વિશ્રામ ૪૧
તાવીપુરના તેજાભાઈ અને દેવળિયાના વખતાભાઈ તે આગલા જન્મમાં ક્ષત્રિય હતા. તેઓ તપ કરવા માટે સૂર્યના આશ્રમમાં ગયા. તેમને માંડલ ઋષિએ નારાયણનો જોગ-સમાગમ કરાવી તેમની સેવામાં રહેવાય એવો વર આપ્યો.
તે બંને ગરાસિયા પાસે એક એક સેવક હતા. તે ધૂણી પાણી કરતા. તે બંને સેવક વર માગતા હતા. ઋષિ બોલ્યા જે, "તમે તો તપ નથી કર્યું, તો પણ આ તેજાભાઈ તથા વખતાભાઈ તેમના બે સેવક થાશો અને અડધો સમાગમ થશે. તે બે થઈ એક સમાગમ થશે." એમ ઋષિએ વર આપ્યો.
પછી તે તાવીમાં વાળંદ થયો અને શ્રીહરિનું વતું કરવા આવ્યો અને શ્રીહરિનું વતું કરતો હતો તે અડધી હજામત (વતું) કરી અને શ્રીહરિએ મનુષ્ય ચેષ્ટા કરી કહ્યું જે, "આ તો વાળંદ નથી સારો." એમ કહી શ્રીહરિએ માથે બાંધી વાળ્યું. ત્યાં દેવળિયાના જાલમસિંહજી હતા તેમણે કહ્યું: "મહારાજ! અમારા ગામમાં સારો વાળંદ છે. તેને બોલાવું?" મહારાજે હા કહી એટલે તેઓ ઘોડીએ ચડી પોતાને ગામ ગયા અને વાળંદને લઈ ડોળી તળાવડીએ ભેગા થયા.
તળાવડીએ પીપળાના ઝાડ નીચે મહારાજ બિરાજમાન થયા. શ્રીહરિએ બાકીની અડધી હજામત કરાવી. મુક્તાનંદ સ્વામી આદિ પાંચસો પરમહંસ સહિત તળાવડીમાં નાહ્યા. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિને હજામત કરાવવી હતી, પણ મહારાજે ના પાડી અને કહ્યું જે દેવળિયે જાવું છે માટે ત્યાં કરાવજો. એમ કહી ચાલ્યા તે દેવળિયે આવ્યા. દેવળિયાના ગરાસિયા સામા આવ્યા; તે વાજતે-ગાજતે દરબારમાં પધાર્યા.
શ્રીહરિનો ઉતારો બંગલે કરાવ્યો અને સાધુનો ઉતારો ગામમાં કરાવ્યો. દરબારમાં સંત-હરિભક્તોની રસોઈ કરાવી. દરબારમાં મોટો લીમડો છે તેની નીચે મહારાજ બિરાજમાન થયા. શ્રીહરિ માટે થાળ કેસાબાને ઘેર થયો. શ્રીહરિને જમવા માટે દરબારે બોલાવ્યા. શ્રીહરિએ કહ્યું જે, "સાધુને જમાડીને મારે જમવું છે." સાધુની રસોઈ તૈયાર થઈ એટલે સાધુએ "હરે" કર્યા. દરબારમાં પંક્તિ થઈ. મહારાજ કેડ બાંધીને લાડુ પંક્તિમાં ફેરવતા હતા અને સૌ દર્શન કરતા હતા.
તે સમે કેસાબા દૂધ ગરમ મૂકતાં હતાં. મહારાજ પંક્તિમાં ફરતા હતા. સાધુ, પાર્ષદ, કાઠી, ગરાસિયા આદિ સૌ હરિભક્તોને જમાડતા હતા. પછી દૂધ તૈયાર થયું તે શ્રીહરિને આપ્યું. તે પંક્તિમાં દૂધ, સાકર લઈ પીરસતા હતા. પાછા ફરીને દહીં, ભાત અને સાકર શ્રીહરિ પીરસતા હતા. તે જોઈને કેસાબાને સમાધિ થઈ જતી હતી. તે જ્યાં સુધી જીવ્યાં ત્યાં સુધી એ મૂર્તિ અને પંક્તિ સંભારે ત્યારે સમાધિ થઈ જાય. એવી શ્રીજીના પ્રતાપથી સ્થિતિ થઈ.
પછી કેસાબાએ થાળ કર્યો ને મહારાજ મેડીએ આવ્યા. થાળ ભરી મહારાજની આગળ મૂક્યો. પાણીનો લોટો, પ્યાલો મૂક્યા. મહારાજ જમતા જાય અને કેસાબા પાસે બેસી મહારાજને પીરસતા જાય. અંગોઅંગ મહારાજનાં ચિહ્ન, મુખારવિંદ, નેત્રકમળ, નાસિકા, કંઠ, છાતી, વિશાળ હૃદયમાં શ્રીવત્સનું ચિહ્ન, વિશાળ અજાનબાહુ, ત્રિવળી યુક્ત ઉદર તે જોઈ શાંતિ પામતા હતા. પોતાની મેડીમાં ઢોલિયો બિછાવી મહારાજને મુખવાસ આપતા હતા.
પછી દરબારમાં લીમડાના ઝાડ નીચે સભા થઈ: સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. શ્રીજીએ સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠે પુષ્પના હાર પહેર્યા હતા.
શ્રીજીમહારાજ બોલ્યા જે, "કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો."
જાલમસિંહજીએ પૂછ્યું જે, "માન કઈ જગ્યાએ સારું છે? અને કઈ જગ્યાએ સારું નથી? અને કઈ જગ્યાએ નિર્માનીપણું સારું છે? અને કઈ જગ્યાએ સારું નથી?"
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "સત્સંગીનો દ્રોહી હોય અને પરમેશ્વરનું તથા મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે અને ઘસાતું બોલે ત્યારે તીખા બાણ જેવું એને વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહિ. ભગવાન અને ભગવાનના સંત આગળ જે માન રાખે છે તે સારું નથી. તેઓ આગળ તો માન મૂકી દાસાનુદાસ થઈ નિર્માનીપણે વર્તવું જોઈએ."
બીજે દિવસે રાત થઈ એટલે સૌને સૂવાની આજ્ઞા આપી. મહારાજ દરબારમાં મેડી હતી ત્યાં પોઢતા હતા. સિયાણીવાળા પથાભાઈની દીકરી જે કસલીબા તેમણે મહારાજને રોકાવા માટે બહુ આગ્રહ કર્યો. મહારાજ રોકાયા. સવારનો પહોર થયો અને શ્રીજીમહારાજ માટે ગરમ પાણી નહાવા માટે મૂક્યું. મહારાજ બહિર્ભૂમિ જઈ આવ્યા. પછી હાથમાં મૃતિકા લઈ હાથપગ ધોયા. રૂડું દાતણ લાવી આપ્યું એટલે પાષાણના બાજોઠ ઉપર બેસી દાતણ કરતા હતા.
ઊના પાણીથી નાહીને મહારાજ મેડી ઉપર ગાદી-તકિયો નાખ્યો હતો તે ઉપર બિરાજમાન થયા; એવા શ્રીહરિ તેમને જમવા સારુ જાદરિયું લાવ્યા. મહારાજ જાદરિયું જમતા જાય ને મુક્તાનંદ સ્વામીને ને બ્રહ્માનંદ સ્વામીને જાદરિયું આપતા જાય. કસલીબાને પણ પ્રસાદી આપી અને બ્રહ્માનંદ સ્વામી પાસે કીર્તન કરાવી ગવરાવ્યાં: "જાવા નહિ દઉં ધર્મકુમાર, તારા દર્શનનો મુને પ્યાર. જાવા નહીં દઉં." એ કીર્તન બ્રહ્માનંદ સ્વામીએ રચીને ગાયું.
ઇતી શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે એકતાલીસમો વિશ્રામ.