પત્ર : ૧૪૫
સાધન કરતા કૃપાનું કામ જબરું છે. તેથી બાપાશ્રી કહે છે કે તમને કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે, તમારા પર શ્રી સ્વામિનારાયણ ભગવાન અઢળક ઢળ્યા છે, તમને અલભ્ય લાભ મળ્યો છે, તમારે જીતનો ડંકો વાગી ગયો છે, તેથી રાજાધિરાજ ને સર્વેના સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ ઓળખાણા. સત્સંગના ફળરૂપ એ દિવ્ય મૂર્તિ છે, સદાય તેજોમય છે. આવી દિવ્ય મૂર્તિના જોગે પરભાવમાં પહોંચાય. મહારાજના અનાદિ મુક્તોનું પણ એક જ કામ છે કે જીવને અનેક પ્રકારે મૂર્તિના સુખમાં લઈ જવા, અનાદિ મુક્ત તો કહેવાય, પણ કામ મહારાજ જ કરે, કેમ કે એવા મુક્તને મતે એક મૂર્તિ જ છે. બાપાશ્રી કહે છે કે તમારે આજ શરદઋતુ આવી છે, તમારે અમૃતનું નોતરું આવ્યું છે, તમને ન્યાલકરણ મળ્યા છે. ક્યાં જીવ ને ક્યાં ભગવાન ! એ ન બનવાની વાત બની ગઈ છે. આવાં અનેક વચનોથી આપણે પૂર્ણકામ છીએ. પ્રગટ પ્રાપ્તિ વિના જીવમાંથી જીવપણું જતું નથી અને અનાદિ મુક્ત થવાતું નથી. આવું રહસ્ય બાપાશ્રીનાં અનેક વચનોમાં ઓતપ્રોત જણાય છે. આવાં વચનો અધ્ધરથી ઝીલતાં આત્યંતિક મોક્ષરૂપ મહામોંઘી પ્રાપ્તિ મનાય છે.
‘‘દુર્બળનાં દુઃખ કાપિયાં રે,
ન જોઈ જાત કુજાત, પુરુષોત્તમ પ્રગટી રે.’’
‘‘હવે હું તો પૂરણ પદવીને પામી,
ભાંગી મારી જન્મોજન્મની ખામી.’’
‘‘મારે આનંદનો દિન આજ રે,
પ્રભુ પ્રગટ્યા કલ્યાણને કાજ રે.’’
આવાં રહસ્ય વચનોનો મર્મ સમજાય છે. સદગુરુઓનાં વચનોમાં આનંદના ઊભરા જણાયા છે. તેનું કારણ પણ એ જ કે સૌ મૂર્તિના સુખે સુખિયા હતા. અત્યારે પણ જેમને મૂર્તિનો આનંદ છે તેમને બીજાં બધાં વચન નાનાં લાગે. છકી પણ ન જવાય, કારણ સદાય મૂર્તિનો સંબંધ, તેથી એ ધણી વિના બીજું કાંઈ નજરમાં જ ન હોય. તેને બીજું ગમે જ નહિ. રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય. પદવીમાં પણ શ્રીહરિ સાથે સ્વામી-સેવકભાવ. આવી કૃપાનો લાભ મૂકી બહારવૃત્તિ રાખી મહારાજના વચનમાં જે નથી વર્તતા તેમને મોટી ખોટ આવે છે. સત્સંગમાં આ વાતનો ખટકો રાખવો તો મહારાજ તથા મોટાની કૃપા આપણા કલ્યાણમાં કામ આવે. બાપાશ્રી કહે છે કે આજ્ઞા લોપે તો મોક્ષ ન થાય, તો તો વૂઠે મે૧એ કાળ પડ્યા જેવું થાય. માટે આપણે એ વાતની દૃઢતા કરી આજ્ઞા- ઉપાસના રૂપ દોર પર નજર રાખી સદાય સાવધાન રહેવું.