીને કહ્યું જે, "તમારા ગુરુને જવા દેશો નહિ. સંત-હરિભક્તોને જમાડવાનું જે ખર્ચ થાય તે અમો તમને આપશું. અત્યારે અમારે મોડું થયું છે. કાલે જરૂર આવશું." એમ કહી મહેલે ગયા.

પછી સર્વ હરિભક્તો આવ્યા અને સભા થઈ. શ્રીજીમહારાજે ઘણા પ્રકારની વાત કરી તે વાત સાંભળી ત્રિવિધ તાપથી બળેલ જનના મનને સંતોષ થતો હતો. રાજકુમારો પોતાના દરબારમાં ગયા. રાત્રે વાળુ કરી સૂતા. મહારાજની મૂર્તિ સંભારી ત્યારે તે મૂર્તિનું સુખ સંભારતા સંભારતા રાત વીતી ગઈ. સવાર થઈને એમ થયું જે હવે ક્યારે દર્શન કરવા જઈએ? એવી રીતે મનમાં મૂર્તિ સાથે રટના થવા લાગી. તેઓ પણ પૂર્વના જોગી હોવાથી તીર્થવ્રત ઉપર બહુ રાજી હતા અને પ્રીતિ હતી.

બીજે દિવસે પોતાના બાપુ અમરસિંહજીને પૂછ્યું જે, "સ્વામિનારાયણ આવ્યા છે તો અમારે બંને ભાઈઓને દર્શને જવું છે. આપ રજા આપો તો જઈએ." રાજા અમરસિંહજીએ હા કહી; અસવારી લઈને જાઓ એમ કહ્યું. ત્યારે અસવારી કરી ને ઘોડા, હાથી ને મીના પાલખી, સરબંધી આરબની બેરખ એવી શોભા સાથે ગયા.

તે સમે શ્રીજીમહારાજે પોતાનું ઐશ્વર્ય એવું દેખાડ્યું કે મોટા મોટા ધોળા હાથી, ઘોડા, વિમાન અને રથ, બિછાના-બેઠક, પુષ્પના હાર, ગજરા, મેવા આદિ દેખાડ્યું. આ લોકથી પર અલૌકિક સમૃદ્ધિ જોઈને પોતાની સમૃદ્ધિ તો તુચ્છ સમજી સર્વ જે દર્શને આવ્યા હતા તે સમૃદ્ધિ જોઈ વિસ્મય પામ્યા.

કુમાર રણમલસિંહજીને શ્રીજીએ ગોલોકધામને મધ્યે રહ્યાં એવાં રાધાજી સહિત મોરલી બજાવતા જે શ્રીકૃષ્ણ તે રૂપે પોતાનું દર્શન કરાવ્યું. તે જોઈ તેઓ આનંદમાં સમૂહમાં નિમગ્ન થઈ ગયા. તે સમાધિ એક ઘડી રહી.

પછી શ્રીજી પાસે સર્વ માણસોની સભા બેઠી હતી ત્યારે શ્રીજીએ વાત કરવા માંડી.

રાજકુમાર રણમલસિંહજી પ્રશ્ન પૂછતા હતા જે, "ભગવાનને શું સાધને કરી પમાય?"

શ્રીજી બોલ્યા જે, "દેવનું અર્ચન કરવું, બ્રાહ્મણનું પૂજન કરવું, નાનાં પ્રકારનાં દાન આપવા, સર્વને મધુર વાણીએ કરી બોલાવવા, હિંસા તથા પરસ્ત્રીનો ત્યાગ કરવો. ચોરી, દારૂ, માટીનો ત્યાગ કરવો. તો તેને પ્રત્યક્ષ ભગવાન મળે અને લોકમાં મોટી કીર્તિ પામે. પરલોકમાં ભગવાનના ધામમાં જાય." એવી ઘણી વાતો કરી.

તે સાંભળી પ્રસન્ન થઈ શ્રીજીની રજા લઈ ચાલ્યા અને વાજતે ગાજતે પોતાના દરબારમાં પાછા આવ્યા. આવીને પોતાના બાપુને સર્વ માણસને દેખાયું હતું તે સર્વે વાત કહી જે, "બાપુ! સ્વામિનારાયણ તો બહુ ચમત્કારી છે. એમની પાસે એવી સમૃદ્ધિ છે જે તેમના આગળ તો આપણે કંઈ હિસાબમાં નથી. તેમની એક જાજમમાં આપણું રાજ ઊડી જાય એવી તો એક જાજમ હતી. રત્ને જડિત થાંભલા, હીરામોતીથી જડેલ મોટી ચંદની અને બીજા સામાનની શી વાત કહેવી!" એવી ઘણીક વાત કરી.

તે સાંભળી તેમના બાપુને જણાયું જે સ્વામિનારાયણ તો જાદુગર છે. તેમના સિવાય બીજા માણસો તથા રાજકુમાર રણમલસિંહજી અને હરિભક્તો તો એમ માનતા હતા જે એ તો ભગવાનનું સાર્મથ્ય છે ને તેઓ ઈશ્વર છે, એમ જાણી શ્રીજીમહારાજને એક માસ રાખ્યા. નિત્ય નવી નવી રસોઈ કરાવીને જમાડતા હતા. હરિભક્તોને વાતુનું બહુ સુખ આપતા હતા.

કુમારો પણ સાંજ-સવારે ત્યાં આવતા ને સાધુ યોગાભ્યાસ કરતા તેને જોઈ તે તળાવડીનું નામ જોગાસર પાડ્યું.

આ તળાવ ગળાવીને રણમલસિંહે બંધાવ્યું છે. શા માટે? તો યોગાભ્યાસનું નામ રહે અને શ્રીજીમહારાજની સ્મૃતિ રહે તે માટે અને શ્રીજીમહારાજના ઉપદેશે કરી તેમણે યોગાભ્યાસ કરવા માંડ્યો.

શ્રીજીમહારાજે કહ્યું: "તમે રાજયોગ કરો છો?"

ત્યારે રણમલસિંહજીએ કહ્યું જે, "રાજયોગ ક્યો?"

શ્રીજી કહે: "ધર્મનું સ્થાપન કરે અને પ્રજાને પુત્રવત્ પાળે. જનકરાજાની પેઠે રાજ્યમાં છે તો પણ નિર્બંધ છે. માટે રાજ્યમાં રહીને ભગવાન ભજવાં."

એવી રીતે શ્રીહરિએ રાજકુમાર રણમલસિંહજીને ઉપદેશ દીધો. તે ગ્રહણ કરી શ્રીહરિનાં વચન માથે ચડાવ્યાં. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતા-મૂર્તિ પૂજતા. બ્રાહ્મણની ચોરાસી કરતા. ત્રાંબા-પિત્તળના વાસણની લ્હાણી કરતાં. નિત્ય ગૌદાન આપતાં અને ઝાલાવાડ તથા કાઠિયાવાડમાં ગામેગામના બ્રાહ્મણ જમાડી ત્રાંબા-પિત્તળનાં વાસણ દાનમાં આપતા, જ્ઞાતિનાં વાસણો કરાવતા હતા. તીર્થાટન જતા અને વ્રત કરતા, ભગવાનનું ભજન કરતા.

રણમલસિંહજી નિત્ય શ્રીહરિનાં દર્શને એક માસ સુધી આવતા. તેમને શ્રીહરિનું નિત્ય નવીન દર્શન થાય તેથી શાસ્ત્રમાં ચોવીસ અવતાર કહ્યા છે તે કેવા હશે? એમ શ્રીજીમહારાજને પૂછ્યું. ત્યારે શ્રીહરિએ પ્રથમ કૃષ્ણરૂપે દર્શન આપ્યાં; પછી રામચંદ્રજી રૂપે દર્શન આપ્યાં; મચ્છરૂપે, કચ્છરૂપે, વારાહરૂપે, હયગ્રીવરૂપે, વામનરૂપે, કપીલરૂપે, દત્તાત્રૈયરૂપે, હંસરૂપે, યજ્ઞરૂપે, ધન્વંતરિરૂપે, મોહિનીરૂપે, નરનારાયણરૂપે, ઋષભદેવરૂપે, નારદજીરૂપે, વ્યાસરૂપે, બુદ્ધરૂપે, નૃસિંહરૂપે, પૃથુરૂપે, સનતકુમારરૂપે, પરશુરામરૂપે, બળદેવરૂપે- એવી રીતે ચોવીસ અવતારરૂપે ચોવીસ દિવસ સુધી નિત્ય નવાં દર્શન આપ્યાં અને એક માસમાં બાકીના છ દિવસ સુધી અક્ષરધામને વિષે શ્રી પુરુષોત્તમનારાયણરૂપે દર્શન કરી તે રૂપને વિષે મનની વૃત્તિ ચોંટાડીને મૂર્તિને મનમાં ઉતારવાનો આદર કરી સર્વોપરી શ્રીહરિને જાણ્યા.

એવી રીતે હરિભક્તોને પણ સમાધિ કરાવી દર્શન આપતા હતા. આવી રીતે આનંદ ઉત્સવ થતો, ત્યાર પછી શ્રીજીમહારાજની પૂજા કરવા માટે કુમાર પ્રાર્થના કરતા હતા. ત્યારે પૂર્ણાનંદ સ્વામીને મહારાજને કહ્યું જે અહીં લાવો. વસ્તીમાં તો અમો નહિ આવીએ.

આ પ્રમાણે કહ્યું એટલે તે કહે: "બહુ સારું." પછી, બીજે દિવસે ફૂલના ગજરા અને શેલાં, પાઘડી, સોનેરી શિરપાવ, ધૂપદીપ કરી આરતી ઉતારતા હતા. તે સમે તેજનો સમૂહ મહારાજની મૂર્તિમાંથી નીકળતો દેખાવા લાગ્યો ને ઘણું સુખ આપ્યું.

પછી પ્રાર્થના કરી ત્યારે મહારાજ પ્રસન્ન થઈ કહે: "અમે હવે મેથાણ જઈશું. તમે સુખેથી ભગવાન ભજજો. સર્વે હરિભક્તોનું કલ્યાણ કરશું, તેમ તમારું પણ કલ્યાણ કરશું અને ભગવાનના ધામમાં લઈ જઈશું." એમ વર આપ્યો.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે પંચાવનમો વિશ્રામ.