પત્ર : ૧૭૫

તમે લખો છો આમ કરતાં કરતાં અનાદિની સ્થિતિએ પહોંચાશે. તેના કરતાં એમ સજમવું સારું છે કે અનાદિ ભગવાન શ્રીજીમહારાજ નયનગોચર થયા ત્યારથી એમનો એવો સંકલ્પ છે કે મારાં દર્શનથી સૌને આવી મોટી સ્થિતિ પ્રાપ્ત થાઓ. આ સાધનનું ફળ નથી પણ કૃપાનું ફળ છે. તેથી બાપાશ્રી લખે છે કે, ‘તમને કૃપાસાધ્ય પુરુષ મળી ગયા છે.’ આજ મહારાજ અઢળક ઢળ્યા છે, જેથી અનાદિ મુક્તની સ્થિતિમાં રહી અનાદિ ભગવાનનું અનુસંધાન અખંડ રાખવું : ‘‘રસબસ હોઈ રસિયા સંગ’’ એ કૃપાની સ્થિતિ અને ‘‘મારે આજ પ્રીતમ ઘેર આવશે, મને હેતે કરીને બોલાવશે,’’ એ ભક્તના પ્રેમની વાત; ‘‘આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી’’ એ સન્મુખ ભાવની ઉત્તમ સ્થિતિ. આ સ્થિતિ રસબસ ભાવથી ન્યૂન છે, એટલે ઉત્કૃષ્ટ ભાવ જેમાં છે એવી અનાદિની સ્થિતિનું મનન કરવું. આ સ્થિતિ થવાની છે એમ નહિ, પણ થઈ ગયેલ છે. અનાદિનો અર્થ જ એ.