વિશ્રામ ૧

स्तुति

श्रीमच्छारदपूर्णचन्द्रविलसत्स्मेराननं श्रीहरि

तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ।

ताराभिर्विधुमर्च्यमानमुरुधा तैश्चन्दनैः कौमुसमै –

र्हारैः शेखरपङि्‌क्तभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये ।। १ ।।

गोलोकेश ! परेश ! कृष्ण ! भगवंस्तवं कालमायेश्वरः

सर्वेषां च नियामकोऽक्षरपरो दिव्याकृतिः स्वप्रभः ।

सर्वात्मा पुरुषोत्तमोऽसि सकलैश्वर्याभिजुष्टः सदा

वन्दे भक्तजनेष्टकल्पतरवे वर्णीन्द्रवेषाय ते ।।२ ।।

मूर्तिस्थितं मम गुरुं तमनादिमुक्तं

सर्वोच्चसौख्यदमहो महनीयकीर्तिं ।

भक्तैश्च त्यागिगृहिभिर्नितरां निषेव्यं

श्रीअब्‌जीतातमनिशं प्रणमामि भक्तया ।। ३ ।।


મંગળાચરણ

ગોલોક, બ્રહ્મપુર, અક્ષર આદિ ધામથી પર શ્રીજીમહારાજનું અક્ષરધામ છે; તે કેવું છે તો અધોઊર્ધ્વ ને ચારે કોરે પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ છે અને તે તેજના સમૂહને જ અક્ષરધામ કહ્યું છે. તે ધામ આદિ મધ્ય ને અંત તેણે રહિત છે અને અનંત અપાર છે અને તે તેજ શ્રીજીમહારાજના અંગેઅંગમાંથી પ્રગટ થયું છે, માટે તે શ્રીજીમહારાજનું તેજ છે તે અતિશય શીતળ શાંત છે ને અતિશય સુખરૂપ છે. તેને કોઈની ઉપમા ન દેવાય એવું અલૌકિક દિવ્ય છે. અને તે તેજ જ અવિચળ ધામરૂપે તથા મહોલરૂપે તથા મહોલમાં સિંહાસનરૂપે શ્રીજીમહારાજની ઈચ્છાથી શોભા આપે છે તેને જ અક્ષરધામ, બ્રહ્મમહોલ આદિ નામે કરીને વચનામૃત આદિ શાસ્ત્રમાં કહ્યું છે, એવું શ્રીજીમહારાજનું ધામ છે. તેમાં શ્રીસ્વામિનારાયણ ભગવાન મુક્તે સહિત વિરાજમાન છે; તે કેવા છે, તો દિવ્ય દ્વિભૂજમૂર્તિ છે અને સર્વ કારણના કારણ છે. તે શ્રીજીમહારાજને ચારે કોરે અનંતકોટિ પરમએકાંતિક મુક્ત બેઠા થકા શ્રીજીમહારાજનાં દર્શન કરે છે અને અનંતકોટિ અનાદિમુક્ત છે, તે શ્રીસ્વામિનારાયણમાં લીન રહીને સળંગ સ્વરૂપનો અખંડ આનંદ અનુભવે છે એવા, અને અનાદિમુક્ત અને પરમએકાંતિક મુક્ત તેમના સ્વામી, સુખદાતા ને નિયંતા એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાન તમે છો. તે તમે તમારા અન્વય સ્વરૂપે કરીને અક્ષર, વાસુદેવબ્રહ્મ, મહાકાળ, મહાપુરુષ ને મહામાયા તેમને સુખ સામર્થ્ય ને પ્રકાશના પ્રદાતા છો, માટે તે સર્વે અવતારના અવતારી છો. અને તે સર્વેમાં તમારા પ્રકાશરૂપ અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છો, માટે કાળ, માયા, પુરુષ ને અક્ષર - તે પુરુષોત્તમ જે તમે તે તમારી શક્તિઓ કહી છે. અને તે અક્ષર, પુરુષ કાળ ને માયા તે રૂપે કરીને અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કર્તા ને કર્મફળ પ્રદાતા છો, અને રામ, કૃષ્ણ ને નરનારાયણ આદિ અવતારને ધારણ કરો છો, અને વ્યતિરેક સ્વરૂપે તો પોતાના ધામમાં સદાય બિરાજમાન છો, ને પોતાના મુક્તને સ્વ-સ્વરૂપનો આનંદ આપો છો, એવા આપ સ્વામિનારાયણ ભગવાન છો તે તમે તમારા સંકલ્પે કરીને પોતાના પ્રેમી ભક્તને લાડ લડાવવાને અર્થે છપૈયાપુરમાં ધર્મપિતાશ્રી ભક્તિમાતાને વિષે પ્રગટ થયા છો. અને હું તમારો દાસાનુદાસ છો, તે મારા ઉપર કૃપા કરીને તમે મને તમારા સ્વરૂપનું અનુભવજ્ઞાન આપો ને તમારું સાધર્મ્યપણું જે સામ્યપણું તથા તુલ્યભાવ કહેતાં તદ્રુપ તલ્લીન ભાવને પામેલો એવો તમારા રૂપ અનાદિમુક્ત કરીને તમારી મૂર્તિમાં રાખો.

ગોલોક ધામરૂપ દુર્ગપુર તેના મધ્યે અક્ષરધામરૂપ ઉત્તમ નૃપતિના રાજમહોલ મધ્યે લીંબતરુ નીચે, શ્રીજીમહારાજ જે તમે તે તમારી ઇચ્છાથી ત્યાગી સાધુ ને ગૃહસ્થ સત્સંગીરૂપે પ્રગટ થયેલા એવા અક્ષરધામના મુક્ત, તથા ગોલોક આદિ ધામના મુક્ત, તેમની સભામાં બિરાજમાન એવા ને દિવ્ય વસ્ત્ર-આભૂષણ તથા દિવ્ય ચંદનપુષ્પે ધરી રહ્યા એવા ને સ્વ-સ્વરૂપનું અનુભવજ્ઞાન, ધ્યાન ને અનાદિમુક્તની સ્થિતિ ને સર્વોપરી ઉપાસના, આજ્ઞા અને માહાત્મ્યે સહિત ભક્તિ તે રૂપી એકાંતિક ધર્મ તે સંબંધી વાતો કરીને પોતાના ભક્તને જ્ઞાનદાન દઈને આનંદ પમાડો છો, ને કેવળ કૃપા કરી અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરાવો છો. વળી દિવ્યસ્વરૂપ એવા અને મહાપુરુષ ને મહામાયા અને અક્ષરપુરુષ આદિના ઐશ્વર્યમાં તથા માયાના વિષયભોગના મોહે રહિત એવા મુક્ત, તે પણ તમારા રૂપમાં મોહ પામીને તમને વશ વર્તે છે. આવા તમે રૂપાળા ને સુખરૂપ છો. અને જીવોને તમારા સ્વરૂપનું જ્ઞાન નથી તેથી કરીને જીવમાં માયિક વિષયના રાગરૂપ વજ્રસાર જેવું મૂળ અજ્ઞાનરૂપ બંધન રહ્યું છે. તેને તમે તમારા જ્ઞાન-ધ્યાને કરીને ભેદી નાખો છો, અને જીવને શિવ કરીને તમારામાં સ્નેહે કરીને બાંધી રાખો છો તેમ તમારા સ્વરૂપમાં બાંધી રાખશો.

અને વળી હે હરિ ! હું તમને નમસ્કાર કરું છું. તે તમે કેવા છો, તો મનુષ્યરૂપે પ્રગટ થયા છો તોપણ અક્ષરધામમાં જેવા છો તેવા જ દિવ્ય છો. તે તમે બાળસ્વરૂપે પ્રગટ થયા તે સમયે તમારાં માતાપિતાને તેજના સમૂહમાં અનંત મુક્તે સહિત દિવ્યરૂપે દર્શન દીધાં. અને વળી કોઈક સમયે ભક્તિમાતાને સમાધિ કરાવીને અક્ષરધામમાં અનંત મુક્તે સહિત દર્શન દીધું ને તે અક્ષરધામને આધારે રહેલાં અનંત અક્ષરના ધામને દેખાડ્યાં ને અક્ષરને આધારે અનંત ગોલોક આદિ ધામ દેખાડ્યાં, એમ પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવીને પછી બાળરૂપે દર્શન આપ્યાં. અને પુલહાશ્રમમાં તમે તપશ્ચર્યા કરતા હતા ત્યારે નરનારાયણ દેવ તથા બીજા બ્રહ્મા, શિવ, સૂર્ય આદિ દેવ આવ્યા. તેમણે તમારી પ્રાર્થના કરી ત્યારે તમે તપની સમાપ્તિ કરી. ને કેટલાક ભક્તને તમારી મૂર્તિ તેજના સમૂહને વિષે નિરંતર દેખાય છે ને તમે નવલખા પર્વતમાં નવલાખરૂપે થઈને નવલાખ જોગીને મળ્યા, પંચાળામાં જેટલા સાધુ-હરિભક્ત હતા તેટલા રૂપે થઈને તેમની સાથે રાસ રમ્યા, જોબન પગીને ઘોડે ઘોડે દર્શન દીધાં, પર્વતભાઈ તથા અભય રાજા તેમને ચોવીસ અવતાર તમારી સ્તુતિ કરતા દેખાડ્યા ને પોતાની મૂર્તિમાં લીન કરી દેખાડ્યા ને પોતાનું સર્વકારણપણું જણાવ્યું અને તમે કેવળ કૃપા કરીને હજારો મુમુક્ષુ જીવોને સમાધિઓ કરાવી ને તે સમાધિઓમાં ધામ, મુક્ત તથા અનંત ઐશ્વર્ય તેણે સહિત રાધાકૃષ્ણ, નરનારાયણ આદિ અવતારરૂપે દર્શન દીધાં ને સર્વથી પર પોતાના અક્ષરધામમાં પોતાની દિવ્ય મૂર્તિનાં દર્શન કરાવ્યાં ને સર્વે અવતારોને પોતાની સ્તુતિ-પ્રાર્થના કરતા દેખાડ્યા. વળી પોતાનું સર્વોપરી પુરુષોત્તમપણું પ્રગટ કર્યું, પાંચસો પરમહંસ કર્યા, ત્રણસો સાંખ્યયોગી બાઈઓ નૈષ્ઠિક બ્રહ્મચર્યવાળાં તમારાં આશ્રિત થયાં. વળી તમે મોટાં મંદિર કરાવીને પોતાનાં સ્વરૂપ પધરાવ્યાં ને પોતાની મૂર્તિ પણ પધરાવી ને તે મૂર્તિઓ દ્વારા અનેક ભક્તોને અનંત ઐશ્વર્ય બતાવ્યાં. શ્રીનગર તથા વડતાલ એમ બે ગાદી સ્થાપન કરી ને શ્રીઅયોધ્યાપ્રસાદજી મહારાજ તથા શ્રીરઘુવીરજી મહારાજને આચાર્યપદવી આપી ને મોટા મોટા સંતોએ શાસ્ત્ર તથા કાવ્ય-કીર્તન કરી તમારા ગુણ ગાયા એવા જે તમે, તે તમારે વિષે મારો સદાય દિવ્ય ભાવ રહે, અને હું તમારું દિવ્ય ભાવે ધધ્યાન કરું છું પણ અખંડ થાય તેવી કૃપા કરશો.

હવે ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીને નમસ્કાર કરું છું, જે સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જેમને પોતાના દત્તપુત્ર કરીને આચાર્યપદ આપ્યું ને પોતાના સંપ્રદાયના સર્વે શાસ્ત્રના રહસ્યજ્ઞાનના જ્ઞાતા ને સર્વોપરી સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય સ્વરૂપના સાક્ષાત્‌ અનુભવી ને મહાકવિ તથા મુમુક્ષુને સ્વામિનારાયણ શ્રીહરિનું સ્વરૂપ સમજાવવું ને તે સ્વરૂપનો અપરોક્ષાનુભવ કરાવવો તેમાં સમર્થ, એવા બંને ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી અયોધ્યાપ્રસાદજી તથા ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી રઘુવીરજી તેમને હું નમસ્કાર કરું છું, તેમ જ સ્વામિનારાયણ-સ્વરૂપ ધ. ધુ. આચાર્યશ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજને પણ નમસ્કાર કરું છું.

વળી મોટા મોટા સદગુરુને સ્તુતિ-પ્રાર્થનાપૂર્વક વંદન કરું છું, તેમાં પ્રથમ સંતદાસજીને નમસ્કાર કરું છું. તે સંતદાસજી કેવા છે, તો જદે શ્રીજીમહારાજના પ્રતાપે ત્રિકાળનું જ્ઞાન, દિવ્ય દૃષ્ટિ ને સિદ્ધદશા પામ્યા હતા ને તેમને અક્ષરધામપર્યંત કોઈ આવરણ આડું આવતું નહિ, સ્વતંત્રપણે બદરિકાશ્રમ આદિ ધામમાં જતા-આવતા ને સર્વેથી પર અક્ષરધામમાં અનંત મુક્તે સહિત શ્રીજીમહારાજને અખંડ દેખતા એવા અનાદિમુક્ત સંતદાસજી જેમનું બીજું નામ સતાનંદમુનિ હતું, તેમની પાસે શ્રીજીમહારાજે ‘સત્સંગિજીવન’ નામે સંપ્રદાયના સિદ્ધાંતનો ગ્રંથ કરાવ્યો છે, એવા સતાનંદમુનિ તેમને મારી વંદના છે.

અને તેવા જ વ્યાપકાનંદમુનિ પણ શ્રીજીમહારાજની કૃપાથી સર્વે ગુણ ઐશ્વર્યે યુક્ત હતા ને સિદ્ધ સ્થિતિને પામ્યા હતા ને અખંડ મૂર્તિમાં રહેતા ને મુક્તે સહિત શ્રીજીમહારાજને અખંડ દેખતા ને શ્રીજીમહારાજ તેમના દ્વારા સર્વે ક્રિયા કરતા એવા વ્યાપકાનંદમુનિ, તે શ્રીજીમહારાજની આજ્ઞાથી ભૂમાપુરુષના ધામમાં ગયા, ત્યારે ભૂમાપુરુષે તે મુનિને પોતાના સિંહાસન ઉપર બેસાડીને પૂજા કરી, પછી ભૂમાપુરુષે શ્રીજીમહારાજની વાતો સાંભળવાની ઇચ્છા જણાવી, ત્યારે તે મુનિએ શ્રીજીમહારાજના માહાત્મ્યજ્ઞાનની તથા ઐશ્વર્ય-પ્રતાપની વાતો કરી. તેને સાંભળીને ભૂમાપુરુષ અને તેમના મુક્ત તે પણ શ્રીજીમહારાજનું સાધર્મ્યપણું પામીને શ્રીજીમહારાજના મુક્ત થયા પછી તે મુક્તને શ્રીજીમહારાજ પાસે ધામમાં મોકલી દીધા. તે વાત વ્યપકાનંદમુનિએ શ્રીજીમહારાજ સે આવીને કહી, ત્યારે બીજા સંતોએ પણ શ્રીજીમહારાજનો ને મુક્તનો અતિ મહિમા જાણ્યા. એવા તે વ્યાપકાનંદમુનિ જેમનું બીજું નામ વ્યાપકેશમુનિ છે તેમને હું નમસ્કાર કરું છું.

અને વળી શ્રીજીમહારાજે સ્વરૂપાનંદસ્વામીને કહ્યું કે, ‘‘તમે યમપુરીના જીવોને મુક્ત કરી ભૂમાપુરુષના ધામમાં મેલી દો.’’ ત્યારે તે સંતે યમપુરીમાં જઈને ‘સ્વામિનારાયણ’ નામની ધૂન કરી. તેને સાંભળીને નરકુંડમાં દુઃખ ભોગવતા એવા અનેક જીવો તે મુક્ત થયા ને તેમને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છે ને મૂર્તિ વિના બીજું કાંઈ દેખતા નથી એવા સ્વરૂપાનંદસ્વામી જેમનું બીજું નામ સુવ્રતઋષિ છે, તે અનાદિમુક્ત એવા સ્વરૂપાનંદ સ્વામીને હું નમસ્કાર કરું છું.

અને જે મુક્તાનંદ સ્વામી બાલ્યાવસ્થામાં જ તીવ્ર વૈરાગ્યના વેગથી ગૃહકુટુંબ ને વિષયભોગની વાસનાનો ત્યાગ કરીને રામાનંદસ્વામીના શિષ્ય થઈને તેમની પાસે રહ્યા હતા ને લોજપુરમાં શ્રીજીમહારાજ પણ તેમના ભેગા નવ માસ રહ્યા હતા, ને શ્રીજીમહારાજ પણ મુક્તાનંદસ્વામીને ગુરુભાવે માન આપતા ને સર્વે પરમહંસમાં અગ્રગણ્ય ગણાતા, ને મુક્તાનંદસ્વામીએ વચનામૃતમાં શ્રીજીમહારાજને ૯૧ પ્રશ્ન પૂછ્યા ને જે મુક્તાનંદ સ્વામી સાધુતાનાં સર્વે લક્ષણ તથા ભગવાનના ગુણ-ઐશ્વર્ય તેણે યુક્ત હતા; તેમનાં દર્શનથી અને તેમની વાત સાંભળળાથી મનુષ્યોના ત્રિવિધ તાપ ટળી જતા ને અંતઃકરણની વૃત્તિનો શ્રીજીમહારાજમાં નિરોધ થઈ જતો ને તેમના વચનથી સમાધિ સ્થિતિ પણ થતી ને શ્રીજીમહારાજે મુક્તાનંદસ્વામીને પોતાનું સર્વોપરીપણું સમજાવીને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરાવી હતી ને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહીને અખંડ મૂર્તિ દેખતા તોપણ શ્રીજીમહારાજને વિષે દાસપણાનું અંગ હતું એવા મુક્તાનંદસ્વામીને હું નમસ્કાર કરું છું.

અને જે ગોપાળાનંદસ્વામી શ્રીજીમહારાજના સંકલ્પથી મનુષ્યરૂપે આ લોકમાં પ્રગટ થયા હતા, માટે શ્રીજીમહારાજના સંકલ્પરૂપ એવા અનાદિમુક્ત હતા, તેમના ગુણ તથા ઐશ્વર્ય તે શ્રીજીમહારાજ જેવા જ હતા, અને જે ગોપાળાનંદસ્વામીના સંકલ્પની તેમના જેવી જ સો મૂર્તિઓ થઈ હતી ને તે સંકલ્પનાં સ્વરૂપો કેટલાક હરિભક્તના દેખાવમાં પણ આવેલાં. વળી શ્રીજીમહારાજે કહ્યું હતું જે, ગોપાળાનંદસ્વામી અમારે ઠેકાણે છે ને અમે જેમ જીવોના મોક્ષ કરીને છીએ તેમ તેઓ પણ મોક્ષ કરવા સમર્થ છે; માટે સાધુ-સત્સંગી તમે ગોપાળાનંદસ્વામીની આજ્ઞામાં વર્તશો, એમ શ્રીજીમહારાજે સર્વેને કહ્યું હતું. ને ગોપાળાનંદસ્વામીએ પણ કેટલાક સંત-હરિભક્તને શ્રીજીમહારાજના સર્વોપરીપણાની ને અનાદિમુક્તની સ્થિતિની વાતો સમજાવીને મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો હતો ને અનાદિમુક્તની સ્થિતિની પ્રાપ્તિ પણ કરાવી હતી ને જે ગોપાળાનંદસ્વામી શ્રીજીમહારાજની મૂર્તિમાં રહીને સળંગ મૂર્તિના રોમરોમનું નવીન નવીન સુખ અખંડ અનુભવતા ને મૂર્તિ વિના બીજું કાંઈ દેખતા નહિ, એવા ગોપાળાનંદસ્વામીને હું નમસ્કાર કરું છું.

જે બ્રહ્માનંદસ્વામી માતાના ઉદરમાં પણ શ્રીજીમહારાજની મૂર્તિ દેખતા એવા જે બ્રહ્માનંદસ્વામી તે અતિ સ્નેહવાળા અનાદિમુક્ત હતા ને શ્રીજીમહારાજે પણ તેમની સાથે નિરવધિ સ્નેહ હતો, ને શ્રીજીમહારાજ તેમના સ્નેહને વશ થઈને તેમનું કહેલું વચન માન્ય રાખતા ને મહાકવિ ને સર્વે યોગકળાઓમાં તથા સર્વે વિદ્યાઓમાં પ્રવીણ હતા. તે બ્રહ્માનંદસ્વામીએ શ્રીજીમહારાજના કહેવાથી વડોદરાના શાસ્ત્રીઓને પોતાનું ઐશ્વર્ય બતાવ્યું હતું, તે શું ? તો બ્રહ્માનંદસ્વામીએ પોતાના સંકલ્પમાત્રથી અલૌકિક દિવ્ય સોનાનું પારણિયું કર્યું ને તેમાં દિવ્ય સ્વરૂપ પોતે શયન કર્યું ને મોટા મોટા દેવ ને મૂર્તિમાન ચાર વેદ ચારે કોરે હાથ જોડીને ઊભા રહ્યા ને સ્તુતિ-પ્રાર્થના કરવા લાગ્યા. એવાં બ્રહ્માનંદસ્વામીએ શાસ્ત્રીઓને પોતાનાં દર્શન આપ્યાં. બ્રહ્માનંદસ્વામીનાં એવાં દર્શન કરીને શાસ્ત્રીઓને અતિ આશ્ચર્ય થયું ને બ્રહ્માનંદસ્વામીનો અલૌકિક મહિમા જાણ્યો, એવા બ્રહ્માનંદસ્વામીને હું નમસ્કાર કરું છું.

અને જે નિત્યાનંદસ્વામીને શ્રીજીમહારાજની કૃપાથી શાસ્ત્રમાત્ર મુખપાઠે સ્ફુરાયમાન રહેતાં ને મોટા મોટા આચાર્યોથી પણ વિદ્વત્તામાં વિશેષ શક્તિમાન હતા ને શ્રીજીમહારાજ પાસે કથા વાંચતા ને શ્રીજીમહારાજની મૂર્તિ જોઈને આનંદ પામતા એવા અનાદિમુક્ત નિત્યાનંદ સ્વામીને મારા નમસ્કાર હો !

જે ગુણાતીતાનંદસ્વામી શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ રહ્યા છે ને અનાદિમુક્ત છે, તે બીજા મુમુક્ષુ જીવને મૂર્તિમાં જોડાવા સારુ ભગવાનની કથાવાર્તા નિરંતર કરતા ને શ્રીજીમહારાજનું ધ્યાન અખંડ ધરતા એવા ગુણાતીતાનંદસ્વામીને હું નમસ્કાર કરું છું.

જે શુકસ્વામી શ્રીજીમહારાજની સેવામાં નિરંતર રહેતા ને શ્રીજીમહારાજે તેમને પોતાની ભુજારૂપ કહ્યા છે ને સર્વે શાસ્ત્રોનું તત્ત્વજ્ઞાન જાણતા હતા ને જેવા મુમુક્ષુ જીવો હોય તેને તેવું શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજાય,. તેવું તેમને સમજાવવાની શક્તિ હતી ને પોતે શ્રીજીમહારાજને સર્વોપરી સમજતા ને તેજના સમૂહને વિશે શ્રીજીમહારાજની મૂર્તિ અખંડ દેખતા એવા શુકાનંદમુનિ હું તેમને નમસ્કાર કરું છું.

અને જે મુકુંદાનંદવર્ણી તે પોતાનો દેહનો અનાદર કરીને શ્રીહરિની સેવામાં તત્પર રહેતા ને તેમની મનોવૃત્તિ શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ રહેતી તેમ જ વાસુદેવાનંદ બ્રહ્મચારી તે જે તે તેજના સમૂહમાં દિવ્ય તેજોમય મૂર્તિ એવા શ્રીજીમહારાજને અખંડ દેખતા ને જેમણે શ્રીજીમહારાજના માહાત્મ્યજ્ઞાને સહિત ચરિત્રનો ‘સત્સંગિભૂષણ’ નામે મોટો ગ્રંથ કર્યો છે ને જેમને શ્રીજીમહારાજે પોતાની ગાદી પર બેસાર્યા હતા ને પોતાને જેવા પૂજ્યપણે માનવા એમ સર્વેને કહ્યું હતું, એવા અનાદિમુક્ત વાસુદેવાનંદસ્વામીને હું નમસ્કાર કરું છું. તેમ જ નિષ્કુળાનંદસ્વામી આદિ સર્વે પરમહંસ, તથા ભગુજી આદિ સર્વે પાર્ષદ, તથા દાદાખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ આદિ સર્વે અનાદિમુક્તને હું નમસ્કાર કરું છું.

હવે શ્રીજીમહારાજના સંકલ્પમૂર્તિ એવા મારા ગુરુ અનાદિમુક્ત અબજીબાપાની સ્તુતિ-પ્રાર્થના કરું છું : હે શ્રીજીસ્વરૂપ ! હે અનાદિમુક્તરાજ ! હું તમારી સ્તુતિ-પ્રાર્થના કરું છું જે, તમે કેવા છો, તો શ્રી સ્વામિનારાયણ ભગવાનરૂપ છો ને શ્રીજીમહારાજની જેમ અનાદિ સ્વતંત્ર છો, તેમ તમે પણ અનાદિ ને સ્વતંત્ર છો, તેમ તમે પણ અનાદિ ને સ્વતંત્ર છો ને જેટલું શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું જ તમારું કર્યું પણ થાય છે, એવા તમે અનાદિમુક્ત છો ને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા શ્રીજીમહારાજના સંકલ્પથી આ લોકમાં દર્શન આપો છો ને જે શ્રીહરિનો ને તમારો આશરો કરે તેને તમારા જેવા અનાદિમુક્ત કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખો છો ને મૂર્તિનું રોમરોમનું સુખ ભોગવે તેવા સમર્થ મુક્ત છો; કેમ જે શ્રી સ્વામિનારાયણ ભગવાને મુક્તરૂપે સર્વેને મૂર્તિના સુખે સુખિયા કરવા - એવો સંકલ્પ કરીને તમને મૂક્યા છે, માટે શ્રીજીમહારાજના સંકલ્પની મૂર્તિ છો; શ્રીજીમહારાજની વતી આવ્યા છો ને તે શ્રીજીમહારાજ તમારા દ્વારા સર્વેને સુખિયા કરે છે, એવા આપ સ્વતઃસિદ્ધ અનાદિમુક્ત છો પણ બીજા મુક્તની પેઠે ભજીને થયેલા નથી. આપ તો અનાદિમુક્ત છો, અને શ્રીજીમહારાજનો મહિમા તો અતિશય અપાર છે ને તમે શ્રીજીમહારાજની મૂર્તિમાં રહી સદાય સુખલો છો ને શ્રીજીમહારાજની ઇચ્છાથી મૂર્તિમાં રહ્યા થકા મનુષ્યરૂપે દર્શન દો છો, પણ તમારે આવવું-જવું નથી; તમે તો સદાય દિવ્યસ્વરૂપ છો અને મનુષ્યરૂપે છો તોપણ શ્રીજીમહારાજના ભેગા અક્ષરધામમાં રહ્યા છો. એવા તમે બાપાશ્રી નામે તથા અનાદિમુક્ત નામે તથા અબજીભાઈ નામે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જયકારીપણે વર્તો છો, એવા તમે મને દયા કરીને શ્રીજીમહારાજને તમારા ચરણની સેવામાં રાખો ને શ્રીજીમહારાજના સ્વરૂપમાં રસબસ રાખીને શ્રીજીમહારાજ અને તમારા સ્વરૂપનો અખંડ આનંદ અનુભવાતો.

હે મુક્તરાજ ! તમે શ્રી સ્વામિનારાયણ મૂર્તિરૂપ દિવ્યસ્વરૂપ છો, કેમ જે તમે સ્વામી નિર્ગુણદાસજીને તેજોમય દર્શન દીધું હતું ને છપૈયાપુરમાં ગયા, ત્યારે મોટા મોટા દેવ તમારાં દર્શન કરવા આવ્યા હતા ને બ્ર. નિર્ગુણાનંદજીને આપે દયા કરી તેથી શ્રીજીમહારાજ ને તમારાં દિવ્યરૂપે તેજના સમૂહમાં દર્શન થયાં હતાં ને તમે શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થયા, પછી બ્ર. નિર્ગુણાનંદજી શ્રીજીમહારાજની મૂર્તિમાં તેજમાં અખંડ દેખતા. તેમ જ આપે કૃપા કરીને અનંત સંત-હરિભક્તને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો છે ને અનાદિમુક્ત કર્યા છે અને મને પણ અનાદિમુક્તની સ્થિતિ જણાવવા સારુ આપે દયા કરીને શ્રીજીમહારાજની સાથે દિવ્યરૂપે દર્શન દીધાં હતાં અને તમે શ્રીજીમહારાજનાં ને તમારાં ભેગાં દર્શન થયાં હતાં, માટે તમે દિવ્યમૂર્તિ છો ને તમે શ્રીજીમહારાજ ભેગા છ ને શ્રીજીમહારાજ તમારા ભેગા છે.

અને વળી કોઈક સમયને વિષે સંત-હરિભક્તની સભામાં વિરાજમાન અને સંત-હરિભક્તોએ ચંદન તથા પુષ્પના હારથી પૂજેલા એવા ને વચનામૃતની રહસ્યવાતો કરીને સંત હરિભક્તને આનંદ પમાડતા ને કેવળ કૃપા કરી પોતારૂપ અનાદિમુક્ત કરીને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપતા ને સળંગ મૂર્તિના સુખનો અનુભવ કરતા ને વળી કરાવતા ને જેમના શરીરની કાંતિ નવીન મેઘ સમ છે ને સર્વ અવયવને વિષે શોભાયમાન અને પુષ્ટ સ્વરૂપ એવા ને પાંચા પિતા અને દેવબા માતાના પુત્ર, એવા મારા પરમ ગુરુરાજ છો. તે તમે મારા ઉપર દયા કરીને મને તમારો સજાતિ અનાદિમુક્ત કરીને તમારા ભેગો મૂર્તિમાં રાખશો ને હું અનાદિમુક્તે સહિત શ્રીજીમહારાજનું ધ્યાન કરું છું.

અને વળી કોઈક દિવસ બાપાશ્રી મંદિરના ચોકમાં જામફળી નીચે ઢોલિયામાં બેઠા હતા અને ધનજી પટેલ પાસે યજ્ઞની કંકોત્રીઓ લખાવતા હતા ને બાપાશ્રી પાસે ભૂરાભાઈ, નાગજીભાઈ આદિ હરિભક્તો બેઠા હતા, તે સમે સાધુ કેશવપ્રિયદાસે કથાની સમાપ્તિ કરીને બાપાશ્રીપાસે આવી માથું નમાવીને દર્શન કર્યાં અને બાપાશ્રીએ કહ્યું જે, ‘‘બાપા ! આજે ગ્રંથ પૂરો વંચાઈ રહ્યો !’’ ત્યારે બાપાશ્રી અતિશય કરુણાએ ભીના થકા બોલ્યા જે, ‘‘આ બિચારાનો વાંચી વાંચીને કંઠ બેસી ગયો માટે શું આપશું ?’’ ત્યારે નાગજીભાઈએ કહ્યું જે, ‘‘મૂર્તિ આપો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘મૂર્તિ તો આપી છે પણ પૂરું કરી દઈએ’’ - એમ કહીને કેશવપ્રિયદાસજીના માથા ઉપર બે હસ્તકમળ દબાવીને કહ્યું જે, ‘‘જાઓ, તમારું પૂરું પૂરું પૂરું’’ - એમ ત્રણ વાર અતિ દયાથી બોલ્યા, એવા હે ગુરુરાજ ! મારા ઉપર સદાય રાજી રહો.

શ્રીજીમહારાજ ને સદ્‌. સ્વામિ નિર્ગુણદાસજી તથા અબજીબાપાશ્રી, તેમના જોગ-સમાગમથી અનાદિમુક્તની સ્થિતિને પામેલા અને મૂર્તિના સુખભોક્તા અને એકાંતિક ધર્મના ધારક-પ્રવર્તક એવા સદગુરુ સ્વામી દેવચરણદાસજી, મુકુંદજીવનદાસજી, ઘનશ્યામજીવનદાસજી, નારાયણસેવકદાસજી, કૃષ્ણજીવનદાસજી, વૃંદાવનજીવનદાસજી, ઈશ્વરચરણદાસજી, કૃષ્ણકેશવદાસજી, પૂ. હરિપ્રસાદદાસજી, શા. ધર્મસ્વરૂપદાસજી આદિ અમદાવાદના તથા મૂળીના સદ્‌. સ્વામિ હરિનારાયણદાસજી, બાલકૃષ્ણદાસજી, પૂ. ધર્મકિશોરદાસજી, ગુણાતીતદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, ભગવત્સ્વરૂપદાસજી, દેવજીવનદાસજી, કૃષ્ણપ્રદાસદાસજી, શા. ગોપાળચરણદાસજી આદિ, તથા વડતાલના સદ્‌. પૂ. રઘુવીરચરણદાસજી આદિ, તથા ભૂજના સ્વામી અક્ષરજીવનદાસજી, બ્ર. નિર્ગુણદાસજી, મહાપુરુષદાસજી, ભક્તિપ્રિયદાસજી, શ્રીવલ્લભદાસજી આદિ સંત-મંડળ તથા બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ ને મનજીભાઈ તથા માવજીભાઈ ને જાદવજીભાઈ તથા પટેલ પરબત ને રામજી નારાયણ આદિ વૃષપુરના, તથા દહીંસરાના કેસરાભાઈ, તત્‌સુત ખીમજી ને દેવજી, તથા રત્નાભાઈ આદિ, તથા રામપુરના દેવરાજભાઈ આદિ, તથા નારાયણપુરના જાદવજીભાઈ, તત્‌સુત ધનજીભાઈ, તત્‌સુત રામજી, લાલજી ને હરજી આદિ તથા કેરાના કુંવરજીભાઈ આદિ તથા ભારાસરના પટેલ ગાંગજી ભોજા, તેજા ભક્ત, પૂંજા ભક્ત, કેસરાજ, રામજી વાલજી, રામજી રૂડા આદિ તથા સુખપુરના દેવજીભાઈ, કાનજી પટેલ, વાલજી ભક્ત, વીરજી ભક્ત આદિ, તથા કુંભારિયાના મિસ્ત્રી હરજીભાઈ તથા ગોવાભાઈ આદિ, તથા ભૂજના પુરુષોત્તમભાઈ મહેતા તથા કોટવાળ ઘેલાભાઈ તથા કોઠારી ચાગપાળ આદિ કચ્છના, તથા ઉપરદળના રામજીભાઈ, સરસપુરના પ્રાણશંકરભાઈ, ગિરજાશંકરભાઈ, કાણોતરના બાપુભાઈ, કણભાના આશાભાઈ, પ્રાંતિજના કેશવલાલભાઈ, માલણિયાદના અમીચંદભાઈ તથા ચતુરભાઈ, વાંટાવદરના ભૂરાભાઈ તથા સોની મોતીભાઈ, મનસુખભાઈ, ડૉ. નાગરદાસ તથા મણિલાલ, શેઠ બળદેવભાઈ, શેઠ હીરજીભાઈ, બહેચરભાઈ, નાગજીભાઈ, સોમચંદભાઈ, સોની રામજી આદિ સર્વે અનાદિ મુક્તમંડળને હું નમસ્કાર કરું છું. તમે સર્વે મારા ઉપર રાજી રહેશો. ઇતિ વિશ્રામ ૧.