પત્ર : ૭૭

અ. મુ. ભૂરાભાઈ બાપાશ્રી પાસે વૃષપુર જતા ત્યારે વધુ એકાંત પ્રસંગે બાપાશ્રીને રાજી કરતા. મને ક્યારેક રહસ્ય વાત કહેતા કે, ‘‘બાપાશ્રી કલાકો સુધી મૌન દર્શન દેતા હોય તો પણ મને સંકલ્પેય ન થાય કે બાપાશ્રી કાંઈખ વાત કરે તો ઠીક.’’ ભૂજના બ્રહ્મચારી નિર્ગુણદાસજી સ્વામીને શ્રીહરિકૃષ્ણ મહારાજે ભૂજના મંદિરમાં મૂર્તિ રૂપે દર્શન દઈ કહેલું કે અત્યારે અમે અનાદિમુક્ત દ્વારે વૃષપુરમાં સૌને સુખ આપીએ છીએ. તે વાત મને બ્રહ્મચારીએ કહી હતી, તે પછી મને એમ થયું કે હરિકૃષ્ણ મહારાજ બાપાશ્રી દ્વારા સુખ કેવી રીતે આપતા હશે ? જ્યાં એવો સંકલ્પ થયો ત્યાં બાપાશ્રીએ કહ્યું કે, ‘‘ભૂરાભાઈ, મહારાજ આજ સત્સંગમાં અનાદિ મુક્ત દ્વારે સૌના મનોરથ પૂરા કરે છે. તમો કેટલા રૂપા ખરચી અહીંયાં આવ્યા ?’’ ત્યારે ભૂરાભાઈએ કહ્યું કે, ‘‘બાપા, પચીસેક રૂપિયા થાય.’’ ત્યારે બાપાશ્રી કહે : ‘‘આટલા રૂપિયામાં તો અક્ષરધામમાં દર્શન કરવા જવાય ? અત્યારે અનાદિ મુક્ત દ્વારે શ્રીજીમહારાજ સૌને સુગમ થયા છે. અમે તો સૌને મહારાજની મૂર્તિ આપીએ છીએ. અનાદિ મુક્તને તો શ્રીજીમહારાજ એક જ છે. બીજી વસ્તુ તેમને મતે નથી.’’ પછી કહ્યું કે, ‘‘અમે વોતા નથી કરતા તેથી તમે મૂંઝાતા તો નથી ને ?’’ ત્યારે ભૂરાભાઈ કહે : ‘‘બાપા, અમારે વાતોનું કામ નથી, અમારે તો મૂર્તિનું કામ છે.’’ ત્યારે કહે, ‘‘અંતઃદૃષ્ટિએ વર્તશો તો મૂર્તિ જરાય છેટી નથી.’’ એ પ્રસન્નતા જણાવ્યા પછી તેમને સદાય પ્રત્યક્ષ ભાવ વર્તતો. તેમની ક્રિયામાં જ્યારે જોઈએ ત્યારે મૂર્તિ જ પ્રધાન જણાતી. બીજી વાત કોઈ કરે તો ગમે નહિ. પોતે બાપાશ્રીના આશીર્વાદની છ વાતો વધુ વંચાવતા. એમની ઇચ્છાથી તે વાતોની નાની ચોપડી છપાવેલી. તે વાતો પ્રથમ ભાગની વાતોમાંથી ૬, ૯૧ અને ૧૬૭ તથા બીજા ભાગની વાતોમાં ૩૩, ૬૬ અને ૬૭ છે. તે વાંચી મનન કરવાથી ‘આમાં કેવળ આશીર્વાદ આપ્યા છે’ એમ સમજાય. આ પ્રમાણે મોટાની રુચિ જણાય છે.