પત્ર : ૧૦૪

દેહભાવ હોય ત્યાં સુધી તો મહારાજ આપણને સમજણ વિનાના કહે છે. તે શ્રીમુખ વચનામૃતનાં વચન છે કે, ‘‘જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. આઠે પહોર આત્માનું ચિંતવન કરે અને ઘડીક દેહરૂપ થઈ સ્ત્રીનું ચિંતવન કરે તેને ગોબરો જાણવો.’’ તેથી હવે તો આત્મારૂપે સદાય વર્તવું. જેમ ‘બ્રહ્મ’નો અર્થ બાપાશ્રીએ ‘ભગવાન’ કર્યો ને સમજાવ્યો તેમ ‘આત્મા’નો અર્થ પણ ‘ભગવાન’ એમ કરેલ છે. તે વચન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના ‘હરિસ્મૃતિ’માં,

‘‘તમે છો આત્માના આત્મા, જીવન જાણું છું;

તમે છો પ્રાણના પ્રાણ, જીવન જાણું છું.’’

આમ સર્વ આત્માના આત્મા, પ્રાણના પ્રાણ મહારાજ છે, તે આત્મારૂપ એટલે મહારાજની મૂર્તિરૂપે રહેવું. કોઈ એમ કહે કે એમાં સેવકભાવ કેવી રીતે રહે ? તે સમજણ વિના કહે છે, કારણ કે મહારાજની મૂર્તિનું અખંડ ચિંતવન કરનારાઓ મહામુક્તોનો તેમજ સત્સંગમાં નાના-મોટાનો મહિમા જાણે છે. વળી એ સર્વેના આધાર શ્રીજીમહારાજ તેમને પામવા સારુ દાખડા કરતો હોય તે દાસભાવ ભૂલી સ્વામીપણું ક્યારેય પોતામાં લાવે ખરો ? ન જ લાવે. એટલે એ વાત અજાણ માણસોની છે. અ. મુ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અમે તો મહારાજ વિના કાંઈ દેખતા જ નથી અને દરેક ક્રિયા થાય છે તે તો મહારાજ કરે છે.