પત્ર : ૫૫
આપણને શ્રીજીમહારાજ તથા બાપાશ્રી અને સદગુરુઓ મળ્યા, મનાણા, તેમણે આપણને પોતાના કર્યા, તેમાં બધું ય છે. મહારાજની મૂર્તિ સાથે અખંડ આશીર્વાદ છે, અભય વરદાન છે, કેમ કે પોતે ન્યાલકરણ છે. એ દિવ્યમૂર્તિનો મહિમા અપાર અપાર છે. કોઈથી પાર પમાય તેમ નથી. તેવી અલૌકિક દિવ્યમૂર્તિના પ્રતાપે તમો ને અમો સુખિયા છીએ અને હવે પછીના શરણે આવનારાઓ પણ સુખિયા રહેશે. આપણને જેટલો મૂર્તિનો સંબંધ તેટલો આનંદ રહે. જ્ઞાને કરીને તો મૂર્તિમાં જ છીએ. આપણને બળ એ સમર્થ ધણીનું છે. અત્યારે એ જ રીતે આનંદ ને સુખ છે એમ જાણીને મહારાજની દિવ્યમૂર્તિનો સંબંધ વધુ રહે તેમ ખટકો રાખવો.