વિશ્રામ ૪૮
સંવત (૧૮૬૪) અઢારસો ચોસઠના માગસર માસમાં શ્રીજીમહારાજ કંથારિયા પધાર્યા હતા. તે વખતે મહારાજ સાથે દાદા ખાચર આદિ કાઠીઓના અઢાર સવારો હતા. મહારાજ પોતે પણ રોઝે ઘોડે સવાર થયા હતા. સર્વે જરિયાની વસ્ત્રો ધારણ કર્યાં હતાં. ઘોડાને પણ ભારે સાજથી શણગારેલ હતો.
કંથારિયાના દરબાર બાપુ ગોપાળજીને વરસાજી, વખતાજી, રવાજી અને રૂપાજી એ ચાર પુત્રો હતા. તેમાં વરસાજીના મોટા દીકરા ડોસાભાઈ ભાણ ખાચરની સાથે થયેલા યુદ્ધમાં પરાક્રમ કરી ભાણ ખાચર સામે વિજય મેળવી રણમાં પડ્યા. કંથારિયાના દરબારને ગઢડાના કાઠી-દરબારની સાથે સારો સંબંધ હોવાથી રાણા ડોસાભાઈનો શોક ભંગાવવા સારુ ઉપર વર્ણવ્યા પ્રમાણે કાઠીના સવારો સહિત શ્રીજીમહારાજ પધાર્યા હતા.
મહારાજ આથમણી તરફના ઝાંપાથી પધારી તળાવના કિનારા પર શોભી રહેલા રાજગઢ મધ્યેની ડેલીમાં પધાર્યા. વરસાજી આદિ ચાર ભાઈ તેમનાં પુત્ર-પૌત્રાદિક મહારાજની સેવામાં હાજર રહ્યા હતા. મહારાજની આદર થકી ઘણા પ્રકારની આગતા-સ્વાગતા કરી આનંદ પામતા હવા. મહારાજે સર્વેને દર્શન દીધાં. મહારાજને સુંદર અને મનોહર ફૂલવાડીમાં ઉતારો આપ્યો. દરબારોનો અત્યંત સ્નેહ અને આગતા-સ્વાગતાથી શ્રીજીમહારાજ તથા કાઠી દરબારો આનંદ પામ્યા. તેમનો ભક્તિભાવ તથા આગ્રહ જોઈ શ્રીજીમહારાજ પંદર દિવસ સુધી ત્યાં રહી સર્વેને આનંદિત કર્યા.
એક દિવસ શ્રીજીમહારાજ ડેલામાં ઢોલિયા ઉપર બિરાજમાન થયા, ત્યાં ડોસાભાઈના પુત્ર મેઘાભાઈ પંદર માસના હતા, એમને લાવી મહારાજની પાસે પગે લગાડતા હતા. મહારાજ પ્રસન્ન થઈ બે હાથે તેડી પોતાના ખોળામાં બેસારી, માથે હાથ મૂકી બોલ્યા જે, "આ કુંવરનું શું નામ પાડ્યું?"
વરસાજી કહે: "મહારાજ! એમનું નામ મેઘાભાઈ પાડ્યું છે."
મહારાજ કૃપા કરી પ્રસન્નતાથી બોલ્યા જે, "આ તો અમારા ભક્ત છે. માટે એમનું નામ ભગતસિંહજી પાડો." મહારાજની આજ્ઞાને સૌ દરબારોએ માન્ય રાખી તેમનું નામ ભગતસિંહજી પાડ્યું.
આવી રીતે મહારાજે ઘણી લીલા કરી આનંદ પમાડી ઘણા માણસોને પોતાના આશ્રિત કર્યા. ભગતસિંહજીએ પોતાના જીવિત પર્યંત પોતાના તરફથી ધર્માદામાં બે મણ અનાજ તથા સર્વે દરબારોએ મળી ખળા દીઠા એક મણ અનાજ ધર્માદામાં આપવાનો નિશ્ચય કર્યો. એવી રીતે શ્રીજીમહારાજ આ ગામ ઉપર ઘણો અનુગ્રહ કરી, સર્વેને આનંદ પમાડી કાઠી દરબારો સહિત શ્રીહરિ ગઢપુર પધાર્યા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે અડતાળીસમો વિશ્રામ.