પત્ર : ૩૮

શ્રીહરિ જેમ રાખે અને જ્યાં રાખે ત્યાં રાજી રહેવું. સદાય એવું અનુસંધાન રહે કે, ‘‘શ્રીજીમહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે, શ્રીજીમહારાજ છે.’’ આવો ભાવ વર્તે. મુક્તસ્થિતિમાં પ્રગટ મૂર્તિ જોયા કરવી, એથી અધિક કાંઈ નથી. આ લોકનું બધું અવરભાવમાં જણાય છે તેથી હરખ-શોક વગેરે જણાય, પણ પરભાવમાં વરતાય તો મૂર્તિ જ છે. પૂર્વના મુક્તો અખંડ સુખમાં નિમગ્ન થકા મૂર્તિમાં રસબસ રહી આનંદ કરતા. તેમનાં લખાણ તથા ચરિત્ર-પ્રતાપ વિચારતાં એક શ્રીહરિના દિવ્યસુખે જ સુખિયા જણાય છે. આપણે એમના ભેળું બેસવું છે. એ દિવ્ય સુખ ભોગવવું છે, જેથી એ મૂર્તિને રાજી કરવા બનતું કરીએ છીએ. સાથે સાથે બાપાશ્રી જેવા અનાદિ દિવ્ય સ્વરૂપ મળ્યા જેથી તેમની કૃપાએ આ સુખ સહેલું થયું છે. આગબોટ-વહાણના બળે સમુદ્ર તરવો સહેલો છે, તેમ ઉપાસનામાં મહારાજ તથા અનંત મહામુક્તોની સહાય છે. એમની કૃપાનું આ કલ્યાણ છે, તેથી જે જે મોટા મુક્ત આપણને પ્રગટ મળ્યા છે, તથા જે જે શ્રીજીમહારાજ સાથે સખાભાવે, દાસભાવે, સુખમાં ગરકાવ રહેતા, જે સદાય મૂર્તિ ભેળા જ છે, એવા મહામુક્તોની કૃપા ને મહારાજનો આધાર - તેનાથી આ બધું સહેલું છે. આમાં શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના શરીરનું બળ છે. મધ્ય પ્રકરણના ૯મા વચનામૃતમાં કહ્યું છે કે પોતને મળ્યું જે સ્વરૂપ તેને સર્વ અવતારણું કારણ, અવતારી જાણવું. તે બળ મોટા ભયથી રક્ષા કરે છે. આવા વચનનો સદાય ખટકો રાખવો.