પત્ર : ૧૨૩

બાપાશ્રીએ મહારાજની સાથે મોટા અનાદિનો મહિમા ઘણો લખ્યો છે, કારણ કે તેમને મહારાજ જીવનરૂપ હોય છે. મનુષ્યની રીતે વર્તતા હોય ત્યારે એવો મહિમા જાણી શકાતો નથી, જો જણાતો હોય તો આપણને પરમ કૃપાળુ બાપાશ્રી મળ્યા, સદગુરુઓ મળ્યા, સ. ગુ. શ્રી ઈશ્વર સ્વામી, સ. ગુ. શ્રી વૃંદાવનદાસજી સ્વામી, સ. ગુ. શ્રી હરિનારાયણદાસજી સ્વામી, સ. ગુ. શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, શ્રી નિર્ગુણાનંદજી બ્રહ્મચારી, સ. ગુ. શ્રી શ્વેત સ્વામી, સ. ગુ. શ્રી ગુણાતીત સ્વામી, સ. ગુ. શ્રી ભગવત્સ્વરૂપ સ્વામી, સ. ગુ. શ્રી દેવજીવન સ્વામી, સ. ગુ. શ્રી ધ્યાની સ્વામી, સ. ગુ. શ્રી હરિપ્રસાદ સ્વામી તથા અ. મુ. ભૂરાભાઈ, નાગજીભાઈ, મનસુખભાઈ, નાગરદાસભાઈ આદિ તથા અ. મુ. કાનજીબાપા, મનજીબાપા, કેસરબાપા, દેવરાજબાપા વગેરે ઘણા મહામુક્તોનાં દર્શન કર્યાં, પણ આ સર્વેનો જેમ છે તેમ મહિમા સમજી શકાતો નથી. પૂર્વે મોટા થઈ ગયા તેનો મહિમા કહેતા એમ થાય છે કે બહુ સામર્થ્ય જણાવ્યું, અનેકને મહારાજના દિવ્ય સુખે સુખિયા કર્યા. એમના દિવ્યભાવનાં લખાણો જોતાં ગમે તેવા હોય તો પણ તાજુબ થઈ જાય. મહારાજ તથા બાપાશ્રી પરોક્ષ થઈ ગયા જે મુક્તો તેના જેવો પ્રત્યક્ષ દેખાતા મુક્તનો મહિમા સમજાવે છે, પણ એ બેઠા હોય એ ટાણે એવું માહાત્મ્ય જાણી શકાતું નથી. કીર્તન ગાઈએ :

‘આજ સખી આનંદની હેલી’

‘મારે આનંદનો દિન આજ’

‘ન ગઈ ગંગા ગોદાવરી કાશી

ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી.’

એ ટાણે જરા અમલ જણાય, પણ મહારાજ કહે છે તેમ આઠે પહોર આનંદ વર્તે તેવું થતું નથી, તે થવું જોઈએ.