પત્ર : ૨૩
સત્સંગીને મહારાજે આવકમાંથી દશમો-વીશમો ભાગ કાઢવા કહેલ છે તે પ્રમાણે આજ્ઞા પાળવા મોટા મુક્તો કહેતા અને તે પ્રમાણે વર્તાવતા. હવે એ ઉપદેશ ગૌણ થતો જાય છે. ભગવાનનો ભાગ હોય તો જરૂર બરકત થાય, એમ મોટા સંતો કહેતા. રૂ. ૧૦૦ આપે પછી પાંચ એમના ભાગના આપી દેવા તેમાં શું ? પણ એ વખતે ગણતરી થાય છે; આવી બુદ્ધિ મહારાજનાં વચન પાળવામાં આડી આવે છે, એમ મોટા મુક્તો કહે છે. માટે જેને વ્યવહાર નિર્ગુણ કરવો હોય તેણે ભગવાનના વચને ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. શ્રીહરિ દયાળુ છે, એને તો આપણું કાંઈ જોઈતું નથી, એ તો અનંત બ્રહ્માંડમાં સૌનું પોષણ કરે છે, પણ આ તો આપણા લાભ સારુ મહારાજ અલ્પ એવા અંગીકાર કરે છે. બાકી તો અખંડ મૂર્તિરૂપ રહેવું એ મોટી આજ્ઞા છે, મૂર્તિનો સંબંધ સળંગ રહેતો હોય તો સહેજે બધું નિર્ગુણ થાય. જેમ હીરે હીરો વીંધાય, અગ્નિને પ્રસંગે કાષ્ટ અગ્નિરૂપ થાય તેમ મૂર્તિના અખંડ સંબંધથી ચૈતન્ય બ્રહ્મરૂપ મૂર્તિરૂપ થઈ જાય છે. માટે એક મૂર્તિનું જ મંથન કરવું. મોટાને એ એક જ કરાવવું છે, કેમ કે પોતે અખંડ મૂર્તિ ભેળાં રહે છે, અને વારેવારે એમ જ કહે છે. સુખ મૂર્તિમાં જ છે, બીજે રોગી વાની ઊડે છે, માટે મૂર્તિ ભૂલીને હલરવલર ન કરવું. સાધન કરવામાં પણ મૂર્તિ સાથે હોય તો ફળરૂપ થાય. શ્રીજીમહારાજે તથા સંતોએ આપણને શીખવવા બધું કર્યું છે, એમનાં ચરિત્રો તો કેવળ કલ્યાણકારી છે, તેમાં આજ્ઞા-વચનથી વિશેષ પ્રસન્નતા થાય છે.