પત્ર : ૪૩
મહારાજે મારા ચૈતન્યને અનાદિમુક્તની પંક્તિમાં મૂકેલ છે, હું અનાદિ મુક્ત છું, મને મહારાજે કેવળ કૃપા કરી ભેળો રાખેલ છે. આમ મૂર્તિનો સંબંધ હવે અખંડ રહેવાનો. સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીની વાતોમાં પહેલી વાત છે કે અનાદિનો અર્થ શું ? હું આમ હતો અને આમ થયો એમ નહીં, હું તો અનાદિ મુક્ત જ છું. બાપાશ્રીની કૃપાએ આપણને મૂર્તિ મળી છે. ચૈતન્યને મૂર્તિમાં રાખેલ છે તેથી અહોનિશ એ મનન કરવું કે મહારાજની મૂર્તિમાં જ મારો ચૈતન્ય છે. આમ દરેક ક્રિયામાં ચિંતવન કરવાની ટેવ પાડી દેવી. આપણે આ લોકમાં વ્યવહાર સિદ્ધ કરવા માટે નથી આવ્યા, પણ મૂર્તિ સિદ્ધ કરવા માટે આવ્યા છીએ. આવો જોગ મહારાજે આપ્યો છે, હવે તો એવું જ અનુસંધાન રાખ્યા કરવું કે હું તો સદાય મૂર્તિરૂપ છું. મારા ચૈતન્યને મહારાજનો અખંડ સંબંધ છે,
‘‘હવે હું તો પૂરણ પદવીને પામી રે,
મળ્યા મને નિષ્કુળાનંદ સ્વામી.’
દરરોજ ગાઈએ છીએ. આવાં વચનોનું મનન કરવું. આ કામ પરમકૃપાળુ બાપાશ્રીએકર્યું છે તે કેવળ કૃપા કરી કર્યું છે. ચિંતામણિ, કલ્પતરુ, પારસમણિ એવી ઉપમાએ મહિમા સમજાવે છે પણ મોટા મુક્ત એ ઉપમાથી સમજાવવા રાજી નહિ, કેમ કે એ કોઈ ઉપમા મહારાજને ઘટે નહિ. એવા સર્વોપરી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીએ આપણને પોતાના કર્યા એથી અધિક પદવી કઈ છે ? આપણે તો શ્રીહરિની દિવ્યમૂર્તિનો આનંદ લેવો.