વિશ્રામ ૧૭

મહા વદિ બીજને દિવસે શ્રીજીમહારાજ શ્રી મુળીપુર મધ્યે રઘાભાઈના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ, બ્રહ્મચારી તથા દેશદેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયે ભાઈ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, "સંતને વિષે હેત કેમ નથી રહેતું? એકબીજાને બોલાઈ જવાય છે અને મર્યાદા વિના એકબીજાનાં છિદ્ર દેખાય છે. તે કેમ કરે તો દોષ ન દેખાય?" તેનો ઉત્તર નિત્યાનંદ સ્વામીએ કર્યો જે, "દેહાભિમાન છે તેથી દોષ દેખાય છે."

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા: "એ તો એમ જણાય છે જે રૂપ રૂપી વિષય આગળ છે તો નેત્ર ઇન્દ્રીય દેખે છે અને રસરૂપી વિષય રહ્યો છે તો જિહ્વા ઇન્દ્રીય ખારો, ખોટો કહે છે. એવી રીતે દશે ઇન્દ્રીયોને વિષય આગળ મૂર્તિમાન છે તે જો ઇન્દ્રીયોની વિક્તિ ન કરી હોય તો શું કરે?

"તેમ જ આગળ સ્વભાવ રહ્યો છે તો કહેવાય; ન રહ્યો હોય તો શું કહે? અને રોકાય પણ શું? તે માટે જેને વિષે જેવો દોષ દેખે તેવું કહે, તેમાં શો બાધ છે?"

ત્યારે દેવાનંદ સ્વામીએ કહ્યું જે, "એવું શા ઉપાયથી મટે? અને સર્વેને વિષે આત્મબુદ્ધિ રહે."

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, "શા માટે ટાળવું પડે? તેમાં શું ખરાબ છે? તે તો કહેવું, સાંભળવું અને આત્મબુદ્ધિ પણ રાખવી અને એવી રીતે કહેવું જ અને કહ્યા વિના કેમ ઠીક આવે?"

ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું જે, "કોઈ મોટા હોય અને ભગવાને જેનું પ્રતિપાદન કર્યું હોય તેને કહેવાય તો પાપ લાગે નહિ?"

ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, "એનું પાપ તો ન લાગે અને તમારે તો આટલાં જ વસ્ત્ર રાખવાં અને આટલા જ નિયમ રાખવા એમ જો ન કહે તો મર્યાદા મૂકીને ચાલે. આ તો મોટા છે તેની મર્યાદાએ કરીને તેમને કહે નહિ તો ભ્રષ્ટ થઈ જાય. તે માટે એ તો પરસ્પર કહેવું તે સારું છે."

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે સત્તરમો વિશ્રામ.